PF Withdrawal Via ATM And UPI: ઇપીએફઓ પીએફ ઉપાડવાની પ્રક્રિયાને વધુ સરળ અને સુવિધાજનક બનાવવા કામગીરી કરી રહ્યું છે.એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) ટૂંક સમયમાં યુપીઆઈ આધારિત ક્લેમ પ્રોસેસિંગ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આનો અર્થ એ થયો કે હવે ઇપીએફઓ ખાતાધારકો ટૂંક સમયમાં જ યુપીઆઈ વડે પોતાનું પ્રોવિડન્ટ ફંડ તરત જ ઉપાડી શકશે. લેવડ-દેવડમાં લાગતો સમય ઘટાડવાના આશયથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શ્રમ અને રોજગાર સચિવ સુમિતા ડાવરાએ 25 માર્ચે કાર્યક્ષમતામાં સુધારો કરવા અને ટ્રાન્ઝેક્શનના સમયમાં ઘટાડો કરવાના ઉદ્દેશ્યથી આ પગલાની જાહેરાત કરી હતી.
ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા એક ઇન્ટરવ્યુમાં, સુમિતા ડાવરાએ પુષ્ટિ કરી હતી કે, મે અથવા જૂનના અંત સુધીમાં આ સુવિધા લાઇવ થઈ જશે, જેનાથી ઇપીએફઓના સભ્યોની તેમની બચત સુધી પહોંચવાની રીતમાં એક મોટો ફેરફાર થશે. તેમણે કહ્યું, “આવશ્યક ટેસટિંગ કર્યા પછી, અમે મે મહિનાના અંત સુધીમાં પીએફ ક્લેમ માટે યુપીઆઈ ફ્રન્ટએન્ડ શરૂ થવાની આશા રાખીએ છીએ. આનો લાભ તમામ ઇપીએફ સભ્યોને મળશે, કારણ કે તેઓ તેમના પીએફ એકાઉન્ટ્સને સીધા યુપીઆઈ ઇન્ટરફેસ અને ઓટો-ક્લેમમાં જોઈ શકશે. જો ઇપીએફ સભ્યો પાત્રતા ધરાવે છે, તેમના પીએફ ક્લેમ ઝડપથી મંજૂર થશે, જે તેમના ખાતામાં પીએફમની રકમ ઝડપથી જમા થવાની ખાતરી આપશે.
સુમિતા ડાવરાએ એએનઆઈને જણાવ્યું હતું કે, ઇપીએફ સભ્યો સ્વચાલિત સિસ્ટમ દ્વારા તરત જ 1 લાખ રૂપિયા સુધી ઉપાડી શકશે અને ટ્રાન્સફર માટે તેમના પસંદગીના બેંક ખાતાની પસંદગી કરી શકશે.
હાલમાં ઇપીએફઓના સભ્યોને ક્લેમ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે જેમાં 2-3 દિવસનો સમય લાગે છે. એક વખત યુપીઆઈ ઈન્ટિગ્રેશન શરૂ થઈ જાય પછી, પીએફ ઉપાડ થોડા કલાકો અથવા મિનિટોમાં પૂર્ણ થવાની ધારણા છે. આ સુવિધાથી પ્રોવિડન્ડ ફંડ સિસ્ટમમાં એવું જ ક્રાંતિકાર પરિવર્તન આવશે જેવું ભારતમાં ડિજિટલ પેમેન્ટ માટે યુપીઆઈ એ કર્યું છે.
ઝડપી પીએફ ઉપાડ ઉપરાંત, ઇપીએફઓ એ પીએફ ભંડોળ ઉપાડવાની કારણોની યાદી પણ વધારી છે. દાવરાએ જણાવ્યું હતું કે સભ્યો હવે હાલની માંદગીની જોગવાઈઓ ઉપરાંત આવાસ, શિક્ષણ અને લગ્ન માટે પીએફ ખાતા માંથી નાણાં ઉપાડી શકે છે.
આ ફેરફારને હકીકત બનાવવા માટે, ઇપીએફઓ એ નોંધપાત્ર ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કર્યું છે. પીએફ ક્લેમ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે 120થી વધુ ડેટાબેઝને સંકલિત કરવામાં આવ્યા છે અને 95 ટકા દાવાઓ સ્વયંસંચાલિત છે. પેપરવર્ક અને વિલંબને ઘટાડતી વખતે પીએફ ક્લેમ મંજૂરી પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનું લક્ષ્ય છે.





