લોન-ક્રેડિટ કાર્ડ જેવા દેવાથી બચવાના ઉપાયો; બજેટ બનાવી ક્ષમતા અનુસાર ખર્ચ કરો અને ચિંતામુક્ત રહો

Loan debt management tips : જો લોન- ક્રેડિટ કાર્ડ બીલ કે અન્ય દેવાને યોગ્ય રીતે મેનેજ કરવામાં ન આવે તો તે મોટી નાણાકીય સમસ્યા તરફ ધકેલી શકે છે.

Written by Ajay Saroya
June 01, 2023 17:02 IST
લોન-ક્રેડિટ કાર્ડ જેવા દેવાથી બચવાના ઉપાયો; બજેટ બનાવી ક્ષમતા અનુસાર ખર્ચ કરો અને ચિંતામુક્ત રહો
મકાન, અન્ય ખર્ચાઓ અને કરિયાણા જેવી જરૂરિયાતો માટે ભંડોળ ફાળવો અને બચત માટે એક ભાગ અલગ રાખો.

હાલ ઘણા બધા વ્યક્તિઓ લોન અને દેવાના ડુંગરતળે દબાયેલા છે. જો યોગ્ય રીતે મેનેજ કરવામાં ન આવે તો દેવું મોટો બોજો બની શકે છે. અને આ નાણાકીય સમસ્યા તરફ ધકેલી શકે છે. દેવું તમારી બચત – રોકાણ ને પણ સાફ કરી નાંખે છે. તમારું નાણાંકીય ભવિષ્ય પણ અસ્તવ્યક્ત કરી દે છે. મજબૂત નાણાકીય સદ્ધરતા જાળવવા અને દેવાની જાળમાં ફસાવાથી બચવા માટે અહીં કેટલાક સરળ ઉપાયો જણાવ્યા છે. તમે તમારું ફાઇનાન્સિયલ પ્લાનિગ કરતી વખતે દેવાના બોજથી બચવા આ ઉપાયોને અજમાવી શકો છો.

તમારું બજેટ તૈયાર કરો

ચોક્કસ સમયગાળા માટે બજેટ બનાવો જેમાં તમામ આવક અને ખર્ચનો સમાવેશ થાય છે. તમારી ખર્ચ કરવાની ટેવ પર નજર રાખો. તમારી જરૂરિયાતો અને ઇચ્છાઓ પર ખર્ચ કરવા માટેના ખર્ચની શ્રેણી નક્કી કરો. મકાન, ઉપયોગિતાઓ અને કરિયાણા જેવી જરૂરિયાતો માટે ભંડોળ ફાળવો અને બચત માટે તમારી કુલ આવકનો એક ભાગ અલગ રાખો. ચોક્કસ બજેટને વળગી રહેવાથી બિનજરૂરી ચીજો પાછળ થતા વધુ ખર્ચથી બચી શકો છો.

ઈમરજન્સી ફંડ પણ તૈયાર રાખો

અણધાર્યા ખર્ચાઓને પહોંચી વળવા માટે બચતની સાથે ઈમરજન્સી ફંડની વ્યવસ્થા કરો. આવા આકસ્મિક નાણાંકીય ભંડોળની વ્યવસ્થા રાખવાથી તમને ક્રેડિટ કાર્ડ અથવા લોન પર નિર્ભર રહ્યા વગર નાણાંકીય મુશ્કેલ સમયનો સામનો કરવામાં મદદ મળે છે. તમારા ઈમરજન્સી ફંડમાં ઓછામાં ઓછા 3 મહિનાથી લઈને એક વર્ષના ખર્ચ જેટલી બચત રાખવાનું નક્કી કરો. આમ કરવાથી તમને નાણાંકીય કટોકટી દરમિયાન લોન લેવાની જરૂર પડશે નથી.

લોનની ચુકવણીને પ્રાથમિકતા આપો

લોન કે ક્રેડિટ કાર્ડના બીલ જેવા દેવાની ચૂકવણીને પ્રાથમિકતા આપો. તમારા દેવાને મેનેજ કરો, તેમના વ્યાજ દર અને ચૂકવણી કરવાની બાકી રહેલી રકમ મુજબ યાદી તૈયાર કરો. તમારા દેવાને સુવ્યવસ્થિત રીતે મેનેજ કરવા માટે ચોક્કસ પદ્ધતિ અપનાવવાનું વિચારો. તમારા દેવાની ચૂકવણી કરવા માટે દર મહિને વધારાના ભંડોળની ફાળવણી કરો, પહેલા ઊંચા વ્યાજદરવાળી અને નાની રકમની લોનની ચૂકવણી કરો. આ પદ્ધતિને નિયમિત રીતે અપનાવવાથી તમે સમયસર તમારા દેવામાંથી મુક્તિ મેળવી શકો છો.

તમારી નાણાકીય ક્ષમતા અનુસાર ખર્ચ કરો

તમારી નાણાકીય ક્ષમતાને જાણો અને તેનાથી વધુ ખર્ચ કરવાનું ટાળો. બિનજરૂરી ચીજો પર ખર્ચ કરવાથી બચો. તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે ક્રેડિટ અને લોન પર આધાર રાખવાને બદલે, તમે જે ખરીદી શકો તે ખરીદવા પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારી નાણાકીય ક્ષમતાની મર્યાદામાં રહીને તમે તમારી જાતને ઊંચા દેવાના બોજથી બચાવી શકો છો.

BankBazaarના CEO આદિલ શેટ્ટી કહે છે કે ઉછીના લીધેલા પૈસાથી જીવવાની લાલચથી સાવધાન રહો. ઉપરાંત, તમારી આવક, આરોગ્ય અને જીવન માટેના જોખમોનું ધ્યાન રાખો. ઈમરજન્સી ફંડની વ્યવસ્થા કરો. હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ કવર ખરીદો. આમ કરવાથી ઈમરજન્સીમાં લોન લેવાની જરૂર નહીં પડે.

આ પણ વાંચોઃ એજ્યુકેશન લોનનું ઝડપી રિપેમેન્ટ કરવા અપનાવો આ સ્માર્ટ ટીપ્સ

વિચાર્યા વગર કરેલી ખરીદી બિનજરૂરી દેવા તરફ દોરી શકે છે. ખરીદી કરતા પહેલા, તે તમારી જરૂરિયાતો અને નાણાકીય લક્ષ્યોને અનુરૂપ છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવા માટે થોડોક સમય કાઢો. બિન-આવશ્યક ખરીદી કરતા પહેલા 24 કલાક અથવા એક અઠવાડિયા સુધી રાહ જોવાનો વિચાર કરો. આમ કરવાથી તમને ખરીદી ખરેખર જરૂરી છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવા માટે પૂરતો સમય મળે છે. જો તમારો ખરીદવાનો નિર્ણય આવેગજન્ય હોય તો તમને પસ્તાવો થશે. તેની સાથે તમારા પર દેવાનો બોજ પણ વધી શકે છે.

Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ