Income Tax Bill 2025 : નાણામંત્રી નિર્મલા સીતારમણે 11 ઓગસ્ટ 2025ના રોજ લોકસભામાં ઈન્કમ ટેક્સ (નંબર 2) બિલ, 2025 અને ટેક્સેશન એક્ટ (સંશોધન) બિલ, 2025 રજૂ કર્યું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગત સપ્તાહે લોકસભા માંથી ઈન્કમ ટેક્સ બિલ 2025નો જૂનો ડ્રાફ્ટ ઔપચારિક રીતે પાછો ખેંચી લીધો હતો.
આ ઈન્કમ ટેક્સ બિલનું અપડેટેડ વર્ઝન આજે રજૂ કરવામાં આવ્યું હતું. લોકસભાની પ્રવર સમિતિએ લગભગ 285 ભલામણો કરી હતી અને ગયા મહિને સંસદમાં 4,500 પાનાનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં બિલમાં સુધારાની દરખાસ્ત કરવામાં આવી હતી. મૂળ બિલ ફેબ્રુઆરીમાં સંસદના બજેટ સત્રમાં રજૂ કરવામાં આવ્યું હતું.
પ્રવર સમિતિની બધી ભલામણોનો સમાવેશ
નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં સંશોધિત ઈન્કમ ટેક્સ બિલ રજૂ કર્યું, જેમાં પ્રવર સમિતિની લગભગ તમામ ભલામણો સામેલ કરવામાં આવી છે. સીતારમણે આવકવેરા (નંબર 2) બિલ, 2025 રજૂ કર્યું હતું, જેમાં આવકવેરા સંબંધિત કાયદામાં સુધારો અને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
તેમણે સંસદમાં ટેક્સેશન એક્ટ (સંશોધન) બિલ, 2025 પણ રજૂ કર્યું હતું. આ બિલના ઉદ્દેશો અને કારણોમાં કહેવામાં આવ્યું છે કે, “પ્રવર સમિતિની લગભગ તમામ ભલામણોને સરકારે સ્વીકારી લીધી છે.” તદુપરાંત, હિતધારકો પાસેથી એવા ફેરફારો વિશે સૂચનો પ્રાપ્ત થયા છે જે સૂચિત કાયદાકીય અર્થને વધુ ચોકસાઈપૂર્વક વ્યક્ત કરશે. ’’
સરકારે 13 ફેબ્રુઆરી, 2025 ના રોજ લોકસભામાં આવકવેરા બિલ, 2025 રજૂ કર્યું હતું. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ બૈજયંત પાંડાની અધ્યક્ષતાવાળી પ્રવર કમિટીએ તેમાં કેટલાક ફેરફારની ભલામણ કરી હતી. ઉપરોક્ત બિલને શુક્રવારે (8 ઓગસ્ટ 2025) ના રોજ સંસદ માંથી પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો | આવકવેરા બિલ 2025 માં આ 10 મોટા ફેરફારો થઈ શકે છે, સંપૂર્ણ યાદી જુઓ
આ ઇન્કમ ટેક્સ બિલના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ડ્રાફ્ટની પ્રકૃતિ, શબ્દસમૂહોની ગોઠવણી, પરિણામલક્ષી ફેરફારો અને આંતરવ્યક્તિત્વ સંદર્ભોમાં સુધારા કરવામાં આવ્યા છે.” આથી સરકારે પ્રવર સમિતિના રિપોર્ટ મુજબ ઈન્કમટેક્સ બિલ 2025 પાછું ખેંચવાનો નિર્ણય કર્યો હતો. પરિણામે આવકવેરા કાયદા 1961ના સ્થાને આવકવેરા (નંબર 2) બિલ, 2025 તૈયાર કરવામાં આવ્યું છે. “





