Mutual Fund Investment Tips In Gujarati: મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કરવાનો લોકપ્રિય વિકલ્પ છે. રિટેલ રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડને રોકાણનું વધુ સારું માધ્યમ માનવામાં આવે છે. પરંતુ રોકાણની આ પદ્ધતિ ત્યારે જ સફળ થઈ શકે છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ સારી રીતે અને સંપૂર્ણ શાણપણ સાથે પસંદ કરવામાં આવે. યોગ્ય મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવા માટે, તમારી પાસે બજારમાં ઉપલબ્ધ યોજનાઓ વિશે તમામ જરૂરી માહિતી હોવી જોઈએ. આ માટે માત્ર ઓનલાઈન સંશોધન કરવું પૂરતું નથી. મ્યુ. ફંડ સ્કીમ સંબંધિત દસ્તાવેજો ઝીણવટપૂર્વક વાંચવા તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. જો તમે આ કરો છો, તો તમે તમારી જોખમ ક્ષમતા અને રોકાણના લક્ષ્યો અનુસાર યોગ્ય નિર્ણયો લઈ શકશો.
મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ ડોક્યુમેન્ટમાં કઇ કઇ વિગત તપાસવી
મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ (SID) અને ફેક્ટ શીટ્સ એ મ્યુચ્યુઅલ ફંડ સાથે સંકળાયેલી રોકાણ વ્યૂહરચના, ઉદ્દેશ્યો અને જોખમોને સમજવા માટે જરૂરી દસ્તાવેજો છે. આ દસ્તાવેજ તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરી શકે છે. પરંતુ આ માટે તમારે જાણવું જોઈએ કે તમારે આ દસ્તાવેજમાં કઈ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
મ્યુચ્યુઅલ ફંડ ઓવરવ્યૂ
મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ (SID) ના પ્રથમ ભાગમાં સામાન્ય રીતે ફંડનું વિહંગાવલોકન હોય છે, જે ફંડની રોકાણ વ્યૂહરચના અને ઉદ્દેશ્યની વિગતો આપે છે. ફંડનો રોકાણનો ઉદ્દેશ જણાવે છે કે યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ, નિયમિત આવક અથવા બંને? આ સાથે, એ પણ જણાવવામાં આવે છે કે શું તે એક્ટિવ મેનેજમેન્ટ વાળી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે, જેમાં રોકાણના નિર્ણયો ફંડ મેનેજર પર આધાર રાખે છે અથવા તે એક પેસિવ સ્કીમ છે જે બેન્ચમાર્ક ઇન્ડેક્સની સંપૂર્ણ નકલ કરે છે, જેને સામાન્ય રીતે ઇન્ડેક્સ ફંડ કહેવામાં આવે છે.
રોકાણ વ્યૂહરચના
મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ સંબંધિત ડોક્યુમેન્ટમાં ફંડ સ્કીમની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી વિશે પણ માહિતી આપવામાં આવે છે. આ અંતર્ગત ફંડની ઇન્વેસ્ટમેન્ટ ફિલોસોફી, સેક્ટર, એસેટ ક્લાસ અને સેગમેન્ટ જેવી બાબતો આપવામાં આવી છે. ફંડ ઇક્વિટી, ડેટ અથવા અન્ય કોઈપણ એસેટ ક્લાસમાં કેવી રીતે અને કયા પ્રમાણમાં રોકાણ કરશે તે તપાસો. એવી જ રીતે, અમુક ફંડ્સ પણ ટેક્નોલોજી, હેલ્થકેર અથવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી ચોક્કસ થીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
મિનિમમ ઈન્વેસ્ટમેન્ટ અને SIP વિકલ્પ
રોકાણકારોએ એ પણ તપાસવું જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ માટે કયા વિકલ્પો ઉપલબ્ધ છે. એકસાથે રોકાણની રકમ શું છે અને કોઈ વ્યક્તિ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા કેટલું રોકાણ શરૂ કરી શકે છે.
જોખમ પરિબળ
દરેક રોકાણ સાથે અમુક જોખમી પરિબળો સંકળાયેલા હોય છે. ઉદાહરણ તરીકે, બજારની પરિસ્થિતિઓમાં વધઘટ સાથે સંબંધિત બજારનું જોખમ અને વ્યાજદરમાં ફેરફારોને લગતા વ્યાજ દરનું જોખમ, જેની ડેટ ફંડ્સ પર વધુ અસર પડે છે. ક્રેડિટ રિસ્ક, જે ખાસ કરીને ઓછા રેટેડ બોન્ડ્સમાં રોકાણ સાથે સંકળાયેલું છે. તેવી જ રીતે, નાણાંકીય તરલતાનું જોખમ ઓછી તરલતા ધરાવતી અસ્કયામતો સાથે સંકળાયેલું છે. રિસ્ક ફેક્ટર તપાસવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી કરીને તમે તમારી જોખમ ક્ષમતા મુજબ યોગ્ય ફંડ સ્કીમ પસંદ કરી શકો.
એસેટ એલોકેશન
મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે તેના ભંડોળને વિવિધ સેક્ટર, માર્કેટ સેગમેન્ટ, ઉદ્યોગો અને ભૌગોલિક વિસ્તારોમાં વિભાજિત કરીને રોકાણ કરે છે તેની માહિતી એસેટ એલોકેશન હેઠળ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, લાર્જ કેપ ફંડ્સ મોટા બિઝનેસ ધરાવતી મજબૂત કંપનીઓમાં રોકાણ કરે છે, જ્યારે સ્મોલ કેપ ફંડ્સ ઉભરતી કંપનીઓના શેરોમાં રોકાણ કરે છે.
ભૂતકાળનો દેખાવ
યોગ્ય મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરવા માટે, ભૂતકાળની કામગીરીનો ઇતિહાસ જાણવો પણ જરૂરી છે. જો કે ન્યૂ ફંડ ઓફર (NFO) ના કિસ્સામાં આ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ હાલની યોજનાઓ માટે આ ડેટા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ આંકડાઓ જોતી વખતે, બેન્ચમાર્ક ઇન્ડેક્સ અને સમાન શ્રેણીની અન્ય યોજનાઓ સાથે યોજનાના વળતરની તુલના કરો. NFO ના કિસ્સામાં, તમે નવી સ્કીમના ફંડ મેનેજરના ભૂતકાળના રેકોર્ડની તપાસ કરીને તેની કામગીરીનો ઇતિહાસ ચકાસી શકો છો.
ફંડ મેનેજરનો ટ્રેક રેકોર્ડ
ફંડ મેનેજરનો અનુભવ અને ટ્રેક રેકોર્ડ ફંડની કામગીરીને અસર કરે છે. તેથી તેનો ભૂતકાળનો રેકોર્ડ જોવો જરૂરી છે. જેમા તેમના દ્વારા સંચાલિત અન્ય યોજનાઓની કામગીરીનો પણ સમાવેશ થાય છે. ફંડ મેનેજર પાસે વિવિધ બજાર પરિસ્થિતિઓમાં ફંડ મેનેજમેન્ટનો અનુભવ પણ હોવો જોઈએ.
ખર્ચ ગુણોત્તર
ખર્ચ ગુણોત્તર એટલે ફંડની કુલ સંપત્તિની ટકાવારી જે મેનેજમેન્ટ ફી અને અન્ય બાબતો પર ખર્ચવામાં આવે છે. જો બે યોજનાઓના લાંબા ગાળાના વળતર સમાન હોય, તો ઓછા ખર્ચ ગુણોત્તર સાથે ફંડમાં રોકાણ કરવું ફાયદાકારક છે.
એક્ઝિટ લોડ અને રિડમ્પશન ચાર્જ
મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના ડોક્યુમેન્ટમાં એન્ટ્રી અને એક્ઝિટ લોડ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. ફંડ સ્કીમમાં રોકાણ કરતી વખતે અને એક્ઝિટ લોડ સ્કીમ માંથી પૈસા ઉપાડતી વખતે એન્ટ્રી લોડ ચૂકવવો પડે છે. આ ઉપરાંત, વ્યક્તિએ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ રિડીમ કરવાની રિડેમ્પશન પ્રક્રિયા વિશે પણ જાણવું જોઈએ. ઉદાહરણ તરીકે, ELSSમાં 3 વર્ષનું લોક-ઇન હોય છે, જ્યારે કેટલાક ફંડમાં 5 વર્ષનું લોક-ઇન પણ હોય છે.
કર જોગવાઇ
કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ માંથી ચોખ્ખું વળતર જાણવા માટે, તેમાં રોકાણ સંબંધિત કર જોગવાઈઓ અને તેની અસરો (ટેક્સ ઇમ્પ્લિકેશન્સ) જાણવી પણ મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, ઇક્વિટી ફંડમાં 12 મહિનાથી વધુ સમય રાખ્યા પછી થયેલા નફા પર 12.5% LTCG ટેક્સ ચૂકવવો પડે છે, જ્યારે એક વર્ષમાં 1.25 લાખ રૂપિયા સુધીના નફા પર કોઈ ટેક્સ નથી. તો આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ ELSSમાં રોકાણ પર કર મુક્તિ ઉપલબ્ધ છે. બીજી તરફ, નવા નિયમો હેઠળ, ડેટ ફંડ ગમે તેટલા લાંબા સમય સુધી રાખવામાં આવે, તમારા આવકવેરા સ્લેબ મુજબ તેના પર ટેક્સ ચૂકવવો પડશે.
આમ કૂલ મળીને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે યોગ્ય ફંડ સ્કીમ પસંદ કરવી એ એક મોટો નિર્ણય છે. તેથી, મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ સંબંધિત ડોક્યુમેન્ટ સારી રીતે વાંચવા અને સમજવા મહત્વપૂર્ણ છે, જેથી તમે રોકાણ સંબંધિત જોખમો અને શક્યતાઓને સારી રીતે સમજ્યા બાદ જ નિર્ણય લઈ શકો.
(Disclaimer: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમને આધિન છે. કોઇ રોકાણ સંબંધિત નિર્ણય લેવાની પહેલા એક્સપર્ટ્સ પાસેથી સલાહ લેવી.)





