Paytm One97 Communications Stock: શેરબજાર નવા રેકોર્ડ લેવલ પર પહોંચવાની સાથે સાથે પેટીએમ શેરમાં પણ જબરદસ્ત તેજી જોવા મળી છે. પેટીએમ નામ પ્રખ્યાત ફિનટેક ફર્મ વન97 કોમ્યુનિકેશન્સનો શેર ઇન્ટ્રા-ડે 13 ટકાથી વધુ ઉછાળો આવ્યો અને શેર ભાવ 600 રૂપિયાની મહત્વપૂર્ણ સપાટી કુદાવી ગયો હતો. મે 2024 મહિનાની નીચી સપાટીથી પેટીએમ શેર બમણ થયો છે. જાણો પેટીએમ શેર કેમ ઉછળ્યો
પેટીએમ શેર 13 ટકા ઉછળ્યો, શેર ભાવ 600 રૂપિયા પાર
પેટીએમ શેરમાં ઇન્ટ્રા-ડે 13 ટકાથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. વન97 કોમ્યુનિકેશન્સ શેર 554 રૂપિયાના પાછલા બંધ સામે આજે સાધારણ વધી 556 રૂપિયા ખૂલ્યો હતો. શેરબજારની રેકોર્ડ હાઇ તેજી સાથે તાલમાલી પેટીએમ શેર આજે 13 ટકાથી વધુ ઉછળી 631 રૂપિયાની ટોચે પહોંચ્યો હતો. પેટીએમ શેર ભાવ ફેબ્રુઆરી 2024 પછી પહેલીવાર 600 રૂપિયા ઉપર બોલાયો છે. શેરબજારમાં ટ્રેડિંગ સેશનના અંતે 12 ટકા વધી 621.80 રૂપિયા બંધ થયો હતો. પેટીએમ કંપનીની માર્કેટકેપ 39,570.38 કરોડ રૂપિયા થઇ હતી.
પેટીએમ શેર 4 મહિનામાં બમણો થયો
પેટીએમ શેર ભાવ છેલ્લા 4 મહિનામાં બમણો થયો છે. પેટીએમ શેર આજે 600 રૂપિયા સપાટી કુદાવી ઉપરમાં 631 રૂપિયા સુધી ગયો છે. ગત 9 મે, 2024ના રોજ પેટીએમ શેરનો ભાવ 310 રૂપિયા હતો, જે અત્યાર સુધીનો સૌથી નીચો ભાવ છે. આમ ઐતિહાસિક તળિયેથી પેટીએમ શેર માં રોકાણકારોને 100 ટકાથી વધુ રિટર્ન મળ્યું છે.

પેટીએમ શેર કેમ ઉછળ્યો?
પેટીએમ શેરમાં ઉછાળાનું કારણ સરકાર તરફથી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની મંજૂરી છે. પેમેન્ટ એગ્રીગેટર લાઇસન્સની રાહ જોઇ રહેલી ફિનટેક ફર્મ પેટીએમની પૂર્ણ માલિકીની પેટાકંપની પેમેન્ટ સર્વિસિસને 28 ઓગસ્ટ, 2024ના રોજ નાણા મંત્રાલય તરફથી ડાઉનસ્ટ્રીમ ઇન્વેસ્ટમેન્ટ માટે મંજૂરી મળી ગઇ છે. ડાઉનસ્ટ્રીમ ઇન્વેસ્ટમેન્ટ એટલે વિદેશ રોકાણ કરનાર કોઇ ભારતીય કંપની દ્વારા બીજી ભારતીય કંપનીમાં રોકાણ કરવું છે. આ માટે અમુક નિયમો પૂર્ણ કરવા પડે છે.
આ પણ વાંચો | કૈવલ્ય વોહરા અને આદિત પાલિચા ભારતના સૌથી યુવા અબજોપતિ, સંપત્તિ જાણી ચોંકી જશો
પેટીએમ જણાવે છે, આ મંજૂરી મળવાની સાથે જ પીપીએસએલ પેમેન્ટ એગ્રીગેટર લાઇસન્સ માટે ફરી અરજી કરશે. આ દરમિયાન કંપની પોતાના હાલના ગ્રાહકોને ઓનલાઇન પેમેન્ટ એગ્રીગેશન સર્વિસ આપતી રહેશે.





