આજના સમયમાં જે રીતે મોંઘવારી વધી રહી છે તે રીતે ખર્ચાઓ પણ વધી રહ્યો છે. હાલ મોંઘવારી દર 6 ટકાથી વધુ છે. તે મુજબ જો મોંઘવારી વધતી રહેશે તો આજથી 20 વર્ષ પછી ખર્ચ 2.5 થી 3 ગણો વધી થશે. જે કામકાજ પાછળ હાલ 1 લાખનો ખર્ચ થાય છે, તો તેના માટે ભવિષ્યમાં 2.5 થી 3 લાખ કે તેથી વધારે રૂપિયાની જરૂર પડશે. મતલબ કે બાળકોના શિક્ષણ અને અન્ય ખર્ચાઓ આટલા પ્રમાણમાં વધશે. આ કારણોસર માતાપિતાએ તેમના બાળકો માટે તેમના જન્મના સમયથી જ નાણાકીય આયોજન શરૂ કરવું જરૂરી છે. જો તમે 20 વર્ષ પછીના ખર્ચાઓને યોગ્ય રીતે પૂર્ણ કરવા માંગતા હો, તો તમારા નાણાંનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવું જરૂરી છે, જેથી લાંબા ગાળે મોટું નાણાંકીય ભંડોળ બનાવી શકાય.
કયો વિકલ્પ વધુ બેસ્ટ રહેશે?
જો કે, ભારતમાં સુરક્ષિત રોકાણની વાત કરીએ તો, પરંપરાગત રોકાણના વિકલ્પોમાં ફિક્સ્ડ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અથવા આવી સરકારી બચત યોજનાઓનો સમાવેશ થાય છે. પરંતુ ફુગાવાની સરખામણીમાં, તેમનો વાસ્તવિક વળતરનો દર એટલો અસરકારક કે આકર્ષક હોતો નથી. બીજો વિકલ્પ ઇક્વિટી છે, પરંતુ ઘણા રોકાણકારો ઊંચા જોખમને કારણે શેરબજારમાં સીધું રોકાણ કરતાં ડરે છે. બીજી તરફ, ત્રીજો વિકલ્પ મ્યુચ્યુઅલ ફંડનો છે, જ્યાં ફંડ હાઉસ મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતી વિવિધ કંપનીઓના શેરમાં રોકાણ કરે છે. ઇક્વિટીમાં રોકાણ કરવા માટે તે સુરક્ષિત અને ઉંચું વળતર આપતો વિકલ્પ છે.
બાળકો માટે શા માટે મ્યુચ્યુઅલ ફંડ સારો વિકલ્પ છે?
જો બાળકોના ભવિષ્ય માટે કોઈ નાણાકીય લક્ષ્યાંક નક્કી કર્યા હોય તો તે લાંબા ગાળાના હોવા જોઈએ. સામાન્ય રીતે તેની અવધિ 10 વર્ષથી 20 વર્ષ સુધીની હોઈ શકે છે. બજારના જોખમો લાંબા ગાળે આવરી લેવામાં આવે છે. આવી સ્થિતિમાં, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા ઇક્વિટી ફંડમાં રોકાણ કરવું સમજદારીભર્યું છે. બાળકો માટે સારા ટ્રેક રેકોર્ડ ધરાવતા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં લાંબા ગાળા માટે રોકાણ કરી શકાય છે. કેટલાક ફંડ હાઉસ બાળકોના નામે મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ પણ ચલાવી રહ્યા છે અને તેમાંથી ઘણાએ લાંબા ગાળે તેમની સંપત્તિમાં વધારો કર્યો છે.
માત્ર ચાઇલ્ડ પ્લાન શા માટે ખરીદો છો?
ફાઇનાન્સિયલ એક્સપર્ટ્સનું કહેવું છે કે બાળકોના નામે કોઈપણ સારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય છે. એવું જરૂરી નથી કે બાળકના નામે માત્ર તે જ ભંડોળનું રોકાણ કરી શકાય જેની સાથે બાળક સંકળાયેલું છે. જોકે આમાં પણ કેટલીક સારી યોજનાઓ છે. આ ઉપરાંત માતા-પિતા પણ અન્ય મ્યુચ્યુઅલ ફંડ વિશે વિચારી શકે છે. ધ્યાનમાં રાખો કે જો તમે બાળકોના નામ પર SIP કરી રહ્યા છો, તો રોકાણનું લક્ષ્યાંક ઓછામાં ઓછું 15 વર્ષનું હોવું જોઈએ. ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ (ELSS) એ પણ એક સારો વિકલ્પ છે, જ્યાં 3 વર્ષથી 5 વર્ષનો લોક-ઇન પિરિયડ હોય છે. લોક-ઈન પિરિયડ સમાપ્ત થયા પછી પણ જો વળતર સારું મળી રહ્યું હોય તો રોકાણ ચાલુ રાખી શકાય છે. કેટલાંક ચાઇલ્ડ પ્લાન ઇક્વિટી અને ડેટના કમ્પોઝિશનના આધારે રોકાણકારોને વિવિધ વિકલ્પો પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે, જે રોકાણકારો વધુ જોખમ લેતા નથી તેમની પાસે વધુ ડેટવાળા પોર્ટફોલિયો પસંદ કરવાનો વિકલ્પ હોય છે, જ્યારે આક્રમક રોકાણકારોને વધુ ઇક્વિટી સાથેનો પોર્ટફોલિયો પસંદ કરવાનો વિકલ્પ મળે છે.
બેસ્ટ રિટર્ન આપનાર મ્યુચ્યુઅલ ફંડ
બાળકોના નામે બેસ્ટ રિટર્ન આપનાર ફંડમાં HDFC ચિલ્ડ્રન ગિફ્ટ ફંડની 20 વર્ષની SIP રિટર્ન 16 ટકા CAGRની નજીક છે. તો ICICI પ્રુડેન્શિયલ ચાઇલ્ડ કેર ફંડે 20 વર્ષમાં 13.32% CAGR અને ટાટા યંગ સિટીઝન્સ ફંડે 12% CAGR વળતર આપ્યું છે. જો તમે મ્યુચ્યુઅલ ફંડની અન્ય યોજનાઓ પર નજર કરશો તો કેટલાકે 20 વર્ષમાં 15% CAGR વળતર આપ્યું છે.
(સોર્શ: વેલ્યૂ રિસર્ચ)
દરરોજ 150 રૂપિયાની બચત કરો, 20 વર્ષમાં કેટલા મળશે
- દૈનિક બચત: 150 રૂપિયા
- માસિક બચત: 4500 રૂપિયા
- વાર્ષિક SIP રિટર્ન: 15 ટકા
- 20 વર્ષમાં ફંડ : 70 લાખ રૂપિયા
(ડિસ્ક્લેમર: મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. gujarati.indianexpress.com/ કોઈપણ પ્રકારના રોકાણની સલાહ આપતું નથી. રોકાણ કરતા પહેલા તમારું પોતાનું રિસર્ચ કરો અથવા તમારા નાણાકીય સલાહકારની સલાહ લો.) આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો