જો તમે રેડી ટુ કુક પરાઠા ખાવાના શોખીન છો તો તમારે હવે આ માટે વધારે નાણાં ખર્ચવા પડશે. ગુજરાતની એપેલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ (AAAR)ના આદેશ મુજબ, રોટલી અને પરાઠા વચ્ચે ઘણો તફાવત છે, તેથી રોટી પર 5 ટકા GST વસૂલાશે જ્યારે પરાઠા પર 18 ટકા GST લાદવામાં આવશે.
આ ચુકાદો અમદાવાદ સ્થિત કંપની વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝની અપીલ પર આવ્યો છે. તો બીજી બાજુ આ બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીઓનું કહેવું છે કે પરાઠા પર ઉંચો GST લાદવો જોઈએ નહીં કારણ કે બંને ચીજ ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે.
વાડીલાલ ઘણા પ્રકારના રેડી-ટુ-કુક એટલે કે ફ્રોઝન પરાઠા બનાવે છે. કંપનીનું કહેવું છે કે રોટલી અને પરાઠામાં બહુ ફરક નથી અને બંને માત્ર લોટમાંથી જ બનાવવામાં આવે છે. આ કારણથી પરાઠા પર માત્ર 5 ટકા GST વસૂલવો જોઈએ. કંપનીએ દાવો કર્યો છે કે માત્ર પરાઠા અને રોટલી બનાવવાની પ્રક્રિયા સમાન નથી, ઉપરાંત તેનો ઉપયોગ અને વપરાશ કરવાની રીત પણ સમાન છે. જો કે AAARએ કંપનીની દલીલને ફગાવી દીધી અને સ્પષ્ટપણે કહ્યુ કે, પરાઠા ઉપર 18 ટકા જ GST વસૂલવામાં આવશે.
આ અગાઉ, ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગની અમદાવાદની ખંડપીઠે ચુકાદો આપ્યો હતો કે ફ્રોઝન પરાઠા પર 18 ટકા GST વસૂલવામાં આવશે. તેની વિરુદ્ધ કંપનીએ ગુજરાત AAARમાં અપીલ કરી હતી, પરંતુ એપલેટ ઓથોરિટીએ અગાઉના AARના નિર્ણયને યોગ્ય માનીને તેનો ચુકાદો યથાવત રાખ્યો હતો.
ઓથોરિટીનું કહેવું છે કે વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવતા પરોઠામાં 36 થી 62 ટકા લોટ હોય છે અને તેમાં બટાટા, મૂળો, ડુંગળીની સાથે ખાદ્ય તેલ અને મીઠું હોય છે. બીજી તરફ, સાદી રોટલી અને ચપાતીમાં માત્ર લોટ અને પાણી હોય છે. આ ઉપરાંત રોટલીને સીધી જ ખાવામાં આવે છે જ્યારે જમતા પહેલા પરાઠાને તવા પર શેકવાનો હોય છે.
નોંધનિય છે કે, ા અગાઉ મહારાષ્ટ્રના AARએ પરાઠા પર 5 ટકા GST વસૂલવાનો ચુકાદો આપ્યો હતો, પરંતુ કેરળ અને ગુજરાત AARએ કહ્યું હતું કે રોટલી અને પરાઠામાં ઘણો તફાવત છે.