/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-80.jpg)
બોમ્બે સ્ટોક એક્સચેન્જ.
MRF stock is most expensive stock of indian share market : ભારતના સ્ટોક એક્સચેન્જ બીએસઇ અને એનએસઇની ગણતરી હાલ દુનિયાના સૌથી મોંઘા શેરબજારોમાં થાય છે. જો ભારતીય શેરબજારના સૌથી મોંઘા શેરની વાત કરીયે તો MRF લિમિટેડનો સ્ટોક સૌથી મોખરે છે. MRFના નામે ઓળખાતી મદ્રાસ રબર ફેક્ટરી કંપનીના શેરનો ભાવ પેહલીવાર 13 જૂન 2023ના રોજ ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ દરમિયાન 1,00,000 રૂપિયાની ઉપર બોલાયો હતો, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ઐતિહાસિક ભાવ છે.
MRFના 1 શેરનો ભાવ 1,00,300 બોલાયો
એમઆરએફ કંપનીનો શેર આજે બીએસઇ ખાતે પહેલીવાર ઇન્ટ્રા-ડે દરમિયાન 1,00,000 રૂપિયાની સપાટી કુદાવીને 1,00,300 રૂપિયા થયો હતો, જે એમઆરએફના શેરનો અત્યાર સુધીનો સૌથી ઉંચો ઐતિહાસિક ભાવ હોવાની સાથે સાથે આ બાબત તેને ભારતીય શેરબજારનો સૌથી મોંઘો શેર બનાવે છે. અલબત્ત શેરબજારના કામકાજના અંતે બીએઇસ પર કંપનીનો શેર 1 ટકા કે 1047 રૂપિયા વધીને 99,987 રૂપિયાના ભાવે બંધ થયો હતો. સોમવારે શેરનો બંધ ભાવ 98,939 રૂપિયા હતો. આ સાથે કંપનીની માર્કેટકેપ 42,406 કરોડ રૂપિયા થઇ હતી.
તો એનએસઇ પર MRF કંપનીનો શેર ઇન્ટ્રા-ડેમાં 1,00,439 રૂપિયાનો ઐતિહાસિક ઉંચો ભાવ બનાવી સેશનના અંતે 1 ટકા કે 931 રૂપિયા વધીને 99,900 રૂપિયાના ભાવે બંધ થયો હતો.
MRFએ રોકાણકારોને બનાવ્યા 'લાખપતિ'
MRFનો શેર ભારતીય શેરબજારનો શૌથી મોટો શેર છે અને આ કંપનીના શેરધારકો હાલ લાખપતિ બની ગયા છે. MRFનો શેર સતત ઉંચે જઇ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં MRFના શેરમાં રોકાણકારોને 45 ટકા જેટલુ જંગી રિટર્ન મળ્યું છે. તો ચાલુ વર્ષની શરૂઆતથી લઇ અત્યાર સુધીમાં આ શેર 14 ટકા વધ્યો છે. તો છેલ્લા ત્રણ વર્ષમાં રોકાણકારોને 82 ટકા જેટલું અધધધ… વળતર મળ્યું છે.
ઉલ્લેખનિય છે કે, MRFના શેરનો વર્ષનો સૌથી નીચો ભાવ 17 જાન્યુઆરી, 2022ના રોજ 65,900.05 રૂપિયા બોલાયો હતો. જો કે તે તારીખથી લઇ અત્યાર સુધીમાં આ કંપનીનો શેર 52 ટકા ઉછળ્યો છે.
કંપનીનો ત્રિમાસિક નફો 86 ટકા વધ્યો
MRF કંપનીના નાણાંકીય પરિણામોની વાત કરીયે તો જાન્યુઆરી- માર્ચ ક્વાર્ટર દરમિયાન કરવેરા પછીનો નફો 86 ટકા વધીને 313.53 રૂપિયા થયો છે, જે વર્ષ પૂર્વેના સમાન સમયગાળામાં 168.53 કરોડ રૂપિયા હતો. કંપનીની કોન્સોલિડેટેડ રેવન્યૂ સમીક્ષાધીન સમયગાળામાં 10 ટકા વધીને 5841.7 કરોડ રૂપિયા થઇ છે, જે વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 5304.8 કરોડ રૂપિયા હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us