Paytm Founder Vijay Shekhar Sharma : પેટીએમ એટલે કે વન97 કોમ્યુનિકેશન્સના શેરના ખરાબ દિવસો ચાલી રહ્યા છે. 2010માં લૉન્ચ કરવામાં આવેલી Paytm નોટબંધી બાદ દેશભરમાં બહુ લોકપ્રિય થઈ હતી. 2016માં ડિમોનેટાઇઝેશનથી આ પેમેન્ટ એપની કિસ્મત ચમકી અને દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન મળ્યુ હતુ. આ તે સમય હતો જ્યારે સરકારે UPI (યુનિફાઇડ પેમેન્ટ સર્વિસ) શરૂ કરી હતી. ત્યારબાદ પેટીએમનો IPO આવ્યો અને શેરમાં સતત વધઘટ ચાલુ રહી.
જો કે, 31 જાન્યુઆરી 2024ના રોજ આરબીઆઈ દ્વારા પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ મૂકાયા બાદ આ ફિટનેક કંપની ફરી વિવાદમાં છે. અલબદ્દ કંપનીનું કહેવું છે કે, પેટીએમ હંમેશા ચાલુ રહેશે અને કોઇ છટણી કરવામાં આવશે નહીં. શું તમને ખબર છે કે, દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ સર્વિસ કંપનીના સ્થાપક કોણ છે? આખરે, કોણ છે વિજય શેખર શર્મા, જેણે સામાન્ય માણસથી ખાસ માણસ સુધીની સફર કરી છે? આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે Paytmની શરૂઆત થઈ અને કેવી રીતે યુપીના અલીગઢનો એક સામાન્ય છોકરો દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપનીનો માલિક બન્યો.
વિજય શેખર શર્મા કોણ છે?
વિજય શેખર શર્માનો જન્મ ઉત્તર પ્રદેશના અલીગઢમાં થયો છે, જ્યાં તેમના પિતા શાળાના શિક્ષક હતા. વિજય શેખર શર્મા એ એક ઉદાહરણ છે કે વ્યક્તિ કેવી રીતે દ્રઢ મનોબળ અને નિશ્ચયથી સફળતાના શિખરે પહોંચી શકે છે. તેમણે હિન્દી માધ્યમની શાળામાં અભ્યાસ કર્યો. નબળું અંગ્રેજી તેમના માર્ગમાં અવરોધ ઊભું કરી રહ્યું હતું પરંતુ તેમ છતાં દ્રઢ નિશ્ચય અને સખત મહેનતથી તે પ્રતિષ્ઠિત દિલ્હી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (DTU)માં પ્રવેશ મેળવવામાં સફળ થયા. તે હંમેશા નવી ટેકનોલોજી વિશે જાણવા ઉત્સુક હતા.
એવું કહેવાય છે કે હિન્દી માધ્યમની શાળામાં પ્રારંભિક શિક્ષણને કારણે તેમનું અંગ્રેજી બહુ સારું નહોતું. આ કારણે તે નિષ્ફળ પણ ગયા, પરંતુ તેમણે અંગ્રેજીને પોતાની નબળાઈ ન બનવા દીધી. વિજય શેખર શર્માએ પોતાની મહેનત અને મિત્રોની મદદથી અંગ્રેજી શિખ્યા હતા.
પોતાના એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન જ તેમણે સાહસિકતાના સપના જોવાનું શરૂ કર્યું. તેમણે પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું સપનું પણ જોયું હતું પરંતુ આર્થિક તંગીના કારણે તે થઈ શક્યું નહીં. દિલ્હી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે તેમણે indiasite.net નામની વેબસાઈટ બનાવી. અને થોડા સમય પછી તે 10 લાખ ડોલરમાં વેચાઈ ગઇ હતી.
વિજય શેખર શર્મા અહીં જ ન અટક્યા અને આ પછી તેમણે કન્ટેન્ટ મેનેજમેન્ટ કંપની Xs શરૂ કરી. અહેવાલો અનુસાર, તેમણે આ કંપનીને લાખો રૂપિયામાં અમેરિકાના લોટસ ઇન્ટરવર્કને વેચી દીધી. તેને વેચ્યા બાદ તેમણે આ કંપનીમાં નોકરી પણ કરી. અને ત્યાર પછી આવ્યું વર્ષ 2000 જ્યારે તેમણે એ કંપનીનો પાયો નાંખ્યો જેણે વિજય શેખર શર્માનું કિસ્મત બદલી નાંખ્યું.
વન97 કોમ્યુનિકેશન્સની સ્થાપના ક્યારે અને કેવી રીતે થઇ?
વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડની સ્થાપના 2000માં વિઝય શેખર શર્માએ કરી હતી. તેની હેડ ઓફિસ નોઇડામાં છે. પેટીએમ પેમેન્ટ બેંક, પેટીએમ પેમેન્ટ ગેટવે, પેટીએમ પેઆઉટ, પેટીએમ મની, પેટીએમ ઇનસાઇડર, પેટીએમ ઇન્શ્યોરન્સ, પેટીએમ પોસ્ટપેડ, પેટીએમ ફોર બિઝનેસ, પેટીએમ ક્રેડિટ કાર્ડ્સ અને પેટીએમ ફર્સ્ટ ગેમ્સ આ કંપનીની પેટાકંપનીઓ છે.
શરૂઆતમાં One97 Communications Ltd એ એક પ્લેટફોર્મ હતું જેના પર જોક્સ, પરીક્ષાના પરિણામો, ક્રિકેટ મેચના સ્કોર અને રિંગટોન દેખાડવામાં આવતા હતા. પરંતુ વર્ષ 2010માં, વિજય શેખર શર્માએ One97 કોમ્યુનિકેશન હેઠળ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ Paytm લોન્ચ કર્યું.
Paytm લોન્ચ થયા પછી ભારતમાં અચાનક મોબાઈલ પર ડિજિટલ ટ્રાન્ઝેક્શનની શરૂઆત થઇ. પરંતુ 2016માં ડિમોનેટાઇઝેશન પછી, આ એપ્લિકેશનમાં તેજી આવી. અને કેશલેસ ઈકોનોમીની માંગથી આ મોબાઈલ આધારિત સર્વિસ પ્રોવાઈડરને જંગી નફો થયો. વિજય શેખર શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ અભિયાનને જોરદાર સમર્થન આપ્યું હતું. 2018માં Paytm ને વોરેન બફેટના બર્કશાયર હેથવે તરફથી 30 લાખ ડોલરનું ભંડોળ મળ્યું.
આ પછી, વિજય શેખર શર્માએ 50 લાખ ડોલર ભારતીય ગ્રાહકોને બેંકિંગ અને નાણાકીય સેવાઓ પ્રદાન કરવા અને કંપનીની કામગીરીને વિસ્તૃત કરવાના હેતુ સાથે 2019માં Paytm પેમેન્ટ્સ બેંકની શરૂઆત કરી. તે દેશની સૌથી મોટી ડિજિટલ બેંકોમાંની એક છે. ભારતમાં Paytmના બે મોટા હરીફો વોલમાર્ટના ફોનપે અને ગૂગલ પે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં પેટીએમના કુલ મર્ચેન્ડાઇમાં વધારો થયો છે અને નાણાકીય વર્ષ 2022-23માં તે રૂ. 13.2 લાખ કરોડના આંકડાને સ્પર્શી ગયો છે. 2022માં વિજય શેખર શર્મા એ ફોર્બ્સ 2022ની યાદીમાં સ્થાન મેળવ્યું, તે સમયે તેમની કુલ સંપત્તિ 1.2 અબજ ડોલર હતી.
31 જાન્યુઆરી 2024ના રોજ આરબીઆઈના પગલાં પછી શું થયું?
Paytmના સ્થાપક વિજય શેખર શર્મા સતત તેમના યુઝર્સને ખાતરી આપી રહ્યા છે અને તમામ જવાબદારી પોતે લીધી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 31 જાન્યુઆરી 2024 ના રોજ Paytm Payments Bank Ltd (PPBL) ને કોઈપણ પ્રકારની નવી થાપણો સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત 29 ફેબ્રુઆરી 2024 પછી આ ખાતામાં ટોપ-અપ, ડિજિટલ વોલેટ, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અને FASTags પણ કામ કરશે નહીં.
RBI એ પ્રતિબંધ માટે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A હેઠળ “બેંક દ્વારા સતત બિન-પાલન” નો ઉલ્લેખ કર્યો છે. મધ્યસ્થ બેંકના આદેશ બાદ Paytm ગ્રાહકોની સાથે સાથે ડિજિટલ પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સની ચિંતા પણ વધી ગઈ છે. કારણ કે આરબીઆઈના આદેશ પછી બીજા દિવસે પેટીએમના શેરમાં જબરદસ્ત કડાકો બોલાયો છે. પોતાના કસ્ટમર અને રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખવા માટે વિજેય શેખરે ટ્વિટર એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે 29 ફેબ્રુઆરી બાદ પણ પેટીએમ પહેલાની જેમ કામ ચાલુ રાખશે.
આ સાથે, વિજય શેખર શર્માએ જણાવ્યું હતું કે One97 Communications Ltd (OCL) તેના નોડલ એકાઉન્ટ્સ અને QR કોડને અન્ય બેંકોમાં સ્થાનાંતરિત કરીને Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ પર તેની નિર્ભરતા ઘટાડશે.
તમને જણાવી દઈએ કે છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં વન97 કોમ્યુનિકેશન્સના શેરની કિંમત સતત ઘટી રહી છે. દરમિયાન, વિજય શેખર શર્મા તેમના ગ્રાહકો, કર્મચારીઓ અને રોકાણકારો સાથે સતત વાતચીત કરી રહ્યા છે. સોમવારે પણ (5 ફેબ્રુઆરી 2023), કંપનીએ કોઈપણ છટણી અને ED તપાસનો ઇનકાર કર્યો છે.
આ પણ વાંચો | Paytm શેર 3 દિવસમાં 42 ટકા કકડભૂસ, રોકાણકારોના 20490 કરોડ સ્વાહા; શેરમાં ઘટાડો અટકશે કે કેમ? જાણો
હવે જોવાનું એ છે કે, યુપીના એક નાનકડા શહેર અલીગઢથી વિશ્વભરમાં ડિજિટલ ક્રાંતિ લાવનાર વિજય શેખર શર્મા Paytm પર આવેલા આ સંકટનો કેવી રીતે સામનો કરે છે. અને એકવાર ફરી પેટીએમના તળિયે ઉતરી ગયેલા શેરને કેવી રીતે ઉપર લાવે છે.