Avoid This 5 Mistakes in Mutual Fund Investment : મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણને લાંબા ગાળાના નાણાકીય ઉદ્દેશ્યો સિદ્ધ કરવા અને કરવેરાના બોજને ઓછો કરવાની સાથે સાથે અસરકારક રીતે સંપત્તિનું સર્જન કરવાની સરળ રીત માનવામાં આવે છે. મ્યુ. ફંડમાં રોકાણ કરવાથી ફુગાવાને માત આપી શકાય છે તેમજ બજારના જોખમોને સારી રીતે સંચાલિત કરવાની પણ તક આપે છે. મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં આકર્ષક રિટર્ન મેળવવા કેટલી સામાન્ય ભૂલો ટાળવી જોઇએ. ઘણી વખત, ઓછું રિટર્ન મ્યુચ્યુઅલ ફંડના નબળા પ્રદર્શનને કારણે નહીં પરંતુ રોકાણકારોના અતાર્કિક વર્તનનું પરિણામ હોય છે. અહીંયા એવી પાંચ સામાન્ય ભૂલો જણાવી છે જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે ટાળવી જોઇએ.
ટૂંકા ગાળાના લક્ષ્ય અને ધ્યેયની અસ્પષ્ટતા
ટૂંકા ગાળાના લાભ માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ટાળો. ઓછામાં ઓછા સાત વર્ષના લાંબા ગાળાના રોકાણનો સમયગાળો અવશ્ય રાખવો. મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સના શેર બજારથી પ્રભાવિત થાય છે અને તે આઉટપરફોર્મન્સ અને અંડરપરફોર્મન્સ હોઇ શકે છે. અપવાદરૂપ કિસ્સામાં જો નસીબ સાથે ન હોય તો ટૂંકા ગાળાના રોકાણો ઇચ્છિત પરિણામો ન આપી શકે. વધુમાં, ચોક્કસ ધ્યેયો વિના રોકાણ કરવાથી બજારની વધઘટ દરમિયાન અવિવિકપૂર્ણ અને હંગામી નિર્ણય લેવામાં આવી શકે છે. રોકાણના સ્પષ્ટ ટાર્ગેટ રાખવાથી માર્કેટની અસ્થિરતામાં ટકી રહેવામાં, નીચા ભાવે ફંડ યુનિટ ખરીદવામાં અને છેવટે નોંધપાત્ર લાંબા ગાળે સંપત્તિ સર્જન કરવામાં મદદ મળે છે.

અપૂરતું રોકાણ
તમારા ભાવિ નાણાકીય ઉદ્દેશ્યો સાથે તમારા મ્યુચ્યુઅલ ફંડ રોકાણોનું પ્રમાણસર એડજસ્ટમેન્ટની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે. દાખલા તરીકે, જો તમે આગામી 20 વર્ષમાં 1 કરોડનું ભંડોળ બનાવવાનું લક્ષ્ય રાખતા હો, તો માસિક 1000 રૂપિયા અથવા 1 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. જો કે, આવા ધ્યેય માટે આવશ્યક રોકાણને ધ્યાનમાં લીધા વિના, વાસ્તવિક રિટર્ન તમારા ટાર્ગેટ કરતાં ઓછું પડી શકે છે. નિર્ધારિત નાણાકીય ધ્યેય સુધી પહોંચવા માટે 7,550 રૂપિયા માસિક રોકાણ અથવા 6.1 લાખ રૂપિયાના વાર્ષિક રોકાણની જરૂર પડશે. તેથી, ઇચ્છિત નાણાકીય લક્ષ્યોને પહોંચી વળવા માટે જરૂરી રકમનું મૂલ્યાંકન કરવું અને તેટલુ મૂડીરોકાણ કરવું મહત્વપૂર્ણ છે.
વારંવાર SIP બંધ કરવી કે રિડમ્પ્શન ટાળો
સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs) બંધ કરવાથી શિસ્તબદ્ધ રોકાણોની સુસંગતતા ખોરવાય છે અને ફંડ્સના યુનિટ એક્ત્ર કરી શકાતા નથી. SIP એ સરેરાશ રોકાણ ખર્ચમાં મદદ કરે છે, જે ચક્રવૃદ્ધિ ગ્રોથ માટે નિર્ણાયક છે. SIP ને અચાનક બંધ કરવાને બદલે, ECS આદેશોનું સન્માન કરવામાં મુશ્કેલીના સમયગાળા દરમિયાન થોભવાનું વિચારો. તેવી જ રીતે, વારંવાર ફંડ્સમાં ઉપાડ વેલ્યુએશન પરની ચક્રવૃદ્ધિની અસરને અવરોધે છે, જેનાથી ખરીદેલા યુનિટ નાણાકીય લક્ષ્યોને પૂર્ણ કરવામાં બિનઅસરકારક બને છે. સીપમાં વારંવાર ઉપાડ નાણાકીય આયોજનને નોંધપાત્ર રીતે નુકસાન પહોંચાડે છે.
બજારમાં કડાકો આવે ત્યારે ગભરાઈ ન જવું
બજારની મંદી વાસ્તવમાં લાંબા ગાળાની સંપત્તિ સર્જન માટેની તકો આપે છે. જો કે, આવા સમયમાં ઘણા રોકાણકારો પેનિક થઇ મ્યુ. ફંડ્સમાં રોકાણ પાછું ખેંચી લે છે, પરિણામ અત્યંત ઓછું રિટર્ન મળે છે કાં તો નુકસાન પણ સહન કરવું પડે છે.
Bankbazaar.comના સીઈઓ અધિલ શેટ્ટી કહે છે, “લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરવા માટે, લાગણીઓને નિયંત્રિત કરવી અને રોકાણના પૂર્વનિર્ધારિત પિરિયડ પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે. માર્કેટ ક્રેશ, સામાન્ય રીતે ટૂંકા ગાળા માટે સંપત્તિ સર્જનની તકો આપે છે. બજારની મંદી દરમિયાન યુનિટને રિડીમ કરવાથી રોકાણનો પ્રવાસ અટકી જાય છે અને લાંબા ગાળાના રોકાણને ફરી શરૂ કરવાનું પડકારરૂપ બને છે.”

ટોપ પર્ફોમન્સ કરતા ફંડોની પાછળ દોડવું નહીં
ઘણા રોકાણકારો એવા ફંડોમાં રોકાણ કરે છે, જેમણે તાજેતરમાં જ ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો છે, એ હકીકતને નજરઅંદાજ કરીને કે ભૂતકાળની કામગીરી ભવિષ્યની સફળતાની બાંયધરી આપતી નથી. હાલની ફંડ સ્કીમમાંથી ટોચના પર્ફોર્મન્સ કરનાર ફંડ્સ તરફ ડાયવર્ટ થવું એ દર વખતે બેસ્ટ સ્ટ્રેટેજી બની શકતી નથી. મ્યુ.ફંડ્સને સતત સ્વિચ કરવાને બદલે, સ્કીમના પરફોર્મન્સ મૂલ્યાંકન માટે ઓછામાં ઓછા 2-3 વર્ષનો સમય આપવો એ વધુ સમજદાર અભિગમ છે.
આ પણ વાંચો | સૌથી વધુ ડિવિડન્ડ આપનાર 10 PSU શેરમાં કમાણીનો મોકો; આવા શેર કેવી રીતે ઓળખવા, રોકાણ કેમ કરવું? જાણો
આ સામાન્ય ભૂલોને ટાળવાથી મ્યુચ્યુઅલ ફંડ રોકાણોની અસરકારકતામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે, જેનાથી તમે તમારી મૂડીરોકાણની વ્યૂહરચનાઓને તમારા નાણાકીય લક્ષ્યો સાથે વધુ અસરકારક રીતે સુસંગત બનાવી શકો છો.





