ટ્રેન મુસાફરો માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. રેલવે વિભાગે AC 3-ટીયર ઇકોનોમી ક્લાસના ભાડાં અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રેલવે વિભાગે આજથી જૂની સિસ્ટમ લાગુ કરતા AC 3-ટીયર ઇકોનોમી ક્લાસનું ભાડું ઘટાડી દીધું છે. હવેથી AC-ટીયરની તુલનામાં AC 3-ટીયર ઇકોનોમી કોચનું ભાડું 6થી 7 ટકા ઓછું રહેશે.
નોંધનીય છે કે, રેલવે વિભાગે સપ્ટેમ્બર 2021માં ઓછા દરે એસી કોચમાં મુસાફરી કરવાની સુવિધા આપવા માટે ટ્રેનના AC 3-ટીયર ઇકોનોમી ક્લાસની શરૂઆત કરી હતી. પરંતુ નવેમ્બર 2022માં AC 3- ટીયર ઇકોનોમી ક્લાસ અને AC 3- ટીયર ક્લાસને મર્જર કરવાને કારણે બંને ક્લાસની ટિકિટના દર એક સમાન થઇ ગયા હતા.
એડવાન્સ બુકિંગ કરનારને રિફંડ મળશે
રેલવે વિભાગે આ મામલે એક આદેશ જારી કરતા જણાવ્યું છે કે, જે મુસાફરોએ આજના દિવસની આગળની તારીખ માટે ઓનલાઈન અથવા ઓફલાઈન ટિકિટ બુક કરાવી છે, તેમને નવા દર અનુસાર રિફંડ આપવામાં આવશે. જો કે, જે મુસાફરોએ ટિકિટ બુકિંગ કાઉન્ટ પરથી ઑફલાઇન ટિકિટ બુક કરાવી છે તેમણે વધારાની લેવાની નીકળતી રકમ પરત મેળવવા માટે તેમની ટિકિટ સાથે લઇને બુકિંગ કાઉન્ટરની મુલાકાત લેવી પડશે.
ઈકોનોમી કોચમાં બેડશીટ અને ધાબળો મળવાનું ચાલુ રહેશે
રેલવે વિભાગે AC-3 ઇકોનોમી ક્લાસની શરૂઆત કરી હતી ત્યારે મુસાફરોને ચાદર અને ધાબળા આપવામાં આવતા ન હતા, પરંતુ ત્યારબાદ AC 3-ટીયર ઇકોનોમી ક્લાસને AC-3 ટીયર કોચ સાથે મર્જર કર્યા બાદ ભાડું સમાન કરી દેવામાં આવ્યું હતું. આથી એસી-3 ઇકોનોમી કોચમાં પણ ચાદર અને ધાબળા પણ આપવામાં આવ્યા હતા. જ્યારે હવે રેલવે વિભાગ ફરી જૂની સિસ્ટમ લાગુ કરી રહ્યુ છે, પણ મુસાફરોને ચાદર અને ધાબળા આપવાની સુવિધા બંધ કરી નથી.
નવેમ્બર 2022ના ઓર્ડર પહેલાં મુસાફરો કેટલીક ચોક્કસ ટ્રેનોમાં “3E” ની અલગ કેટેગરી હેઠળ AC 3-ટીયર ઇકોનોમી ટિકિટ બુક કરી શકતા હતા જ્યાં રેલવે વિભાગ આવી સીટો ઓફર કરે છે. અધિકારીઓએ જણાવ્યું કે, હાલમાં 11,277 નોર્મલ એસી 3 કોચની સરખામણીમાં 463 AC 3-ટીયર ઇકોનોમી કોચ છે. AC 3-ટીયર ઇકોનોમી કોચમાં મુસાફરો માટે સામાન્ય AC 3 કોચ કરતાં વધુ સારી સુવિધાઓ છે.
મુસાફરોને વધારે સુવિધા
અધિકારીઓએ જણાવ્યું હતું કે, AC 3-ટીયર ઇકોનોમી ક્લાસના મર્જર કરાતા મુસાફરોએ લગભગ 60-70 રૂપિયા વધારે ચૂકવવા પડતા હતા. સામાન્ય AC 3-ટાયર કોચમાં 72 બર્થ હોય છે જ્યારે AC 3-ટાયર ઇકોનોમી કોચમાં 80 બર્થ હોય છે. રેલવેએ આ સુવિધા શરૂ કર્યાના પ્રથમ વર્ષમાં AC 3-ટાયર ઇકોનોમી ક્લાસમાંથી રૂ. 231 કરોડની કમાણી કરી હતી.
રેલવે વિભાગના આંકડા અનુસાર, એપ્રિલ-ઓગસ્ટ 2022 દરમિયાન 15 લાખ લોકોએ આ કોચમાં મુસાફરી કરી, જેનાથી રેલવેને 177 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી.