સંસદમાં નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ થાય તેની પહેલા શેરબજાર સાધારણ સુધારા સાથે બંધ થયા છે. 31 જાન્યુઆરી, 2023ના રોજ બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સમાં 49 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો અને તે 59,550ના સ્તરે બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 13 પોઈન્ટ વધીને 17,662ના સ્તરે બંધ થયો છે. બજેટ પૂર્વેના મહિનામાં શેરબજારમાં ઘટાડાનો શિરસ્તો યથાવત રહ્યો છે.
બજેટ પૂર્વેના મહિનામાં બજાર 1300 પોઇન્ટ ઘટ્યું
દેશનું યુનિયન બજેટ સંસદમાં રજૂ થાય તેની પૂર્વેના મહિનામાં એટલ કે પ્રી-બજેટ મંથમાં શેરબજાર ઘટવાનો સિલસિલો યથાવત રહ્યો છે. વર્ષ 2023ના જાન્યુઆરી મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં નબળાઈ જોવા મળી છે. જાન્યુઆરીમાં સેન્સેક્સ લગભગ 1300 પોઈન્ટ્સ કે 2 ટકા ઘટ્યો છે. તેવી જ રીતે એનએસઇ નિફ્ટીમાં પણ 445 પોઈન્ટ્સ કે 2.5 ટકાનું માસિક ઘટાડો નોંધાયો છે.
બજેટ પૂર્વેના મહિનામાં ઇન્ડાઇસિસના શું હાલ છે
બજેટ પૂર્વેના જાન્યુઆરી મહિનામાં બેન્ક નિફ્ટીમાં 5.42 ટકાનો ઘટાડો થયો છે તો બીજી બાજુ આઇટી ઇન્ડેક્સ 4 ટકા મજબૂત થયો છે. સેક્યોરિયલ ઇન્ડાઇસિસમાં BSEમિડકેપ ઇન્ડેક્સ 2.5 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ 2.5 ટકા ઘટ્યો છે. બ્રોડર માર્કેટ BSE500 ઇન્ડેક્સમાં 3 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સમાં 5 ટકાની નબળાઈ જોવા મળી છે. BSE PSU ઇન્ડેક્સ 2.67 ટકા નબળો પડ્યો છે. જાન્યુઆરી મહિનામાં ઓટો ઈન્ડેક્સ 5 ટકા અને મેટલ ઇન્ડેક્સ પણ 1.5 ટકા વધીને બંધ થા છે. ઓઇલ-ગેસ ઇન્ડેક્સમાં 9 ટકા, રિયલ્ટી ઇન્ડેક્સાં 5% અને પાવર ઈન્ડેક્સમાં 11 ટકાની નબળાઇ આવી છે.
14 વર્ષમાં બજેટ પૂર્વેના મહિનામાં બજાર 11 વખત ઘટ્યું
બજેટ પૂર્વેના મહિનામાં શેરબજારમાં ઘટાડો એ કોઇ નવી વાત નથી. ભૂતકાળમાં નજર કરીયે તો વર્ષ 2010થી 2023 સુધી કેન્દ્રીય બજેટ પૂર્વેના જાન્યુઆરી મહિનામાં શેરબજાર 14માંથી 11 વખત ઘટ્યુ છે.
વર્ષ 2010 થી 2023માં બજેટ પૂર્વેના મહિનામાં શેરબજારનો દેખાવ
- 2023 : કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ થાય તેની પૂર્વેના જાન્યુઆરી મહિનામાં સેન્સેક્સ લગભગ 1300 પોઈન્ટ કે 2 ટકા ઘટ્યો છે. તેવી જ રીત એનએસઇ નિફ્ટીમાં પણ 2.5 ટકા કે 445 પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો છે.
- 2022 : 1 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી, 2022 દરમિયાન સેન્સેક્સ 59183 ના સ્તરથી તૂટીને 58014ના સ્તરે આવી ગયો. આમ જાન્યુઆરીમાં શેરબજારમાં 2 ટકાનો માસિક ઘટાડો નોંધાયો છે.
- 2020 : પ્રિ-બજેટ મહિનામાં સેન્સેક્સ 1.28 ટકા તૂટ્યો છે.
- 2019 : વર્ષ 2019માં કેન્દ્રીય બજેટ 5 જુલાઈના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. 5 જૂનથી 5 જુલાઈની વચ્ચે સેન્સેક્સ 0.04 ટકા નબળો પડ્યો હતો.
- 2018: જાન્યુઆરીમાં સ્ટોક માર્કેટમાં 5.5 ટકાની માસિક તેજી જોવા મળી હતી.
- 2017: તે વર્ષ બજેટ પૂર્વેના મહિનામાં માર્કેટ 4 ટકા વધ્યું હતુ.
- 2016 : બજેટ પૂર્વેના જાન્યુઆરી મહિનામાં સેન્સેક્સ લગભગ 6.1 ટકા તૂટ્યો હતો.
- 2015 : પ્રિ-બજેટ મહિનામાં સેન્સેક્સ 1.15 ટકા ઘટ્યો હતો.
- 2014 : વર્ષ 2014માં કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા બાદ જુલાઈમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તેના એક મહિનામાં સેન્સેક્સ અડધા ટકા જેટલો નબળો પડ્યો હતો.
- 2013 : પ્રિ-બજેટ મહિનામાં સેન્સેક્સ 3.5 ટકા નબળો પડ્યો.
- 2012 : બજેટ પહેલાના જાન્યુઆરી મહિનામાં શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો.
- 2011 : પ્રિ-બજેટ મહિનામાં શેરબજાર 3 ટકાની નબળાઈ આવી હતી.
- 2010 : બજેટ પૂર્વેના મહિનામાં સેન્સેક્સ-નિફ્ટી 2 ટકા જેટલા તૂટ્યા હતા.