NDTV ન્યુઝ ચેનલનું સુકાન છોડ્યા બાદ સિનિયર પત્રકારો પ્રણય રોય અને રાધિકા રોયે નવો બિઝનેસ શરૂ કર્યો છે. આ પત્રકાર દંપતિએ ઈક્રોયા ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ (Ikroya Tech Private Limited) નામની નવી કંપની શરૂ કરી. રોય દંપતીનું નવું સ્ટાર્ટઅપ ટેક્નોલોજી ડેવલપમેન્ટ અને ડેટા એનાલિસિસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તમને જણાવી દઈએ કે ડો. પ્રણય રોય અને રાધિકા રોય એ થોડાક મહિના પહેલા જ ન્યુઝ ચેનલ NDTVના ડિરેક્ટર બોર્ડમાંથી રાજીનામું આપી દીધું હતું અને પોતાના શેર ગૌતમ અદાણીને વેચી દીધા હતા. નોંધનીય છે કે, આ દંપતીએ જ વર્ષ 1988માં NDTVની શરૂઆત કરી હતી.
આ નવી કંપની ક્યો બિઝનેસ કરે છે?
ન્યૂઝલોન્ડ્રીની એક રિપોર્ટ મુજબ, ઇક્રોયા ટેકની કંપનીની ફાઇલિંગમાં જણાવાયું છે કે, તે પર્યાવરણ સંરક્ષણ અને પ્રદૂષણ ઘટાડવા જેવા ક્ષેત્રોમાં કામ કરશે. તે ઉપરાંત સંશોધનને પ્રોત્સાહન આપવા શિષ્યવૃત્તિ, ઇનામ વિતરણ અને પ્રયોગશાળા સ્થાપિત કરવા જેવી કામગીરી પણ કરશે. સાથે સાથે આ ક્ષેત્રોમાં સ્કોલરશીપ અને ગ્રાન્ટ પણ આપશે.
NDTV છોડ્યાના દોઢ મહિનામાં જ નવી કંપની શરૂ કરી
Ikroya Techની પ્રથમ બોર્ડ મીટિંગ આ વર્ષે 18 જાન્યુઆરીએ યોજાઈ હતી. નવી કંપનીની શેર મૂડી 10 લાખ રૂપિયા છે. જેને પ્રત્યેક એક લાખના ઈક્વિટી શેરમાં વિભાજિત કરવામાં આવી છે. આ નવી કંપનીમાં પ્રણય રોય અને રાધિકા રોયની 50-50 ભાગીદારી છે. બંને પાસે 50-50 હજાર શેર છે.
ગૌતમ અદાણીએ NDTVને ટેકઓવર કર્યા બાદ રોય દંપતિએ રાજીનામું આપ્યું
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ન્યુઝ ચેનલ એનડીટીવીને ટેકઓવર કરતા તેના સ્થાપક પ્રણય રોય અને રાધિકા રોયે રાજીનામું આપ્યું હતું. તમને જણાવી દઇયે કે, રોય દંપત્તિએ એનડીટીવીની પ્રમોટર કંપની RRPRના બોર્ડ ઓફ ડિરેક્ટરમાંથી પાછલા વર્ષે 29 નવેમ્બરમાં રાજીનામું આપ્યું હતું. રાજીનામા બાદ રોય દંપતિએ ચેનલને પોતાના 32.26 ટકા શેરમાંથી 27.26 ટકા શેર પણ અદાણી ગ્રૂપને વેચી દીધા હતા.
રોય દંપતિએ ચેનલ છોડતાની સાથે જ એક પછી એક રાજીનામાની વણઝાર શરૂ થઇ ગઇ હતી. કંપનીના સીઈઓ સુપર્ણા સિંહ, ચીફ સ્ટ્રેટેજી ઓફિસર અરિજીત ચેટર્જી, સીટીઓ કંવલજીત સિંહ બેદી, રવીશ કુમાર જેવા ચેનલના ઘણા સિનિયર કર્મચારીઓએ NDTVને અલવિદા કહી દીધું.
રોય દંપતીએ અદાણીને હિસ્સો કેમ વેચ્યો?
તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપે એનડીટીવીની પ્રમોટર કંપની RRPR હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડને પરોક્ષ રીતે હસ્તગત કરી હતી અને 29.18 ટકા હિસ્સો ટેકઓવર કરી લીધો હતો. ત્યારબાદ અદાણી ગ્રૂપ એનડીટીવીનો વધુ 26 ટકા હિસ્સો ખરીદવા ઓપન ઓફર લાવી હતી.જોકે, ઓપન ઓફર બાદ પણ અદાણી ગ્રુપની NDTV હિસ્સેદારી માત્ર 8.26 ટકા વધી હતી. ત્યારબાદમાં એનડીટીવીના સ્થાપક રોય દંપતીએ તેમનો 32.26 ટકા હિસ્સોમાંથી 27.26 ટકા હિસ્સો અદાણીને વેચવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચોઃ હિંડનબર્ગ વિવાદ વચ્ચે પણ અદાણી ગ્રૂપની કંપનીઓમાં LICએ રોકાણ વધાર્યું
રોય દંપતિએ એનડીટીવીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપ્યા બાદ અદાણી ગ્રૂપે સંજય પુગલિયા અને સેંથિલ એસ ચેંગલવરયનને ડિરેક્ટર બોર્ડમાં સામેલ કર્યા હતા.