ભારતના બીજા સૌથી ધનિક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ દુબઈમાં વધુ એક નવી આલિશાન હવેલી ખરીદી છે. આ બંગલો ખરીદવાની સાથે જ તેમણે પોતાનો અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, મુકેશ અંબાણીએ ગયા અઠવાડિયે લગભગ 16.3 કરોડ ડોલરમાં કુવૈતના ટાયકૂન મોહમ્મદ અલશાયાના પરિવાર પાસેથી પામ જુમેરાહ ખાતે હવેલી ખરીદી હતી. જો ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો મુકેશ અંબાણીએ 1,349.60 કરોડ રૂપિયામાં દુબઇમાં આ હવેલી ખરીદી છે.
મુકેશ અંબાણી દ્વારા આ હવેલીની ખરીદવા મામલે દુબઈના લેન્ડ ડિપાર્ટમેન્ટે ખરીદનારની ઓળખ જાહેર કર્યા વગર આ સોદાની માહિતી આપી છે. તો બીજી બાજુ અલશાયા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી પણ આ મામલે સત્તાવાર રીતે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. અલશાયા ગ્રૂપની વાત કરીયે તો તેની પાસે સ્ટારબક્સ, એચએન્ડએમ અને વિક્ટોરિયા સિક્રેટ સહિતની રિટેલ બ્રાન્ડ્સ માટેની સ્થાનિક ફ્રેન્ચાઈઝી છે.
તો મુકેશ અંબાણી બજાર મૂલ્યની રીતે ભારતીય શેરબજારમાં લિસ્ટેડ સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન છે અને તેઓ 84 અબજ ડોલરની સંપત્તિ સાથે હાલ વિશ્વના 11માં ક્રમના સૌથી ધનિક વ્યક્તિ છે.
બ્લૂમબર્ગની એક રિપોર્ટ અનુસાર, ભારતીય ધનિકો વિદેશમાં પ્રોપર્ટી ખરીદવામાં વધારે રસ દાખવી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગયા વર્ષે યુકેની કન્ટ્રી ક્લબ સ્ટોક પાર્ક ખરીદવા માટે 7.9 કરોડ ડોલરનો ખર્ચ કર્યો હતો અને હવે અંબાણી પણ ન્યૂયોર્કમાં પ્રોપર્ટીની શોધી કરી રહ્યું છે.
ઉલ્લેખનિય છ ચાલુ વર્ષે જ મુકેશ અંબાણીએ તેમના નાના પુત્ર અનંત માટે 8 કરોડ ડોલરમાં દુબઇમાં પામ જુમેરાહ ખાતે બિચ-સાઇડ વિલા ખરીદ્યો હતો, જે દુબઇના અત્યાર સુધીનો સૌથી મોટો મકાનનો સોદો હતો તે અંબાણી પરિવારના નામે જ હતો અને તેમણે જ પોતાનો જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. અનંત અંબાણીના ઘરની નજીક જ મુકેશ અંબાણીનું આ નવું ઘર આવેલું છે.
નોંધનિય છે કે, UAEમાં પ્રોપર્ટીના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં 70 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.
અમેરિકામાં Joe Tsai’s Blue Pool Capitalએ ન્યુયોર્ક પેન્ટહાઉસ 18.8 કરોડ ડોલરમાં ખરીદ્યું છે, જે આ અગાઉ ડેન ઓચની માલિકીનું હતું, જ્યારે એશિયાનું સૌથી મોંઘું એપાર્ટમેન્ટ પ્રતિ ચોરસ ફૂટ હોંગકોંગ ખાત ગત નવેમ્બરમાં 64 કરોડ ડોલરમાં વેચાયું હતું. જ્યારે લંડનનું સૌથી મોંઘું ઘર Knightsbridge 23.2 કરોડ ડોલરમાં વેચવા માટે મૂકવામાં આવ્યું છે.