QR Code on Medicines and Pharma products : દેશમાં નકલી દવાના દૂષણને ડામવા માટે કેન્દ્ર સરકારે દવાઓ પર ક્યુઆર કોડ (QR Code) છાપવાનો આદેશ બહાર પાડ્યો છે. ડ્રગ્સ કન્ટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાએ 300 ફાર્મા કંપનીઓને 1 ઓગસ્ટ 2023થી દવાઓ પર ક્યુઆર કોડ છાપવાનો આદેશ કર્યો છે. આ આદેશ મુજબ દેશમાં ટોચની 300 ફાર્મા બ્રાન્ડ્સે તેમની દવાઓ પર ક્યુઆર કોડ છાપવું પડશે. ડીસીજીઆઇના આદેશનું ઉલ્લંઘન કરનાર ફાર્મા કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
કઈ દવાઓ પર QR કોડ હશે?
દેશની ટોચની ફાર્મા કંપનીઓ આજથી તેમની દવાઓ પર QR કોડ લગાવશે અથવા છાપશે. તેમાં એલિગ્રા, શેલકેલ, કાલ્પોલ, ડોલો અને મેફ્ટેલ જેવી દવાઓનો સમાવેશ થાય છે. ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ કહ્યું છે કે જે પણ કંપની આ આદેશનું પાલન નહીં કરે તેને દંડ ફટકારવામાં આવશે. કેન્દ્ર સરકારે કુલ 300 દવાઓ પર QR કોડ છાપવાનો આદેશ આપ્યો છે.
દવા પર QR Code છાપવાથી શું ફાયદો થશે?
ક્યુઆર કોડ સ્કેન કરીને ગ્રાહક દવા સંબંધિત માહિતી તરત જ મેળવી શકે છે. યુનિક પ્રોડક્ટ આઇટેન્ટિફિકેશન કોડ મારફતે દવાનું જેનેરિક નામ, બ્રાન્ડનું નામ, દવાના મેન્યુફેક્ચર્સ – ફાર્મા કંપનીનું નામ, દવાના ઉત્પાદનની તારીખની સાથે સાથે તેની એક્સપાયરી ડેટ અને દવા બનાવનાર કંપનીના લાઇસન્સ નંબરની માહિતી પ્રાપ્ત થશે.
કેન્દ્ર સરકારે દવા પર QR કોડ છાપવાનો નિર્ણય કેમ આપ્યો?
તમને જણાવી દઈએ કે, ભારતમાં નકલી દવાના વેચાણને રોકવા માટે કેન્દ્ર સરકારે આ કડક પગલું ભર્યું છે. નવેમ્બર 2022માં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તે દવાઓ પર QR કોડ લાવવાની તૈયારીમાં છે. હાલમાં જ આનાથી સંબંધિત એક નોટિફિકેશન જારી કરીને કહેવામાં આવ્યું હતું કે 1 ઓગસ્ટ, 2023થી દેશની અગ્રણી ફાર્મા કંપનીઓ તેમની દવાઓ પર QR કોડ છાપશે. આ માટે, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940માં સુધારો કરીને સરકારે QR કોડ પ્રિન્ટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.
QR કોડ છાપવાથી દવાના ભાવ વધશે?
IDMAના રાષ્ટ્રીય અધ્યક્ષ વિરંચી શાહે જણાવ્યું છે કે “1 ઓગસ્ટ 2023 પછી મેન્યુફેક્ચરિંગ કરવામાં આવનાર 300 કંપનીઓની બ્રાન્ડ્સના બેંચના પેકેટ પર QR કોડ ફરજિયાત છાપવો પડશે. સરકારના આ પગલાથી એલેગ્રા, ડોલો, ઓગમેન્ટિન, અસ્થલિન, લિમ્સી, સેરિડોન, કોરેક્સ, કાલપોલ, અનવોન્ટેડ-72 અને થાયરોનોર્મ જેવી લોકપ્રિય દવાની બ્રાન્ડને અસર થશે. આ બ્રાન્ડની દવાઓ સૌથી વધારે પ્રમાણમાં વેચાય છે અને વાર્ષિક વેચાણના આધારે આ દવાઓની પસંદગી કરવામાં આવી છે. સુત્રોએ જણાવ્યુ કે, સરકારના આ નિર્ણયથી દવાની કિંમત 5 થી 7 ટકા સુધી વધી શકે છે. જાણકારોનું માનવુ છે કે, ફાર્મા કંપનીઓએ અલગથી દવાના બેન્ચ પર ક્યુઆર કોડ છાપવા પડશે, પ્રિન્ટિંગ ખર્ચ વધતા દવાઓ મોંઘી થશે.