ભારતની 40 ટકાથી વધારે સંપત્તિ પર દેશના માત્ર એક ટકા અબજોપતિઓનો કબ્જો છે. સરળ શબ્દોમાં કરીયે ભારતની 1 લોકો પાસે દેશની 40 ટકા સંપત્તિ છે. જ્યારે 50 ટકા વસ્તી પાસે દેશની કુલ સંપત્તિના માત્ર ત્રણ ટકા જેટલો હિસ્સો છે. જે ભારતમાં વધી રહેલી આર્થિક અસમાનતાના સંકેત આપે છે. સામાજિક સંસ્થા ઓક્સફેમ ઈન્ટરનેશનલના તાજેતરના એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં યોજાયેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની વાર્ષિક બેઠકના પ્રથમ દિવસે રજૂ કરવામાં આવેલા આ રિપોર્ટમાં Oxfamએ બજેટમાં આર્થિક અસમાનતા ઘટાડવા માટેના પગલાં લેવાની પણ માંગ કરી છે.
મહામારી દરમિયાન અબજોપતિઓની સંપત્તિમાં અધધધ… 121%નો વધારો
ઓક્સફેમના આ રિપોર્ટ અનુસાર, ભારતમાં કોરોના મહામારી ફેલાઇ ત્યારબાદથી લઇ નવેમ્બર 2022 સુધી દેશના અબજોપતિઓની સંપત્તિમાં અધધધ… 121 ટકાનો વધારો થયો છે. વાસ્તવિક રીતે જોઈએ તો તેમની સંપત્તિમાં દરરોજ 3,608 કરોડ રૂપિયાનો વધારો થયો છે. ઓક્સફેમ અનુસાર, વર્ષ 2020માં દેશમાં અબજોપતિઓની કુલ સંખ્યા 102 હતી, જે 2022માં વધીને 166 થઈ છે. આ રિપોર્ટ અનુસાર, ભારતના સૌથી ધનિક 100 ધનાઢ્યોની કુલ સંપત્તિ વધીને 660 અબજ ડોલર થઇ છે, ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો આ રકમ લગભગ 54.12 લાખ કરોડ રૂપિયા જેટલી થાય છે. આ રકમ ભારત સરકારના દોઢ વર્ષથી વધુ સમયના સમગ્ર બજેટ ભંડોળ જેટલી છે.
ટેક્સ ક્લેક્શનમાં અબજોપતિઓનું યોગદાન ઓછું
ઓક્સફેમ અનુસાર, ભારતમાં અબજોપતિઓની સંખ્યા અને તેમની સંપત્તિમાં વધારો થવા છતાં કુલ કર ચૂકવણીમાં તેમનું યોગદાન ઘણું ઓછું છે. આ રિપોર્ટ અનુસાર વર્ષ 2021-22 દરમિયાન 14.83 લાખ કરોડ રૂપિયાની જીએસટી વસૂલાતમાં દેશના સૌથી ધનિક 10 ટકા લોકોનું યોગદાન માત્ર 3 ટકા હતું, જ્યારે લગભગ 64 ટકા યોગદાન એવી વ્યક્તિઓનું હતું જેમનો આર્થિક દ્રષ્ટિએ દેશના સૌથી નબળા 50 ટકા લોકોમાં સમાવેશ થાય છે.
ધનિક લોકો ટેક્સ કલેક્શનમાં યોગ્ય યોગદાન આપે : ઓક્સફેમ
આ રિપોર્ટ રજૂ કરતી વખતે Oxfam Indiaના CEO અમિતાભ બેહરે કહ્યું કે, “હાંસિયામાં ધકેલાઈ ગયેલા દલિતો, આદિવાસીઓ, મુસ્લિમો, મહિલાઓ અને દેશમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો સતત એક એવી સિસ્ટમના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જે ધનિક વ્યક્તિઓ તરફ વધારે ઝુંકાવ ધરાવે છે. ગરીબ લોકો તેમની આવક કરતાં વધારે ટેક્સ ચૂકવે છે અને તેમને ધનિકોની સરખામણીએ આવશ્યક વસ્તુઓ અને સેવાઓ પર વધારે ખર્ચ કરવો પડે છે. હવે સમય આવી ગયો છે કે ધનાઢ્યો પર એવી રીતે ટેક્સ લગાવવામાં આવે કે તેઓ દેશના કુલ ટેક્સ ક્લેક્શનમાં તેઓ વાજબી ટેક્સ ચૂકવી શકે.

વેલ્થ ટેક્સ અને ઉત્તરાધિકાર ટેક્સ લાગુ કરવો જોઈએ
બેહરે કેન્દ્રીય નાણાંમંત્રીને સંપત્તિ વેરો અને વારસાગત વેરો જેવા પ્રોગ્રેસિવ ટેક્સ લાદવાની વિનંતી કરી છે, કારણ કે આ કર ઐતિહાસિક રીતે આર્થિક અસમાનતા ઘટાડવામાં અસરકારક સાબિત થયા છે. ઓક્સફેમે કહ્યું છે કે રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણ દર્શાવે છે કે ભારતના 80 ટકાથી વધુ લોકો ધનપતિઓ અને કોવિડ- 19 મહામારી દરમિયાન રેકોર્ડ નફાની કમાણી કરનાર કંપનીઓ પર ટેક્સ લાદવાની તરફેણમાં છે. આ સર્વેમાં 90 ટકાથી વધુ લોકોએ અસમાનતા ઘટાડવા માટે બજેટમાં જોગવાઈ કરવાની પણ માંગ કરી છે.
તો… અદાણી પર ટેક્સ લાદવાથી 1.79 લાખ કરોડ મળે : રિપોર્ટ
Oxfamના રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, જો ભારતના 10 સૌથી ધનિક લોકો પર પાંચ ટકા ટેક્સ લાદવામાં આવે તો એટલી જંગી રકમ મળશે, જે દેશમાં અધવચ્ચેથી શાળા છોડનાર તમામ બાળકોનો અભ્યાસ ફરી શરૂ કરાવી શકાય છે. આ રિપોર્ટમાં અબજોપતિઓ પર ટેક્સ લાદવાના મુદ્દે ચર્ચા કરતાં દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2017થી 2021 દરમિયાન દેશના માત્ર એક અબજોપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં વધારો થયો છે, જો તેમના પર વન-ટાઇમ ટેક્સ લાદવામાં આવે તો 1.79 લાખ કરોડ રૂપિયાની કર વસૂલાત થઈ શકે છે. આ રકમ દેશમાં 50 લાખથી વધુ પ્રાથમિક શાળાના શિક્ષકોનો એક વર્ષનો પગાર ચૂકવવા માટે પૂરતી છે.
અબજોપતિઓની સંપત્તિ પર બે ટકા વન-ટાઇમ ટેક્સ લાદવાનું સુચન
સર્વાઇવલ ઓફ ધ રિચેસ્ટ ((Survival of the Richest) ) શિર્ષક વાળા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો ભારતના અબજોપતિઓની કુલ સંપત્તિ પર માત્ર 2 ટકા જ વન-ટાઇમ ટેક્સ લાદવામાં આવે તો પણ દેશમાં કુપોષણથી પીડિત લોકોને ત્રણ વર્ષ સુધી પોષણ આપવા માટે જરૂરી 40,423 કરોડ રૂપિયા ઊભા કરી શકાય છે. આ રિપોર્ટ અનુસાર, જો દેશના 10 સૌથી અમીર અબજોપતિઓ પર 5 ટકાનો વન ટાઈમ ટેક્સ લાદવામાં આવે તો 1.37 લાખ કરોડ રૂપિયાની વસૂલાત થઈ શકે છે. આ રકમ નાણાકીય વર્ષ 2022-23 માટેના ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને આયુષ મંત્રાલયના કુલ બજેટ કરતાં દોઢ ગણી વધારે છે.