સરકારે નાણાકીય વર્ષ 2023ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક માટે કેટલીક નાની બચત યોજનાઓ માટેના વ્યાજદરમાં વધારો કર્યો છે. જો કે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સહિતની ઘણી યોજનાઓના વ્યાજદરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઉપરાંત પોસ્ટ ઓફિસ બચત યોજનાના વ્યાજદરમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, અગાઉ થાપણો પર જે રિટર્ન મળતુ હતુ તે જ ગ્રાહકોને મળવાનું ચાલુ રહેશે.
નાણાકીય વર્ષ 2023માં લોકોને રાહત આપવા માટે સરકારે નાની બચત યોજના હેઠળ કેટલીક બચત યોજનાઓના વ્યાજદરોમાં વધારો કર્યો છે. હાલમાં, વ્યક્તિગત અને જોઇન્ટ એકાઉન્ટના પોસ્ટ ઓફિસ ખાતા પર 4 ટકા વાર્ષિક વ્યાજદર ઓફર કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, કોઇ એક નાણાકીય વર્ષમાં થયેલી વ્યાજરૂપી 10,000 રૂપિયા સુધીની કમાણી કરમુક્ત કરવામાં આવી છે.
ચેક બુકની સુવિધા ધરાવતા બચત ખાતાઓમાં સામાન્ય રીતે 500 રૂપિયાનું મિનિમમ બેલેન્સ રાખવું ફરજિયાત છે. નવું એકાઉન્ટ ખોલાવતી વખતે નોમિનેશન જરૂરી છે અને સિંગલ એકાઉન્ટને જોઈન્ટ એકાઉન્ટમાં કન્વર્ટ કરવાની મંજૂરી અપાતી નથી અથવા તેનાથી ઉલટું કરવાની પણ મંજૂરી નથી.
તેવી જ રીતે, નાણાકીય વર્ષના અંતે એકાઉન્ટમાં જો 500 રૂપિયાથી ઓછું મિનિમમ બેલેન્સ હશે તો 50 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. વ્યાજની ગણતરી માટે દસમી અને મહિનાના અંત વચ્ચેના મિનિમમ બેલેન્સને ધ્યાનમાં લેવામાં આવશે. જો કોઈ ચોક્કસ મહિનાના 10માં અને છેલ્લા દિવસે એકાઉન્ટનું બેલેન્સ 500 રૂપિયાથી ઓછું હશે તો તે મહિના માટે કોઈ વ્યાજ ચૂકવવામાં આવશે નહીં. બચત ખાતા પર વર્ષના અંતે વ્યાજ ચૂકવવામાં આવશે.
પોસ્ટ ઓફિસ બચત ખાતા પર ઉપલબ્ધ સુવિધાઓ
પોસ્ટ ઓફિસ બચત ખાતાં હેઠળ, તમે ચેક બુક, એટીએમ કાર્ડ, આધાર સીડીંગ, અટલ પેન્શન યોજના (APY), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને ઇ-બેંકિંગ / મોબાઇલ બેંકિંગનો લાભ મેળવી શકો છો.