રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી બિઝનેસ પોર્ટફોલિયોમાં ડાઇવર્સિફિકેશન માટે હાલ ફુડ અને બેવરેજી ઇન્ડસ્ટ્રીઝમાં પગપેસારો કરવા આક્રમક રણનીતિ અપનાવી રહી છે. તાજેતરમાં સોફ્ટ કોલ્ડ ડ્રિંક બ્રાન્ડ કેમ્પા કોલાનું લોન્ચિંગ કર્યા બાદ હવે મુકેશ અંબાણી આઇસ્ક્રીમ બિઝનેસમાં પણ એન્ટ્રી કરવાની તૈયારી રહી છે એવું મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું છે.
આઈસ્ક્રીમ માર્કેટમાં રિલાયન્સ એન્ટ્રી કરશે
રિલાયન્સ રિટેલ વેન્ચર્સની એફએમસીજી કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ટૂંક સમયમાં નવી બ્રાન્ડ ઈન્ડિપેન્ડન્સ સાથે આઈસ્ક્રીમ માર્કેટમાં પ્રવેશ કરી શકે છે. જે ગત વર્ષે ગુજરાતમાં લોન્ચ કરવામાં આવી હતી. ઈન્ડિપેન્ડન્સ બ્રાન્ડમાં મસાલાથી લઈને ખાદ્ય તેલ, કઠોળ, અનાજ અને પેકેજ્ડ ફૂડ્સ સુધીની ખાદ્ય ચીજોની સંપૂર્ણ એક શ્રેણીનો સમાવેશ થાય છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, રિલાયન્સ આઈસ્ક્રીમ બનાવવાના કામને આઉટસોર્સ કરવા માટે ગુજરાત સ્થિત કંપની સાથે વાતચીત કરી રહી છે.
દેશમાં આઈસ્ક્રીમ માર્કેટનું 20,000 કરોડ રૂપિયાથી વધુ
દેશમાં આઈસ્ક્રીમ માર્કેટ સતત વધી રહ્યું છે અને તે 20,000 કરોડ રૂપિયાને વટાવી ગયું છે. આઇસ્ક્રીમ માર્કેટનો લગભગ અડધો હિસ્સો સંગઠિત ક્ષેત્ર પાસે છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ આ ગુજરાત સ્થિત ઈન્ડિપેન્ડન્સ બ્રાન્ડ સાથે વાતચીત કરી રહી છે. જો કે, રિલાયન્સ કન્ઝ્યુમર કે આઈસ્ક્રીમ કંપનીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.
ગુજરાતની કંપની સાથે રિલાયન્સની મંત્રણા
સૂત્રોના જણાવ્યા અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાત સ્થિત આઈસ્ક્રીમ ઉત્પાદકો સાથે વાતચીતના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં કંપની ચાલુ ઉનાળાની સીઝનમાં તેના ગ્રોસરી રિટેલ આઉટલેટ્સ મારફતે આઈસ્ક્રીમ લોન્ચ કરી શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના સમર્પિત ગ્રોસરી રિટેલ આઉટલેટ જિયો માર્ટ મારફતે આઈસ્ક્રીમનું વેચાણ કરી શકે છે.
ગત મહિને રિલાયન્સે કેમ્પા કોલા લોન્ચ કરી
તાજેતરમાં મુકેશ અંબાણીએ ત્રણ અલગ-અલગ ફ્લેવર સાથે કોલા માર્કેટમાં પ્રવેશ કર્યો છે. હકીકતમાં, રિલાયન્સે 70ના દાયકાની પ્રખ્યાત બ્રાન્ડ કેમ્પા કોલાને પ્યોર ડ્રિંક્સ ગ્રુપ પાસેથી 22 કરોડ રૂપિયામાં ટેકઓવર કરીને તેને રિલૉન્ચ કરી છે. ઉનાળાની સીઝન શરૂઆત થતા જ કંપની દ્વારા કેમ્પા કોલા, ઓરેન્જ, લેમન અને કોલાના ત્રણ ફ્લેવર લોન્ચ કર્યા હતા.