scorecardresearch

PF એકાઉન્ટમાં નોમિની શા માટે જરૂરી છે? ઘરે બેઠા પૂર્ણ કરો તમારી ઈ-નોમિનેશનની પ્રક્રિયા

PF account nomination online process : હાલ બેન્ક એકાઉન્ટ, ટર્મ ઇન્સ્યોરન્સ, વીમા પોલિસી સહિત વિવિધ રોકાણ યોજનાઓ માટે નોમિની એટલે કે વારસદારની વિગત આપવી ફરજિયાત બનાવાઇ છે, જેથી ખાતાધારક વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં તેના નોમિનીને સરળતાપૂર્વક નાણાં પરત મળી શકે.

PF એકાઉન્ટમાં નોમિની શા માટે જરૂરી છે? ઘરે બેઠા પૂર્ણ કરો તમારી ઈ-નોમિનેશનની પ્રક્રિયા

હાલ વિવિધ બચત યોજનાઓમાં રોકાણ માટેના એકાઉન્ટ ખોલતી વખતે જ સંબંધિત નિયમનકારી સંસ્થાઓ હવે રોકાણકારો માટે નોમિનેશન ફરજિયાત બનાવી રહી છે. એકાઉન્ટનું નોમિનેશન એટલે જે-તે વ્યક્તિના આ એકાઉન્ટના કાયદેસરના વારસદાર હોય છે. હાલ ટેક્નોલોજીની મદદથી નોમિનેશનની પ્રક્રિયાને સરળ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જેમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતાધારકોને ઈ-નોમિનેશનની સુવિધા આપી છે. EPFO પણ તમામ પીએફ ખાતાધારકોને ઈ-નોમિનેશન કરવા માટે સુચના આપી રહ્યુ છે જેમણે હજુ સુધી તેમના પીએફ એકાઉન્ટ માટે નોમિનીની વિગતો આપી નથી. ઈ-નોમિનેશન શા માટે જરૂરી છે, ચાલો જાણી…

નોમિનેશન શા માટે જરૂરી છે?

રોકાણકાર કે ખાતાધારક વ્યક્તિનું અવસાન થવાના કિસ્સામાં મોટાભાગની સંસ્થાઓએ વારસદાર માટે નામ આપવાનું ફરજિયાત બનાવ્યું છે જેથી કરીને મૃત્યુ પામનાર વ્યક્તિ દ્વારા કરાયેલા રોકાણની મૂડી તેના કાયદેસરના વારસદારોને સરળતાથી મળી જાય.

નોમિનેશન કરવાથી કોઈપણ અનિચ્છનિય ઘટનામાં મૃત્યુ થવાના કિસ્સામાં રોકાણકાર કે ખાતાધારક દ્વારા જમા કરવામાં આવેલ નાણાં દાવો કરવામાં આવે ત્યારે તેના નોમિનીને ટ્રાન્સફર કરવામાં આવે છે.

જો નોમિનેશન કરવામાં આવ્યું ન હોય તો, પરિવારના સભ્યોને રોકાણકાર દ્વારા જે-તે યોજનામાં કરાયેલા રોકાણના નાણાં મેળવવા માટે લાંબી અને મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ જ કારણસર હાલ બેંકોએ ખાતું ખોલાવતી વખતે ખાતાધારકને નોમિનીની વિગતો આપવી ફરજિયાત બનાવી દીધી છે. એટલું જ નહીં પોસ્ટ ઓફિસની યોજનાઓ અને ટ્રેડિંગ માટે ખોલવામાં આવતા ડીમેટ એકાઉન્ટ, વીમા પોલિસીઓ લેતી વખતે પણ કંપનીઓ અથવા નિયમનકારી સંસ્થાઓએ નોમિનેશન ફરજિયાત બનાવ્યું છે.

ઈ-નોમિનેશન માટેની પૂર્વેની તૈયારીઓ
 • જો તમે પીએફ એકાઉન્ટ ધરાવો છો, તો અહીંયા આપેલી જાણકારી અનુસરીને સરળતાથી ઈ-નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
 • EPFO દ્વારા ઇશ્યૂ કરાયેલા પીએફ મેમ્બરશિપનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ચાલુ હોવો જોઈએ અને આ નંબર સાથે આધારની વિગતો લિંક કરવી જોઈએ.
 • તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડની વિગતો સાથે લિંક હોવો જોઈએ.
 • પીએફ મેમ્બર પ્રોફાઇલમાં તમારો ફોટો અને સરનામાંની વિગતો અપડેટ થવી જોઈએ.
 • ઈ-નોમિનેશન કરતી વખતે તમારે નોમિનીના ફોટોની જરૂર પડશે. આ કિસ્સામાં, તમારી પાસે 3.5 cm X 4.5 cm સાઇઝના JPG ફોર્મેટમાં નોમિનીના ફોટાની સ્કેન કરેલી નકલ હોવી જોઈએ.
 • તમે જે વ્યક્તિને વારસદાર એટલે કે નોમિની બનાવવા ઇચ્છો છો તેના આધારકાર્ડની વિગતો, બેંક ખાતાની વિગતોની જરૂર પડશે. બેંક એકાઉન્ટની વિગતોમાં બ્રાન્ચનું સરનામું અને તેનો IFSC કોડ સહિત અન્ય વિગતો દાખલ કરવી ફરજિયાત છે.
 • જો તમારા આધાર નંબર અને પીએફ મેમ્બરશિપ નંબર એટલે કે EPFO ​​દ્વારા જારી કરાયેલ UAN સાથે અલગ-અલગ મોબાઈલ નંબર લિંક છે, તો સૌથી પહેલા પીએફ મેમ્બરની વેબસાઈટ પર જઈને તમારો મોબાઈલ નંબર બદલો. આધાર કાર્ડ સાથે લિંક કરેલા મોબાઈલ નંબરને તમે પીએફ મેમ્બર પોર્ટલ પર અપડેટ કર્યા પછી જ ઈ-નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. આ દરમિયાન, તમે PF પોર્ટલ સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર OTPની મદદથી તે કરી શકશો.
ઓનલાઇન નોમિનેશન દાખલ કરવાની પ્રક્રિયા

તમે અહીં જણાવેલી સંપૂર્ણ તબક્કાવાર પ્રક્રિયા અનુસાર તમે ઈ-નોમિનેશનની કામગીરી ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકો છો.

 • પીએફ મેમ્બર પોર્ટલ ઓપન કરવા માટે સૌથી પહેલા અહીં આપેલી લિંક પર ક્લિક કરો :- unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/
 • હવે UAN અને પાસવર્ડની મદદથી તમારું લોગીન કરો.
 • કોમ્પ્યુટરની સ્ક્રીન પર ખુલેલી વિંડોમાં દેખાતી મેનેજ ટેબ પર જાઓ અને ઇ-નોમિનેશનનો ઓપ્શન પસંદ કરો.
 • હવે જરૂરી વિગતો યોગ્ય રીતે દાખલ કરો.
 • ફેમિલી ડિક્લરેશન (Family Declaration)ને અપડેટ કરવા માટે ‘Yes’ના ઓપ્શન પર ક્લિક કરો.
 • તમે એડ ફેમિલી ડિરેટ (Add Family Details) ઓપ્શન પર ક્લિક કરીને એકથી વધારે નોમિનીના નામનો ઉલ્લેખ કરી શકો છો.
 • હવે નોમિનેશન ડિટેલ ઓપ્શન પર ક્લિક કરીને પોતાની પીએફ રકમનો કેટલાં ટકા હિસ્સો ક્યાં નોમિનીને આપવા ઇચ્છો છો, તેની દાવેદારી માટે 20 ટકા, 30 ટકા કે 50 ટકા અથવા પોતાની મરજી મુજબ આંકડો લખો અને તમામ નોમિનીના હિસ્સાની વિગત દાખલ કરીને EPF નોમિનેશન ડિટેલને ‘save’ કરો.
 • ત્યારબાદ ‘E-sign’ (ઇ-સાઇન) પર ક્લિક કરો, આધાર અને પીએફ પોર્ટલ સાથે જોડાયેલા સમાન મોબાઈલ નંબર પર આવેલો OTP દાખલ કરીને E-signની પ્રક્રિયા પૂર્ણ કરવા આગળ વધો.
 • જો તમે નોમિનીને દૂર કરવા માંગો છો, તો પછી PF પોર્ટલ પર તમારા એકાઉન્ટ સાથે જોડાયેલા નોમિનીને ડિટેલ કરી નાંખો અથવા જો તમે અન્ય કોઈ નવા વ્યક્તિને નોમિની બનાવવાનું વિચારો છો, તો આ માટે તમારે ફક્ત તમારી પ્રોફાઇલ અપડેટ કરવાની છે.

Web Title: Pf account holder nomination online process epf enomination know all details here

Best of Express