અગાઉ શેરબજારમાં બમ્પર લિસ્ટિંગ સાથે જંગી કમાણી કરાવનાર ટેક- સ્ટાર્ટઅપ્સ શેર હાલ રોકાણકારોને રડાવી રહ્યા છે. છેલ્લા 16 મહિનામાં આવેલા સૌથી મોટા 5 IPOમાં જ રોકાણકારોને સંયુક્ત રીતે 18.4 અબજ ડોલર જેટલું નુકસાન થયુ છે, ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો નુકસાનનો આંકડો લગભગ 1,30,000 કરોડ રૂપિયા જેટલો થાય છે.
રોકાણકારોને સૌથી વધુ નુકસાન કરાવનાર 5 ટેક- સ્ટાર્ટઅપ્સ સ્ટોક્સમાં પેટીએમ (Paytm) મોખરે છે. તો અન્ય સ્ટોક્સમાં ફૂડ ડિલિવરી સ્ટાર્ટઅપ ઝોમેટો, બ્યુટી ઈ-રિટેલર નાયકા, લોજિસ્ટિક્સ ફર્મ દિલ્હીવેરી અને ઓનલાઈન ઈન્સ્યોરન્સ માર્કેટપ્લેસ પોલિસીબઝારનો સમાવેશ થાય છે.
રોકાણકારોને જંગી નુકસાન
કેલેન્ડર વર્ષ 2021 ભારતીય શેરબજાર માટે એક અભૂતપૂર્વ વર્ષ સાબિત થયુ હતુ. વર્ષ 2021માં કંપનીઓએ IPO મારફતે રેકોર્ડ બ્રેક 18 અબજ ડોલર એકઠાં કર્યા હતા. IPOને બહોળો પ્રતિસાદ મળવા પાછળ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાના સરકારી પ્રયાસો અને મહામારી દરમિયાન છૂટક વેપારમાં ઉછાળો અને નાના જંગી ભાગીદારી હતી. જો કે હાલ હાઈ-પ્રોફાઈલ ટેક- સ્ટર્ટઅપ્સ સ્ટોક રોકાણકારો માટે માથાનો દુખાવો બની ગયા છે કારણ કે આ સ્ટોક્સ છેલ્લા ઘણા સમયથી સતત ઘટી રહ્યા હોવાથી તેમાં મસમોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
બીજા શબ્દોમાં કહીયે તો કેલેન્ડર વર્ષ 2021માં કંપનીઓએ આઇપીઓ મારફતે જેટલી મૂડી એક્ત્ર કરી હતી તેટલું નુકસાન આ 5 ટેક – સ્ટાર્ટઅપ્સના રોકાણકારોને થયુ છે.

કેપગ્રો કેપિટલ એડવાઈઝર્સ એલએલપીના પોર્ટફોલિયો મેનેજર અરુણ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, “આ કંપનીઓના વેલ્યૂએશનને ફંડામેન્ટલ્સ અને બેલેન્સ શીટ તરફથી સપોર્ટ મળ્યો નથી અને તેમના ખર્ચાઓ વધારે હતા. જેમ જેમ એન્કર ઇન્વેસ્ટરો અને મોટા રોકાણકારોએ તેમના શેરહોલ્ડિંગમાં ઘટાડો કર્યો છે તેમ તેમ આવા ટેક-સ્ટાર્ટઅપ્સ સ્ટોકમાં મંદી ગંભીર બની રહી છે.
Paytmમાં 10 ટકાના કડાકો
શેરબજારની નરમાઇ વચ્ચે ગુરુવારે ડિજિટલ પેમેન્ટ ફર્મ પેટીએમ કંપનીના શેરમાં 10 ટકાથી મોટો કડાકો બોલાયો હતો. વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ જે પેટીએમના નામ પ્રખ્યાત છે તેનો શેર 601 રૂપિયાના પાછલા બંધ સામે ગુરુવારે મોટી નુકસાનમાં 563 રૂપિયાના ભાવે ખૂલ્યો અને નીચામાં 535 રૂપિયા જઇ સેશનના અંતે 10.3 ટકાના ઘટાડે 539.55 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.
શેરમાં રોકાણકારોની 75 ટકા મૂડી સાફ

પેટીએમ કંપનીના શેરમાં રોકાણકારોની 75 ટકા મૂડી સાફ થઇ ગઇ છે. પેટીએમનો શેર તેની શેર દીઠ 2150ની ઇશ્યૂ પ્રાઇસ સામે 18 નવેમ્બરના રોજ 1955 રૂપિયા પર શેરબજારમાં લિસ્ટેડ થયો હતો. લિસ્ટિંગના દિવસે શેર 27 ટકા ઘટીને 1,564 રૂપિયાના ભાવે બંધ થયો હતો. તો 17 નવેમ્બર 2022ના રોજ પેટીએેમના શેરનો ભાવ 539 રૂપિયા છે. આમ છેલ્લા એક વર્ષમાં પેટીએમના શેરમાં રોકાણકારોની 75 ટકા મૂડી સાફ થઇ ગઇ છે. પેટીએમના શેરનો ઓલટાઇમ હાઇ ભાવ 1961 રૂપિયા છે જે લિસ્ટિંગના દિવસ થયો હતો, તો 12 જૂન, 2022ના રોજ આ શેરમાં 510 રૂપિયાનો સૌથી નીચો ભાવ બોલાયો હતો.
શેરમાં ઘટાડાનું કારણ શું?
પેટીએમ કંપનીના શેરમાં સતત ઘટાડાનું કારણ તેના એન્કર ઇન્વેસ્ટરો દ્વારા સ્ટોક્સની વેચવાલી છે. પેટીએમના પ્રી-આઇપીઓ એન્કર ઇન્વેસ્ટરો માટેનો લોક-ઇન પીરિયડ ચાલુ સપ્તાહે સમાપ્ત થયો છે. આથી જાપાનીઝ એન્કર ઇન્વેસ્ટર્સ સોફ્ટબેન્ક પેટીએમના 21.5 કરોડ ડોલરની મૂલ્યના શેર બજાર ભાવથી પણ નીચા ભાવે વેચવાની યોજના બનાવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોફ્ટબેન્ક પેટીએમના 4.5 ટકા હિસ્સો અથવા 29 કરોડ ઇક્વિટી શેર 555થી 601 રૂપિયાના શેરદીઠ ભાવે વેચવાની ઇચ્છા ધરાવે છે. નોંધનિય છે કે, સોફ્ટબેંકે પેટીએમમાં 1.6 અબજ ડોલરનું રોકાણ કર્યુ હતુ. 17.5 ટકા હિસ્સેદારી સાથે સોફ્ટ બેન્ક પેટીએમમાં બીજા ક્રમની સૌથી મોટી શેરહોલ્ડર્સ છે.
જે રીતે સોફ્ટબેન્કે પેટીએમના શેર વેચવાની યોજના બનાવી છે તેવી જ રીતે અગાઉ ઝોમેટોની એન્કર ઇન્વેસ્ટર્સ ઉબર ટેકનોલોજીસે ઓગસ્ટમાં ઓનલાઈન ફૂડ-ડિલિવરી ફર્મમાંથી બહાર નીકળી જતા કંપનીનો શેર તૂટ્યો હતો.
પાઇપર સેરિકા એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડના ફંડ મેનેજર અભય અગ્રવાલે જણાવ્યું હતું કે, “જો કંપની પાસે નફાકારકતા માટે કોઈ નક્કર યોજના ન હોય તો નવા રોકાણકારોએ આવી કંપનીઓના શેરમાં રોકાણ કરવું જોઇએ નહીં.”