Micosoft Layoffs News: માઇક્રોસોફ્ટ કંપનીના કર્મચારીઓ માટે ફરી ખરાબ સમાચાર આવ્યા છે. દિગ્ગજ આઈટી કંપની એકવાર ફરી મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી શકે છે. બ્લૂમબર્ગના મીડિયા રિપોર્ટ મુજબ માઇક્રોસોફ્ટના આ પગલાંથી Xbox ડિવિઝન અને ગ્લોબલ સેલ્સ ટીમના હજારો કર્મચારીઓ નોકરી ગુમાવી શકે છે. તે Xbox ડિવિઝનમાં 18 મહિનાની અંદર આ ચોથી છટણી છે. મેનેજ વર્કફોર્મમાં પણ મોટી સંખ્યામાં કર્મચારીઓને છુટા કરવામાં આવી રહ્યા છે.
માઇક્રોસોફ્ટના સેલ્સ વિભાગમાં હજારો કર્મચારીઓની છટણીના સમાચાર પહેલા જ આવી ગયા હતા. કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડિવિઝનમાં વધતા રોકાણ વચ્ચે પોતાના કર્મચારીઓની સંખ્યાને સુવ્યવસ્થિત કરી રહી છે. બ્લૂમબર્ગ ન્યૂઝે સુત્રોના હવાલથી જણાવ્યું હતુ કે, માઇક્રોસોફ્ટ નાણાકીય વર્ષના સમાપ્ત થયા બાદ જુલાઇની શરૂઆતમાં છટણી કરશે. માઇક્રોસોફ્ટનું નાણાકીય વર્ષ 1 જુલાઇથી 30 જૂન હોય છે. જૂન 2024ના આંકડા મુજબ કંપનીના 2.28 લાખ ફુલ ટાઇમ કર્મચારી હતા. તેમાંથી 55 ટકા કર્મચારી અમેરિકામાં કામ કરી રહ્યા હતા.
મે અને જૂનમાં છટણી કરી
માઇક્રોસોફ્ટે તાજેતરમાં મે મહિનામાં જ લગભગ 6000 કર્મચારીઓની છટણી કરી હતી, જે છેલ્લા કેટલાક વર્ષોમાં માઇક્રોસોફ્ટની સૌથી મોટી છટણી હતી. ત્યાર પછી જૂન મહિનામાં પણ કંપનીએ 300 થી વધુ કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડ્યો હોવાનો સમાચાર આવ્યા હતા. બ્લૂમબર્ગે વોશિંગ્ટન સ્ટેટ નોટિસના આધારે આ ખુલાસો કર્યો હતો.
AI ક્ષેત્રે મોખરે રહેવા સ્પર્ધા
AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ્સ ક્ષેત્રે વધતી હરિફાઇ વચ્ચે માઇક્રોસોફ્ટ આ સેક્ટરમાં રોકાણ વધારી રહી છે. વિવિધ ઉદ્યોગોમાં ઘણી કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સ અને સર્વિસમાં એઆઈના ઇન્ટિગ્રેશનને તેજ કરી રહી છે. કંપનીઓ હવે એઆઈ સંબંધિત નોકરીઓને વધુ પ્રાથમિકતા આપી રહી છે અને પૈસા બચાવવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. માઇક્રોસોફ્ટ કંપનીએ ચાલુ નાણાકીય વર્ષમાં 80 અબજ ડોલરનું મૂડીરોકાણ કરવાની યોજના બનાવી છે, જેમા મોટાભાગનું ભંડોળ એઆઈ સર્વિસની ક્ષમતાના અવરોધો દૂર કરવા માટે ડેટા સેન્ટરનો વિસ્તાર વધારવા માટે કરવામાં આવેશે.





