Most Expensive Share In India : ભારતીય શેરબજાર BSE પર 4900 થી વધુ કંપનીઓ લિસ્ટેડ છે. કંપનીના શેર ભાવમાં દરરોજ વધ ઘટ છે અને તેના આધાર રોકાણકારો શેરની ખરીદ – વેચ કરે છે. અહીં ભારતના શેરબજારના સૌથી મોંઘા શેરની વાત કરી છે, જેના 1 શેરની કિંમત હજાર નહીં પણ લાખ રૂપિયાને વટાવી ગઇ છે. આ કંપનીના 1 શેરની કિંમત 1.55 લાખ રૂપિયા રેકોર્ડ હાઇ લેવલને સ્પર્શી છે.
એમઆરએફ કંપનીનો ઇતિહાસ
ભારતનો સૌથી મોંઘો શેર MRF છે. ટાયર બનાવતી કંપની MRFનું પુરુંનામ મદ્રાસ રબર ફેક્ટરી છે, જેની હેડ ઓફિસ ચેન્નઇમાં આવેલી છે. MRF ભારતની સૌથી મોટી ટાયર કંપની છે અને તેની પ્રોડક્ટ એમઆરએફ ટાયર બ્રાન્ડ હેઠળ વેચાય છે. MRF ટાયર, ટ્રેડ્સ, ટ્યુબ – કન્વેયર, પેઇન્ટ, રમકડાં સહિત રબર પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે.
MRF કંપનીની શરૂઆત કેએમ મામેન મેપ્પીલાઇ દ્વારા 1946માં તિરુવોટ્ટીયર, મદ્રાઇ (હાલ ચેન્નઇ)માં એક રમકડાં બનાવતી કંપની તરીકે કરવામાં આવી હતી. વર્ષ 1952માં કંપનીએ રબરના ઉત્પાદનમાં પ્રવેશ કર્યો અને નવેમ્બર 1960માં મદ્રાસ રબર ફેક્ટરી લિમિટેડ કંપની બની. 1973માં કંપનીએ પહેલીવાર નાયલોન ટાયરનું ઉત્પાદન શરૂ કર્યું હતું. આ કંપનીએ ભારતની પ્રથમ આધુનિક નાની કાર મારૂતિ 800 ને ટાયર સપ્લાય કર્યા હતા.
MRF શેર ભાવ
એમઆરએફ કંપનીનો શેર 18 સપ્ટેમ્બર, 1996ના રોજ શેરબજારમાં લિસ્ટેડ થયો હતો. કંપનીના શેરની ફેસ વેલ્યૂ 10 રૂપિયા છે. 30 વર્ષ પહેલા કંપનીનો શેર 11 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો હતો. વર્ષ 2000માં MRF શેરનો ભાવ 2820 રૂપિયા હતો, જે સતત વધીને વર્ષ 2010માં 6595 રૂપિયા સુધી પહોંચ્યો હતો. વર્ષ 2013 MRFનો શેર 10000 રૂપિયા અને વર્ષ 2023માં પહેલીવાર 1 લાખ રૂપિયા થયો હતો.
MRF ભારતનો સૌથી મોંઘો શેર
MRF ભારતીય શેરબજારનો સૌથી મોંઘો સ્ટોક છે. 2 સપ્ટેમ્બર, 2025ના રોજ એમઆરએફ શેરનો ભાવ 1,54,860 રૂપિયા હતો. જો કે ઉંચા મથાળે વેચવાલી નીકળતા એમઆરએફનો શેર 5000 રૂપિયા સુધી ઘટ્યો હતો અને 1,50,500 સુધી બોલાયો હતો.
જૂન ક્વાર્ટર 2025ના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ એમઆરએફ કંપનીના કુલ ઇક્વિટી શેર 42,10,512 છે. જેમાથી જાહેર રોકાણકારો પાસે 30,32,191 ઇક્વિટી શેર એટલે કે 72.22 ટકા હિસ્સો છે. તો કંપનીના પ્રમોટર્સ પાસે 11,78,321 ઇક્વિટી શેર છે, જે કુલ શેરહોલ્ડિંગના 27.78 ટકા બરાબર છે.