Who is Pakistan’s Richest Person: પાકિસ્તાનની કથળથી જતી અર્થવ્યવસ્થા અને વધતી મોંઘવારીના સમાચાર હવે કોઈ નવી વાત નથી રહી. ભારતનો આ પાડોશી દેશ હંમેશા રાજકીય અસ્થિરતાનો શિકાર રહ્યો છે. શું તમે જાણો છો કે પાડોશી દેશ પાકિસ્તાનમાં સૌથી ધનિક વ્યક્તિ કોણ છે? પાકિસ્તાન પર ભલે અબજોનું દેવું હોય પરંતુ અહીં ઘણા અમીર લોકો પણ છે. અમે તમને પાકિસ્તાનના સૌથી અમીર વ્યક્તિ શાહિદ ખાન વિશે જણાવીશું, જે લાખો કરોડની સંપત્તિનો માલિક છે. ફોર્બ્સ દ્વારા અબજોપતિઓની યાદીમાં શાહિદ ખાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનનો સૌથી ધનિક વ્યક્તિ શાહિદ ખાન કોણ છે?
પાકિસ્તાનના સૌથી ધનિક વ્યક્તિનું નામ શાહિદ ખાન છે. શાહિદ ખાન એક મોટા ઉદ્યોગપતિ છે, જેનો બિઝનેસ પાકિસ્તાન, અમેરિકા સહિત દુનિયાભરમાં ફેલાયેલો છે. તેની પાસે ઓટો પાર્ટ્સ સપ્લાયર કંપની ફ્લેક્સ એન ગેટ છે. આ ઉપરાંત તે અમેરિકન ફૂટબોલ ટીમ જેક્સનવિલે જગુઆરનો પણ માલિક છે.
શાહિદ ખાનનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો, પરંતુ તે 16 વર્ષની ઉંમરે અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. અને આ પછી અમેરિકા તેમનું ઘર બની ગયું અને હવે તેમની પાસે અમેરિકાનું નાગરિકત્વ છે. શરૂઆતમાં શાહિદ ખાનને પણ ત્યાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
ફોર્બ્સના જણાવ્યા પ્રમાણે દિવસ દરમિયાન અભ્યાસની સાથે સાથે શાહિદ રાત્રે વાસણ ધોતો હતો. આ નોકરીથી તે કલાકના 1.20 ડોલર કમાતો હતો. શાહિદ ખાને 1971માં ગ્રેન્જર કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની ડિગ્રી સાથે સ્નાતક થયા હતા. ખાસ વાત એ છે કે જ્યારે તે પાકિસ્તાનથી અમેરિકા ગયો ત્યારે તેના હાથમાં માત્ર 500 ડોલર જ હતા.
Shahid Khan Net Worth : પાકિસ્તાનના સૌથી અમીર વ્યક્તિની નેટવર્થ
ફોર્બ્સના જણાવ્યા અનુસાર 74 વર્ષીય શાહિદ ખાન હાલ 13.3 અબજ ડોલર (લગભગ 1.1 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિના માલિક છે. શાહિદ ખાનને દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં 156મું સ્થાન મળ્યું છે. ખાસ વાત એ છે કે છેલ્લા એક મહિનામાં શાહિદ ખાનની પ્રોપર્ટીમાં ઝડપથી વધારો થયો છે અને તેમાં લગભગ 1.2 અબજ ડોલરનો વધારો થયો છે. આટલી પ્રોપર્ટી હોવા છતાં શાહિદ ખાનની સંપત્તિ ભારતના મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી કરતા ઘણી ઓછી છે.
1980માં Flex-N-Gate ખરીદી
પાકિસ્તાનથી સ્થળાંતર કરીને અમેરિકામાં સ્થાયી થયેલા શાહિદ ખાને 1980માં પોતાના પૂર્વ એમ્પ્લોયર પાસેથી ફ્લેક્સ-એન-ગેટ ખરીદી હતી. એન્જિનિયરિંગ મેન એવા શાહિદે વન-પીસ ટ્રક બમ્પર ડિઝાઇન કર્યું હતું અને આ તેની સફળતાનો ટર્નિંગ પોઇન્ટ બની ગયો હતો. આજે તેમની કંપનીમાં વિશ્વભરમાં 27 હજારથી વધુ કર્મચારીઓ છે.
શાહિદ ખાન ટોરોન્ટોમાં ફોર સીઝન્સ હોટલનો માલિક છે અને 2026 સુધીમાં જેક્સનવિલેમાં ચાર નવી ફોર સીઝન્સ પ્રોપર્ટી ખોલવાની યોજના ધરાવે છે.
આ પણ વાંચો | IPO રોકાણ પહેલા તમારી જાતને પુછો આ 3 સવાલ, શેરબજારમાં નહીં થાય ક્યારેય નુકસાન
શાહિદ ખાન સ્પોર્ટ્સ પ્રેમી
2011માં શાહિદ ખાને અમેરિકન ફૂટબોલ ટીમ જેક્સનવિલે જગુઆરને ખરીદી હતી. 2013માં તે બ્રિટનની ફુલહામ ફૂટબોલ ક્લબનો માલિક બન્યો હતો. શાહિદ અને તેના પુત્ર ટોનીએ 2019માં ડબ્લ્યુડબ્લ્યુઇ સામે ટક્કર લેવા માટે રેસલિંગ એન્ટરટેઈનમેન્ટની પ્રોફેશનલ કંપની ઓલ એલિટ રેસલિંગ લોન્ચ કરી હતી.





