Petrol Diesel Price Hike: પેટ્રોલ ડીઝલના ભાવ વધવા સંભવ છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. એક્સાઇઝ ડ્યુટી વધતા પેટ્રોલ ડીઝલના ભાવ વધવા સંભવ છે. કેન્દ્રની સંવેદનશીલ સરકારના આ નિર્ણયથી મોંઘવારીનો માર સહન કરી રહેલી પ્રજાને દાઝ્યા પર ડામ જેવી પીડા થશે.
પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટી વધી
પીટીઆઈના અહેવાલ મુજબ, કેન્દ્ર સરકારે સોમવારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ ફેરફારો મંગળવારથી અમલમાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડા વચ્ચે ભારત સરકારે સોમવારે પેટ્રોલ અને ડીઝલ પર બે રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યૂટી વધારી દીધી છે. હવે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી 13 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવી છે.
જો કે, સરકારના આદેશમાં એક્સાઇઝ ડ્યૂટી વધ્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ પર અસરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
એક્સાઇઝ ડ્યૂટી વધતા પેટ્રોલ, ડીઝલના ભાવ વધશે કે નહીં?
એક્સાઇઝ ડ્યુટી વધતા પેટ્રોલ ડીઝલના ભાવ વધશે કે નહીં તેના વિશે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તરફથી મોટું નિવેદન આવ્યું છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં જણાવ્યું છે કે, આજે એક્સાઇઝ ડ્યુટી દરમાં થયેલા વધારા પછી, PSU ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ માહિતી આપી છે કે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ વધારો થશે નહીં
ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો થવા છતાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં ફેરફાર થવાની સંભાવના નથી. છેલ્લા કેટલાક દિવસોમાં ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાને કારણે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં ઘટાડો થવાની ધારણા હતી, પરંતુ હવે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો થવાને કારણે આવું થવાની સંભાવના ઓછી થઇ ગઇ છે.