ભારતના દિગ્ગજ ઉદ્યોગતિ અને દેશના બીજા ક્રમના સૌથી મોટા ધનકુબેર મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું સુકાન સંભાળ્યાને ચાલુ સપ્તાહે 20 વર્ષ પૂરા થયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું સુકાન સંભાળ્યા પછીના છેલ્લા બે દાયકામાં કંપનીની માર્કેટકેપમાં 42 ગણો મોટો વધારો થયો છે. વર્ષ 2002માં તેમના પિતા ધીરુભાઈ અંબાણીના અવસાન પછી મુકેશ અંબાણીએ RILની બાગડોર સંભાળી હતી. મુકેશ અંબાણીની નેતૃત્વ હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે અગાઉ માત્ર એનર્જી અને ટેક્સટાઇલ સેક્ટરમાં જ કાર્યરત હતી તે રિટેલ અને ટેલિકોમ બિઝનેસમાં પણ અગ્રણી કંપની બની ગઇ છે. હાલ તેમણે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં 75000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટકેપ 42 ગણી વધી
મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કુલ માર્કેટકેપ વર્ષ 2002ના 41,989 કરોડ રૂપિયાથી 20.6 ટકાના CAGR વધીને વર્ષ 2022માં 17.81 લાખ કરોડ રૂપિયાએ પહોંચી છે. તેમાંથી, લગભગ તમામ 17.4 લાખ કરોડ રૂપિયાની માર્કેટકેપ મુકેશ અંબાણીના નેતૃત્વ દરમિયાન વધી છે. આમ છેલ્લા 20 વર્ષમાં કંપનીની માર્કેટકેપ 20.6 ટકાના વાર્ષિક સરેરાશ વૃદ્ધિદરે વધી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આવક 17 ગણી વધી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીની આવક વર્ષ 2002ના 45,411 કરોડ કરોડથી 18 ગણી વધીને વર્ષ 2022માં 7,92,756 કરોડ રૂપિયા થઇ છે. આમ છેલ્લા 20 વર્ષમાં આવકમાં સરેરાશ વાર્ષિક વૃદ્ધિદર 15.4 ટકા રહ્યો છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નફો 20 ગણો વધ્યો
મુકેશ અંબાણીએ સુકાન સંભાળ્યાના 20 વર્ષ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો 3,280 કરોડ રૂપિયાથી 20 ગણો વધીને 67,845 કરોડ કરોડે પહોંચ્યો છે, તેમાં 16.35% CAGRના દરે વધારો થયો છે.
નવા બિઝનેસની શરૂઆત
મુકેશ અંબાણીએ વર્ષ 2006માં રિલાયન્સ રિટેલ, વર્ષ 2016માં રિલાયન્સ જિયો અને 2021માં રિન્યુએબલ એનર્જી બિઝનેસ શરૂ કર્યો.

સંપત્તિમાં 19 ટકાનો વધારો
કુલ એસેટ્સ વર્ષ 2002માં 48,987 કરોડ રૂપિયા હતી જે છેલ્લા 20 વર્ષમાં 18.7 ટકા CAGR વધીને વર્ષ 2022માં 14,99,665 કરોડ રૂપિયા થઇ છે.
નેટ વર્થ 17 ટકા વધી
કુલ નેટવર્થ વર્ષ 2002માં 27,977 કરોડ રૂપિયા હતી જે છેલ્લા 20 વર્ષમાં 17 ટકા CAGR વધીને વર્ષ 2022માં 6,45,127 કરોડ રૂપિયા થઇ છે.
લોકડાઉનમાં 2.5 લાખ કરોડ ઉભા કર્યા
કોવિડ-19ના લોકડાઉન દરમિયાન વિવિધ કંપનીઓમાં લઘુમતિ હિસ્સો વેચીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 2.5 લાખ કરોડ રૂપિયા ઉભા કર્યા.
ભારતના નં-1 ધનકુબેર બન્યા
વર્ષ 2007માં ભારતના પહેલા ટ્રિલિયોનર બન્યા બાદ ઘણા વર્ષો સુધી દેશના નંબર-1 ધનકુબેર રહ્યા હતા. જો કે ચાલુ વર્ષે હરિફ ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીની સંપત્તિમાં નોંધપાત્ર ઉછાળાથી તેઓ નંબર-1થી નંબર-2 પર આવી ગયા છે.
રિલયાન્સ વટવૃક્ષની જેમ વૃદ્ધિ પામશે – મુકેશ અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાના 20 વર્ષ પૂરા થવાના અવસરે મુકેશ અંબાણીએ જણાવ્યું કે, “વર્ષો વીતશે અને દાયકાઓ વીતી જશે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક વટવૃક્ષની જેમ મોટું અને મોટું થતું જશે. તેની શાખાઓ વ્યાપકપણે ફેલાશે, તેના મૂળિયા વધુ ઊંડે જશે, અને તે ભારતીયોની સતત વધતી સંખ્યાના જીવનને સ્પર્શશે, તેમને સમૃદ્ધ બનાવશે, તેમનું સશક્તિકરણ કરશે, તેમનું પોષણ કરશે અને તેમની સંભાળ રાખશે.”