PM Narendra Modi Birthday : નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે. 17 સપ્ટેમ્બર, 2025ના રોજ પીએમ મોદી 75મા જન્મદિવસની ઉજવણી રહ્યા છે. તેઓ વર્ષ 2014માં પહેલી વખત ભારતના વડાપ્રધાન બન્યા હતા. વર્ષ 2024માં તેમણે સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન પદના શપથ લીધા છે. દેશ વિદેશમાં લોકપ્રિય વડાપ્રધાનોની યાદીમાં નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે. ચાહકો પીએમ નરેન્દ્ર મોદીના અભ્યાસ, જીવનની ઘટનાઓ, કામગીરી અને નાણાકીય બાબતો વિશે જાણવા ઉત્સુક હોય છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોકાણ અને સંપત્તિ વિશે જાણકારી આપી છે.
PM નરેન્દ્ર મોદી પાસે કેટલી સંપત્તિ છે?
31 માર્ચ, 2025 સુધીમાં તેમની જાહેર કરેલી સંપત્તિ અનુસાર, નરેન્દ્ર મોદી પાસે બેંક એફડી અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) માં સૌથી વધુ રોકાણ છે. તેમની કુલ સંપત્તિ 3.43 કરોડ રૂપિયા છે, જે એક વર્ષ પહેલા 3.02 કરોડ રૂપિયા હતી. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી સમયે તેમની સંપત્તિ 2.51 કરોડ રૂપિયા હતી.
રોકડ રકમ
પીએમ નરેન્દ્ર મોદી પાસે 59,920 રૂપિયા રોકડા છે.
બેંક એફડીમાં સૌથી વધુ રોકાણ
પીએમ નરેન્દ્ર મોદીને સૌથી વધુ વિશ્વાસુ બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર છે. તેમણે બેંક ફિક્સ્ડ ડિપોઝિટમાં 3,26,34,258 રૂપિયા જમા કર્યા છે. આ બેંક થાપણ ગાંધીનગરમાં આવેલી SBI બ્રાન્ચમાં જમા છે.
NSC: રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર
નરેન્દ્ર મોદીને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) માં પણ રોકાણ છે, જે એક નાની બચત યોજના છે. તેમણે આ યોજનામાં ₹ 974,964 નું રોકાણ કર્યું છે. NSC એક પોસ્ટ ઓફિસ બચત યોજના છે જેની પાકતી મુદત 5 વર્ષ છે. આ બચત યોજનામાં વળતર 7.7% વાર્ષિક વ્યાજદર છે. તે કોઈપણ પોસ્ટ ઓફિસ શાખામાં ખોલી શકાય છે. તેમાં રોકાણ કરવાથી આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર લાભ પણ મળે છે.
ઝવેરાત
પીએમ મોદી પાસે ચાર સોનાની વીંટીઓ છે, જેનું કુલ વજન 45 ગ્રામ છે, તેનું બજાર મૂલ્ય આશરે ₹ 3,10,365 છે.
મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ, ડિબેન્ચર અને શેર
તેમણે મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ, ડિબેન્ચર અને શેરમાં એક પૈસાનું પણ રોકાણ કર્યો નથી.
ટીડીએસ
વધુમાં, તેમના પગાર, રોકાણ અને કમાણી પર 1,68,688 રૂપિયા TDS કપાયો છે. બેંક FDR માંથી કુલ વ્યાજ રૂ. 2,20,218 થયું.
આ પણ વાંચો | PM નરેન્દ્ર મોદી 75 વર્ષના થયા, જાણો તેમની 5 અજાણી વાતો
પીએમ મોદીની સંપત્તિમાં કેટલો વધારો થયો છે?
2014ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીએ તેમની સંપત્તિ ₹ 1.65 કરોડ જાહેર કરી હતી. તો વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં સંપત્તિ વધીને ₹ 2.51 કરોડે પહોંચી હતી. હવે વર્ષ 2024માં દાખલ કરાયેલા સોગંદનામા મુજબ, તેમની સંપત્તિ વધીને ₹ 3.02 કરોડ થઇ છે. હવે તેમની કુલ સંપત્તિ ₹ 3,43,69,517 આશરે છે. આનો અર્થ એ થયો કે છેલ્લા 11 વર્ષમાં તેમની સંપત્તિ બમણી થઈ ગઈ છે અને માત્ર એક વર્ષમાં ₹ 43 લાખ રૂપિયા વધી ગઇ છે.
પીએમ મોદીની આવકનો સ્ત્રોત શું છે?
સોગંદનામા મુજબ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આવકનો મુખ્ય સ્ત્રોત તેમનો સરકારી પગાર અને તેમની બચત પર મળતું વ્યાજ છે.





