પેન્ડોરા પેપર્સ માં 380 ભારતીયોના નામ છે. આ નામો સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પેન્ડોરા પેપર્સમાં ઉદ્યોગપતિઓથી માંડીને ભાગેડુ વેપારીઓ સુધીના દરેકનો સમાવેશ થાય છે. પેન્ડોરા પેપર્સ માં ઉદ્યોગપતિ અનિલ અંબાણી, ભાગેડુ નીરવ મોદી, ક્રિકેટર સચિન તેંડુલકર, જેકી શ્રોફ, નીરા રાદિયા, હરીશ સાલ્વે સહિત અનેક મોટા નામ સામેલ છે. એજન્સીઓએ આ યાદીમાં જેમના નામ છે, તેમના સ્થાન પર સર્ચ કરવા માટે સમન્સ જાહેર કરવાનું શરૂ કરી દીધું છે, તેમની સંપત્તિ જપ્ત કરવા માટે નિવેદનો નોંધવા, આવકવેરા અને આરબીઆઈ પાસેથી માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસના ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટ અનુસાર, ગૌતમ સિંહથી લઈને લલિત ગોયલ અને મલવિંદર સિંહ સુધીના દરેક જણ તપાસમાં સામેલ છે. પેન્ડોરા પેપર્સમાં 14 ઑફશોર સર્વિસ પ્રોવાઇડર્સના 1 કરોડ 19 લાખ ગુપ્ત દસ્તાવેજો છે. તે 29,000 ઓફશોર એન્ટિટીની માલિકીનું વિવરણ કરે છે, જેનો ઉપયોગ સુપર-રિચ લોકો દ્વારા તેમના વૈશ્વિક નાણાં પ્રવાહને સંચાલિત કરવા માટે કરવામાં આવે છે.
આ ડેટા ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) દ્વારા મેળવવામાં આવ્યો છે અને 150 મીડિયા પાર્ટનર્સ સાથે શેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે તપાસનું નેતૃત્વ કરવા માટે મલ્ટી એજન્સી ગ્રુપ (MAG) ની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી. આ પછી આવકવેરા વિભાગે મોટાભાગના ભારતીય નાગરિકોને સૂચનાઓ મોકલી છે.
અનિલ અંબાણી
પેન્ડોરા પેપર્સ અનુસાર, ADA ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી અને તેમના પ્રતિનિધિઓ જર્સી (બ્રિટિશ વર્જિન આઇલેન્ડ) અને સાયપ્રસમાં ઓછામાં ઓછી 18 ઑફશોર કંપનીઓના માલિક છે. 2007 અને 2010 વચ્ચે સ્થપાયેલી આમાંથી સાત કંપનીઓએ ઓછામાં ઓછા $1.3 બિલિયનનું ઉધાર લીધું અને રોકાણ કર્યું. આ કંપનીઓનું સંચાલન કરતા સેવા પ્રદાતાઓએ કહ્યું કે, બેંકોમાંથી તેમની લોનની ખાતરી રિલાયન્સ (અનિલ અંબાણી) દ્વારા આપવામાં આવી હતી. ત્યારે અંબાણીના વકીલે કહ્યું હતું કે, તમામ ખુલાસાઓ ભારતીય કાયદાનું પાલન કરીને કરવામાં આવ્યા હતા.
ઇન્વેસ્ટિગેશન અપડેટ: ED એ તમામ રિપોર્ટ કરાયેલ એકમો પાસેથી માહિતી માંગી છે. ત્રણ ભારતીય કંપનીઓને સૂચના આપવામાં આવી છે. અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણીને ફેમાની જોગવાઈઓ હેઠળ સમન્સ પાઠવવામાં આવ્યા હતા અને ED ની મુંબઈ ઓફિસમાં તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.
ગૌતમ સિંઘાનિયા
પાન્ડોરા પેપર્સ અનુસાર, રેમન્ડ લિમિટેડના ચેરમેન ગૌતમ હરિ સિંઘાનિયાએ 2008 માં BVIમાં બે કંપનીઓ હસ્તગત કરી હતી. એક દેરાસ વર્લ્ડવાઈડ કોર્પોરેશન છે, જ્યાં તે લાભકારી માલિક છે. બીજી લિન્ડનવિલે હોલ્ડિંગ્સ લિમિટેડ છે, જ્યાં સિંઘાનિયા અને તેમના પિતા વિજયપત સિંઘાનિયાને શેરધારકો તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ કંપની 2016માં બંધ થઈ ગઈ હતી.
તપાસ અપડેટ: FEMA તપાસ શરૂ થયા પછી, BVI ને વિનંતી મોકલવામાં આવી હતી અને જવાબ મળ્યો હતો કે પ્રશ્નો પણ RBI ને મોકલવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગને પૂછવામાં આવ્યું છે કે, શું સિંઘાનિયા પરિવારના કોઈપણ સભ્ય વિરુદ્ધ બ્લેક મની એક્ટ હેઠળ કોઈ કેસ પેન્ડિંગ છે. ગૌતમ સિંઘાનિયા અને તેમના પિતા વિજયપત સિંઘાનિયાને ત્રણ સમન્સ મોકલવામાં આવ્યા છે. વિજયપત સિંઘાનિયાએ 27 એપ્રિલ 2023ના રોજ તેમનું નિવેદન નોંધ્યું હતું, જેમાં તેમણે ડેરા સાથે કોઈપણ સંબંધનો ઈન્કાર કર્યો હતો. બીજા સમન્સના જવાબમાં ગૌતમ સિંઘાનિયાનું નિવેદન 1 જૂન, 2023ના રોજ નોંધવામાં આવ્યું હતું.
સચિન તેંડુલકર
પાન્ડોરા પેપર્સ અનુસાર, સચિન તેંડુલકર અને તેના પરિવારના સભ્યો BVI કંપની SaaS ઈન્ટરનેશનલ લિમિટેડના લાભકારી માલિકો હતા. પનામા પેપર્સ બાદ 2016 માં સાસ ઈન્ટરનેશનલને બંધ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે તે બંધ થઈ ગયું, ત્યારે શેરધારકો (તેંડુલકર, તેની પત્ની અંજલિ તેંડુલકર અને તેમના પિતા) દ્વારા કંપનીના શેર પાછા ખરીદવામાં આવ્યા. પાન્ડોરા પેપર્સમાં પરિવારને PEP (રાજકીય રીતે એક્સપોઝ્ડ પર્સન્સ) તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે કારણ કે સચિન તેંડુલકર પણ પૂર્વ સાંસદ હતા.
તપાસ અપડેટ: FEMA નો ઉપયોગ કરીને, ED એ ક્રિકેટ સ્ટાર સચિન તેંડુલકરની ITR વિગતો માંગતો પત્ર આવકવેરાને મોકલ્યો. સચિન તેંડુલકરની કંપનીના CEO અને તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને SaaS વિશે માહિતી મેળવવા માટે સૂચનાઓ મોકલવામાં આવી હતી. વધુ તપાસ ચાલુ છે.
નીરા રાડિયા
પેન્ડોરા પેપર્સ અનુસાર નીરા રાડિયા લગભગ એક ડઝન ઓફશોર કંપનીઓના માલિક છે. રેકોર્ડ્સમાં જંગી નાણાકીય વ્યવહારો (BVI I કંપનીમાંથી એક દ્વારા દુબઈમાં $251,500ની ઘડિયાળની ખરીદી)ના ઈમેલ્સ હતા જે દર્શાવે છે કે, તેણી ‘do not contact’ ગ્રાહક છે. ત્યારે રાડિયાએ કહ્યું હતું કે તે આ કંપનીઓને જાણતી નથી અને તેની પાસે તેમાં કોઈ શેર નથી.
તપાસ અપડેટ: FEMA ને ટાંકીને, EDએ નીરા રાડિયાને ઑફશોર કંપનીઓની વિગતો આપવા અને તેમનું નિવેદન રેકોર્ડ કરવા કહ્યું. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તેમના ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું. આ સર્ચમાંથી જપ્ત કરાયેલા ડેટાને પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે અને તેમને નવેસરથી સમન્સ જાહેર કરવામાં આવ્યા છે. EDએ નીરા રાડિયાની બહેન કરુણા મેનનનું પણ નિવેદન નોંધ્યું છે.
આ પણ વાંચો – બજેટ 2024 : પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – આ દેશના ભવિષ્યના નિર્માણનું બજેટ
હરીશ સાલ્વે
પેન્ડોરા પેપર્સ મુજબ, હરીશ સાલ્વેએ લંડનમાં મિલકત ધરાવવા માટે 2015માં BVIમાં માર્સુલ કંપની હસ્તગત કરી હતી. તેઓને કંપનીના લાભકારી માલિક અને સેક્રેટરી તરીકે દર્શાવવામાં આવ્યા છે અને તેમની ઓળખ PEP તરીકે પણ કરવામાં આવી છે. ત્યારે હરીશ સાલ્વેએ કહ્યું હતું કે, તેમણે મિલકતો રાખવા માટે માર્સુલમાં શેર ખરીદ્યા હતા અને તેઓ એનઆરઆઈ હોવાથી તેમને ઑફશોર કંપનીના શેર ખરીદવા માટે આરબીઆઈની પરવાનગીની જરૂર નથી.
તપાસ અપડેટ: ED એ નોંધ્યું છે કે, હરીશ સાલ્વેનું નામ પનામા પેપર્સમાં આવ્યા પછી તેની તપાસ પહેલેથી જ ચાલી રહી છે. તેમના રિટર્નની વિગતો માટે IT અધિકારીઓને વિનંતી કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે.





