સરકારી બચત યોજના પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એક લોકપ્રિય નાની બચત યોજના છે. તમે નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઇને સરળતા પૂર્વક આ બચત યોજના (saving schemes)માં રોકાણની શરૂઆત કરી શકો છો. PPFમાં મેચ્યોરિટી પીરિયડ 15 વર્ષનો છે, એટલે કે આ યોજના સરકાર દ્વારા લાંબા ગાળાની બચતને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવી રહી છે. જો કે તે નોકરીયાત લોકો માટે ભવિષ્ય માટે એક મોટું નાણાંકીય ભંડોળ ઉભું કરવામાં મદદરૂપ બને છે, પરંતુ તમે તેને તમારા બાળકના નામે પણ શરૂ કરી શકો છો.
તમારું બાળક પુખ્ત થયા બાદ તે પીપીએફ હેઠળ આ એકાઉન્ટ ઓપરેટ કરી શકે છે. આ સ્કીમ દ્વારા બાળક પુખ્ત થાય ત્યારે તેને સારા એવા પ્રમાણમાં રૂપિયા મળી શકે છે, અને આ નાણાં તેના ઉચ્ચ અભ્યાસ જેવી જરૂરિયાતો માટે સરળતાથી ફન્ડિંગ પુરી પાડી શકે છે.

PPF એકાઉન્ટમાં કલમ 80C કરકપાતનો લાભ ઉપલબ્ધ છે. આમાં, તમે વાર્ષિક 1.5 લાખ સુધીના રોકાણ પર કરમુક્તિનો લાભ લઈ શકો છો. આ યોજનામાં મળતું વ્યાજ અને મેચ્યોરિટી પર મળેલી રકમ કરમુક્ત છે. બાળકના નામે ખોલવામાં આવેલા આ પીપીએફ એકાઉન્ટ સામે લોન અને આંશિક ઉપાડની સુવિધા પણ મળે છે.
પાકતી મુદત બાદ પણ સ્કીમ લંબાવી શકાય :-
એક પીપીએફ એકાઉન્ટનો મેચ્યોરિટી પીરિયડ 15 વર્ષનો હોય છે. પરંતુ અગાઉથી જાણ કરવાની સાથે તેને વધુ 5-5 વર્ષ માટે લંબાવી શકાય છે. તમે આ એકાઉન્ટમાં વાર્ષિક ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. જો કે, જો બાળક સિવાય માતા-પિતામાંથી કોઈના નામે ખાતું હોય, તો મહત્તમ રકમ વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધી જ રહેશે.
PPF સ્કીમાં મળતા વળતરની ગણતરીઃ-
મહત્તમ માસિક રકમ : રૂ. 12,500
મહત્તમ વાર્ષિક રકમ : રૂ. 1,50,000
વ્યાજ દર : વાર્ષિક 7.1 ટકા ચક્રવૃદ્ધિ
15 વર્ષ પછી પાકતી મુદતે મળતી રકમઃ રૂ. 40,68,209
કુલ રોકાણઃ 22,50,000
મળતું કુલ વ્યાજ: રૂ. 18,18,209
જો યોજના 5 વર્ષ સુધી લંબાવવામાં આવે તો મહત્તમ માસિક રકમ: રૂ. 12,500 મહત્તમ વાર્ષિક રકમ: રૂ. 1,50,000 વ્યાજ દર: વાર્ષિક 7.1 ટકા ચક્રવૃદ્ધિ 20 વર્ષ પછી પાકતી મુદતે મળતી રકમઃ રૂ. 66.58 લાખ કુલ રોકાણ: 30 લાખ મળતું કુલ વ્યાજ: રૂ. 36.58 લાખ
જો સ્કીમને 10 વર્ષ સુધી લંબાવવામાં આવે તો મહત્તમ માસિક રકમ: રૂ. 12,500 મહત્તમ વાર્ષિક રકમ: રૂ. 1,50,000 વ્યાજ દર: વાર્ષિક 7.1 ટકા ચક્રવૃદ્ધિ 25 વર્ષ પછી પાકતી મુદતે મળતી રકમઃ રૂ. 1.03 કરોડ કુલ રોકાણ: 37.50 લાખ મળતું કુલ વ્યાજ લાભ: રૂ. 65.58 લાખ