New GST Rate : મોંઘવારીથી પરેશાન ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વધુ એક રાહત મળી શકે છે. આગામી સમયમાં દૂધ અને દૂધની બનાવટોના ભાવ ઘટી શકે છે, કારણ કે તાજેતરમાં સરકારે દૂધ અને અમુક ડેરી પેદાશો પરનો 5 ટકા જીએસટી નાબૂદ કર્યો છે. તો ઘણી પેકેજ્ડ મિલ્ક પ્રોડક્ટ્સ પર જીએસટી ઘટાડ્યો છે. દૂધ, ઘી, દહીં, પનીર જેવી ડેરી પેદાશોનો ભોજનમાં સૌથી વધુ વધારે ઉપયોગ થાય છે. જીએસટીમાં ઘટાડા બાદ ડેરી પ્રોડક્ટ્સની કિંમત પણ ઘટવાથી દરેક વ્યક્તિને ફાયદો થશે.
સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી હતી. જે મુજબ GST કાઉન્સિલે અનેક ડેરી પેદાશોને કર માંથી મુક્તિ આપવાને મંજૂરી આપી. પનીર, માવો અને અલ્ટ્રા હાઇ ટેમ્પરેચર મિલ્ક જેવી વસ્તુઓ જે અગાઉ પાંચ ટકા GST દરને આકર્ષિત કરતી હતી તે હવે સંપૂર્ણપણે કરમુક્ત છે. જીએસટી નાબૂદ થવાથી આ ડેરી પ્રોડક્ટર નીચા ભાવે લોકોને ઉપલબ્ધ થશે.
વધુમાં, માખણ, ઘી અને ચીઝ સહિતના ડેરી પ્રોડક્ટર પર અગાઉ 12 ટકા GST લાગતો હતો, જે હવે ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. તેવી જ રીતે આયર્ન, સ્ટીલ અને એલ્યુમિનિયમના ટીનમાં વેચાતા દૂધ પર જીએસટી 12 ટકા થી ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો છે. એટલે કે બ્રાન્ડે નેમ હેઠળ વેચાતા વિવિધ ફ્લેવર્ડ મિલ્કના ટીન અને ટ્રેટા પેકની કિંમત ઘટશે.
અત્રે નોંધનીય છે કે, ભારતમાં પહેલા જ દૂધ જીએસટી મુક્ત છે. સરકારે જીવન જરૂરિયાતની બ્રાન્ડ નામ વગર વેચાતું દૂધ જીએસટી માંથી મુક્ત રાખ્યો છે.
નવા જીએસટી રેટ 22 સપ્ટેમ્બરથી લાગુ
સપ્ટેમ્બર મહિનાની જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીએસટી સ્લેબ 4 માંથી ઘટાડી 2 સ્લેબ કર્યા છે. હવે 5 ટકા અને 18 ટકા, એમ માત્ર બે જીએસટી સ્લેબ રહેશે. નવા જીએસટી રેટ 22 સપ્ટેમ્બર 2025થી લાગુ થશે.