જો તમે ધનતેરસ – દિવાળીના તહેવારો દરમિયાન નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે કદાચ તમારો પ્લાન કેન્સલ કરવો પડશે અથવા તો તેની માટે થોડીક રાહ જોવી પડશે. કારણ કે નવી કારની વધારે ડિમાન્ડ હોવાને કારણે ઓટો ડીલરોએ નવું બુકિંગ બંધ કરી દીધું છે.
ઓટો સેક્ટર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી કાર ખરીદનારા 4 લાખથી વધુ લોકોએ તેમની કારની ડિલિવરી માટે ધનતેરસનો દિવસ નક્કી કર્યો છે. આમ મોટી સંખ્યામાં કારની ડિલિવરી કરવાની હોવાથી કાર ડીલરોએ તાત્કાલિક બુકિંગ બંધ કરવું પડ્યું છે.
નવરાત્રીમાં 5.39 લાખ વાહનો વેચાયા
આ તહેવારોની સિઝનમાં નવરાત્રી દરમિયાન એટલે કે 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી દેશમાં 5,39,227 વાહનોનું વેચાણ થયું છે, જેમાંથી 1,10,521 પેસેન્જર કાર અને 3,69,020 ટુ વ્હીલર વાહનો છે.
65 સપ્તાહનો વેઇટિંગ પિરિયડ
તમામ કંપનીઓની બેસ્ટ સેલિંગ પેસેન્જર કારના મોડલ માટે 65 અઠવાડિયાથી વધુનો વેઇટિંગ પિરિયડ છે, એટલે કે આવી બેસ્ટ સેલિંગ કાર ખરીદવા માટે તમારે 65 સપ્તાહ સુધી રાહ જોવી પડશે આ ધનતેરસ પર ફક્ત તે જ લોકો ભાગ્યશાળી સાબિત બનશે જેમણે તેમની કારનું એડવાન્સમાં બુકિંગ કરાવ્યું છે.
ટાટા મોટર્સ અને રેનો ઈન્ડિયાના શોરૂમના સંચાલક અજય અગ્રવાલના જણાવ્યા અનુસાર, વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે બમણી વૃદ્ધિ જોવા મળી રહી છે જે નવરાત્રિ દરમિયાન જોવા મળી છે અને ધનતેરસમાં પર પણ ચાલુ રહેવાની અપેક્ષા છે.
આ સાથે તેમણે કહ્યું કે આ ધનતેરસ પર સૌથી વધારે કારનું વેચાણ થવાની ધારણા છે કારણ કે દેશમાં તહેવારોની સિઝન ચાલી રહી છે, નવેમ્બરમાં લગ્નસરાની સિઝન શરૂ થઈ રહી છે, જેના કારણે પેસેન્જર વાહનોની મોટા પ્રમાણમાં માંગ રહેશે
તેમણે ઉમેર્યું કે, અમે જોયું છે કે નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારો દરમિયાન પેસેન્જર વાહનોની માંગ વધારે રહે છે અને જે ગ્રાહકોએ આ તહેવારોના બે થી ત્રણ મહિના પહેલા બુકિંગ કરાવ્યું છે તેઓ પણ તેમની કારની ડિલિવરીની રાહ જોઈ રહ્યા છે.
તેમણે કહ્યું કે, કેટલીક કાર મોડલમાં ઓછો અને કેટલાંકમાં વધારે પણ એકંદરે મોટાભાગની કારની ડિલિવરી માટે વેઇટિંગ પિરિયડ છે. જોકે, પેટ્રોલ કારની સરખામણીમાં CNG કારમાં વેઇટિંગ પીરિયડ ઘણો ઓછો છે.
ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને, મોટાભાગની કાર કંપનીઓએ તેમના તમામ શોરૂમમાં તેમની સૌથી વધુ વેચાતી કારના વેઇટિંગ પિરિયડનું લિસ્ટ મૂક્યું છે જેથી કાર ખરીદવા આવતા ગ્રાહકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે મૂંઝવણનો સામનો ન કરવો પડે.
પેસેન્જર વ્હિકલનુ વેચાણ દાયકાની ટોચે પહોંચશે
ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન FADAના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આ તહેવારોની સિઝનમાં પેસેન્જર વાહનોનું વેચાણ ચાલુ દાયકાના સર્વોચ્ચ સ્તરે પહોંચવાની અપેક્ષા છે.
તેમણે ઉમેર્યુ કે, ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પેસેન્જર વાહનોની માંગમાં 57 ટકાનો મોટો વધારો થયો છે, જેમાં તમામ કેટેગરીના વાહનો સામેલ છે.
તમને જણાવી દઈએ કે ભારતમાં સૌથી વધુ વેચાતી કારમાં સૌથી લાંબું વેઇટિંગ પીરિયડ મહિન્દ્રા XUV700નું છે, જે 66 થી 68 અઠવાડિયાનો છે. ત્યારબાદ XUV500ના અલગ-અલગ મોડલ્સ પર 7 થી 27 અઠવાડિયાનો વેઇટિંગ પિરિયડ છે.
કંપનીની સૌથી વધુ વેચાતી ઑફ-રોડ SUV મહિન્દ્રા થાર ખરીદવા માટે તમારે 23 થી 25 સપ્તાહ સુધી રાહ જોવી પડશે. તો મહિન્દ્રા બોલેરો, જે ગ્રામીણ ભારતમાં સૌથી વધારે પસંદ કરવામાં આવે છે, તેની માટેનો વેઇટિંગ પિરિયડ 10 અઠવાડિયાનો છે.
ટાટા મોટર્સની કારની વાત કરીએ તો, કંપની તેની પેસેન્જર કારના અલગ-અલગ મોડલ પર 16 થી 20 સપ્તાહનો વેઇટિંગ પીરિયડ છે. જેમાં ટાટા પંચ ખરીદવા માટે ગ્રાહકોએ 24 થી 26 અઠવાડિયા, ટાટા નેક્સન માટે 10 થી 12 અઠવાડિયાની રાહ જોવી પડશે. ઉપરાંત મારુતિ સુઝુકી કંપનીની મારૂતિ ગ્રાન્ડ વિટારા ખરીદવા માટે તમારે 24 થી 26 અઠવાડિયા, કિયા મોટર્સની કાર ખરીદવા 10 થી 12 અઠવાડિયા સુધીની રાહ જોવી પડશે.