ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા દિવસથી રેકોર્ડ બ્રેક તેજીની જોવા મળી રહી છે. નવેમ્બરમાં સતત ઐતિહાસિક ઉંચી સપાટી બનાવ્યા બાદ ડિસેમ્બર મહિનામાં પણ શેરબજાર ઓલટાઇમ હાઇ લેવલ બનાવે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે. આ બુલરનમાં શેરબજારના ખેલાડીઓએ નફો કમાવવાની તક ઝડપી લેવી જોઇએ. મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોએ પણ સારી કમાણી કરી શકે છે. હવે સવાલ એ થાય છે કે આવી સ્થિતિમાં રોકાણકારોએ શું કરવું જોઈએ. તેમણે પોતાના સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIPની રણનીતિમાં કેવા પ્રકારનો ફેરફાર આવવો જોઈએ.
શેરબજાર સતત નવી ઉંચાઇએ
કેલેન્ડર વર્ષ 2020માં ભારતીય શેરબજારમાં મોટી અફરાતફરી જોવા મળી છે અને આ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીએ લગભગ 9 ટકા રિટર્ન આપ્યુ છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સેન્સેક્સ 5000 પોઈન્ટથી વધુ જ્યારે નિફ્ટીમાં લગભગ 1500 પોઈન્ટનો વધારો થયો છે. જૂન મહિનામાં શેરબજારમાં મોટા કડાકાઓ બોલાયા હતા. 17 જૂન, 2022ના રોજ નિફ્ટી 15183ના સ્તરે સુધી ઘટી ગયો હતો જ્યારે સેન્સેક્સે 50921ની નીચી સપાટી બનાવી હતી. જો કે હાલ સેન્સેક્સ 63500 અને નિફ્ટી 18800ની ઉપર ટ્રેડ થઇ રહ્યા છે.

મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોએ સાવચેતી રાખવી
BPN Fincapના ડિરેક્ટર એ.કે. નિગમનું માનવું છે કે, શેરબજાર હાલ તેમની સર્વકાલીન ઊંચાઈ પર છે, જ્યારે કેટલીક અનિશ્ચિતતાઓ હજુ પણ રહેલી છે. આવી સ્થિતિમાં નજીકના ગાળામાં બજારમાં થોડુંક કરેક્શન જોવા મળે તેવી શક્યતા છે. એટલા માટે રોકાણકારોએ સાવધાન રહેવાની જરૂર છે. ખાસ કરીને એવા રોકાણકારો કે જેમના નાણાકીય ટાર્ગેટ પૂરા થઈ ગયા છે અને તેમની ઉંમર પણ વધી ગઈ છે.
રોકાણ કરવાનું ચાલુ રાખવું કે પ્રોફિટ બુક કરવો?
તેઓ જણાવે છે કે, જોતમે નોકરીમાંથી રિટાયર એટલે કે નિવૃત થવાની તૈયારીમાં છો અથવા તો તેની નજીક પહોંચી ગયા છો તો રોકાણ કરવામાં વિશેષ સાવચેતી રાખવી. જો તમે નક્કી કરેલા ફાઇનાન્સિયલ ટાર્ગેટ સુધી પહોંચી રહ્યા છો અથવા પહોંચી ગયા છો, તો સમયાંતરે પ્રોફિટ બુકિંગ કરવાનું શરૂ કરો. આ માટે સિસ્ટમેટિક વિથ્રડ્રોલ પ્લાન બેસ્ટ હોઈ શકે છે. આવા રોકાણકારો તેમના થોડાંક નાણાં ડેટ અથવા ફિક્સ્ડ ઇન્કમ સ્કીમમાં પણ મૂકી શકે છે.
જો ફાઇનાન્સિયલ ટાર્ગેટ હાંસલ કરવાની નજીક છો તો..
ઉદાહરણ તરીકે, ધારો કે તમે કાર ખરીદવા માટે SIP શરૂ કરી અને તમારો ટાર્ગેટ 8 લાખ રૂપિયા એકત્ર કરવાનો હતો. જો તમારી SIP ની કિંમત 8 લાખની નજીક છે અને કાર ખરીદવા માટે 4 કે 5 મહિના બાકી છે, તો તમે આ પૈસા ઉપાડી શકો છો. 4 થી 5 મહિના માટે, કેટલાક પૈસા ટૂંકા ગાળાના ડેટ પ્લાન અથવા બેંકમાં રાખી શકાય છે. કારણ કે, જો આગામી સમયમાં બજારમાં ઘટાડો આવે તો પણ તમને નુકસાન થશે નહીં. તમે તમારા ધ્યેય હાંસલ કરવાથી પાછળ રહી જશો નહીં.

યુવા રોકાણકારોએ શું કરવુ?
BPN Fincapના ડિરેક્ટરનું કહેવું છે કે, યુવા રોકાણકારો પાસે લાંબા ગાળાની તકો રહેલી છે. તો બીજી બાજુ SIPને સલામત રોકાણ માટેનું ઓલટાઇમ ફેવરિટ ઓપ્શન બની રહ્યું છે. જો પૈસાની તાત્કાલિક જરૂર ન હોય તો યુવા પેઢીએ SIP મારફતે રોકાણ કરવાનું ચાલુ રાખવું જોઈએ. જો થોડા પૈસાની વધુ જરૂર હોય, તો થોડીક રકમ ઇક્વિટીમાંથી ઉપાડી શકાય છે અને ડેટમાં અથવા ઇમરજન્સી ફંડ માટે રાખી શકાય છે. મલ્ટી એસેટ એલોકેશન પણ એક બેક્ટ વિકલ્પ છે, જે કુલ રોકાણના 20 ટકા હોઈ શકે છે.