મોંઘવારીમાં પીસાઇ રહેલી પ્રજા માટે નેશનલ હાઇવે અને એક્સપ્રેસ-વે પર વાહન ચલાવવું હવે મોંઘ થઇ શકે છે. કારણ કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) આગામી 1 એપ્રિલથી શરૂ થઇ રહેલા નાણાંકીય વર્ષથી ટોલ ટેક્સ વધારવાની તૈયારી કરી રહી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ 1 એપ્રિલથી ટોલ ટેક્સમાં 5થી 10 ટકા સુધીનો વધારો થઇ શકે છે. ટેરિફમાં આ ફેરફાર નેશનલ હાઇવે-ફી રૂલ્સ 2008 અનુસાર દર વર્ષ થાય છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર ટોલ ટેક્સના નવા દરનો પ્રસ્તાવ NHAIના તમામ પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ (PIU)થી 25 માર્ચ સુધી મોકલાશે. નવા દર 1 એપ્રિલથી રોડ અને પરિવહન મંત્રાલયની મંજૂરી બાદ લાગુ થશે.
મીડિયા રિપોર્ટનું માનીયે તો કાર અને લાઇટ વ્હિકલ પરના ટોલ ટેક્સમાં પાંચ ટકાનો વધારો થઇ શકે છે અને હેવી વ્હિકલ માટેના ટોલ ટેક્સમા 10 ટકા સુધીનો વધારો થઇ શકે છે.
હાલ કેટલો ટોલ ટેક્સ વસૂલાય છે
વર્ષ 2022માં નેશનલ હાઇવે પર દોડતા તમામ પ્રકારના વાહનોની ટેરિફ રેટમાં 10 રૂપિયા અને 60 રૂપિયાની વૃદ્ધિ કરતા ટોલ ટેક્સમાં 10થી 15 ટકાની વૃદ્ધિ કરાઇ હતી. હાલમાં એક્સપ્રેસ-વે પર 2.19 રૂપિયા પ્રતિ કિલોમીટરના હિસાબે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે.

135 કિમી લાંબા, 6 લેનના ‘ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે’ અને દિલ્હી મેરઠ એક્સપ્રેસ-વેના ટોલ ટેક્સમાં પણ આ વર્ષે વધારો થશે.
ટોલ ટેક્સ ક્લેક્શન વધ્યું
આંકડાઓના વિશ્લેષ્ણ અનુસાર નાણાંકીય વર્ષ 2022માં નેશનલ હાઇવે પર 33881.22 કરોડ રૂપિયાનું ટોલ ટેક્સ ક્લેક્શન થયું હતુ જે અગાઉના વર્ષની તુલનાએ 21 ટકા વધારે હતું.
બેગણા FASTag પેમેન્ટના કેસ અંગે 18 એપ્રિલે સુનાવણી
નોંધનીય છે કે, પાછલા વર્ષે ડિસેમ્બરમાં દિલ્હી હાઇકોર્ટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને કેન્દ્ર સરકાર પાસે એ અપીલ પર પ્રત્યુત્તર માંગ્યો હતો કે, જેમાં FASTag (ફાસ્ટેગ) વગરની ગાડીઓ માટે બેગણા ટોલ ટેક્સની ફરજિયાત યુકવણી કરવાના નિયમને પડકાર્યો હતો. હાઇકોર્ટે અધિકારીને તેમનો પ્રત્યુતર સબમિટ કરવા માટે ચાર સપ્તાહનો સમય માંગ્યો હતો અને આ કેસની સુનાવણી માટે 18 એપ્રિલથી તારીખ નક્કી કરી હતી.