/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/RBI-1.jpg)
RBI: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા. (Express Photo)
RBI Cancels Bank Licence: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ગુજરાતની એક સહકારી બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. બેંકનું લાઇસન્સ રદ થતા થાપણદારોની મૂડીનું શું થશે તેની ચિંતા સતાવી રહી છે. RBI એ બેંકનું લાઇસન્સ રદ કર્યું છે કારણ કે તેની પાસે પૂરતી મૂડી અને કમાણીની સંભાવના નથી. આરબીઆઈએ જણાવ્યું હતું કે બેંક પાસે પૂરતી મૂડી નહોતી અને તે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની જરૂરિયાતોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ.
કલર મર્ચન્ટ્સ કો ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ
આરબીઆઈ દ્વારા અમદાવાદની કલર મર્ચન્ટ્સ કો ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. હવે લાઇસન્સ રદ થયા પછી કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક બેંકિંગ વ્યવસાય બંધ કરશે. બેંકિંગ વ્યવસાયમાં, અન્ય બાબતોની સાથે, નવ થાપણો સ્વીકારવા અને જમા થાપણોની પરત ચુકવણીનો સમાવેશ થાય છે. RBI દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, બેંક દ્વારા સબમિટ કરાયેલા ડેટા મુજબ, લગભગ 98.51% થાપણદારો DICGC વીમા હેઠળ તેમની સંપૂર્ણ થાપણ રકમ મેળવવા માટે હકદાર છે .
થાપણદોરની જમા મૂડી મળશે?
ભારતીય રિઝર્વ બેંકે નિવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાત સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને પણ બેંકને બંધ કરવાનો આદેશ જારી કરવા અને બેંક માટે લિક્વિડેટરની નિમણૂક કરવા વિનંતી કરવામાં આવી છે. એકવાર લિક્વિડેશન પ્રક્રિયા શરૂ થઈ ગયા પછી, થાપણદારો ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) હેઠળ તેમની થાપણો પર મહત્તમ 5 લાખ રૂપિયા સુધીનો દાવો કરી શકશે. સરળ શબ્દોમાં કહીયે તો એક થાપણદાર બેંકમાં જમા તેની મહત્તમ 5 લાખ રૂપિયા સુધીની રકમ પરત મેળવી શકે છે.
98.51 ટકા થાપણદારોને સંપૂર્ણ રકમ મળશે
રિઝર્વ બેંકે વધુમાં જણાવ્યું હતું કે સહકારી બેંક દ્વારા સબમિટ કરાયેલા ડેટા મુજબ, લગભગ 98.51 ટકા થાપણદારો DICGC પાસેથી તેમની થાપણોની સંપૂર્ણ રકમ મેળવવા માટે હકદાર છે. 31 માર્ચ, 2024 સુધીમાં, DICGC એ બેંકના થાપણદારોને 13.94 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે.
રિઝર્વ બેંક (RBI) એ કહ્યું કે બેંક ચાલુ રાખવી એ થાપણદારોના હિત માટે હાનિકારક છે. બેંકની વર્તમાન નાણાકીય સ્થિતિને કારણે તે તેના થાપણદારોને સંપૂર્ણ ચૂકવણી કરી શકશે નહીં. રિઝર્વ બેંકે એમ પણ કહ્યું કે જો બેંકને તેનો બેંકિંગ વ્યવસાય આગળ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે, તો તે જાહેર હિત પર પ્રતિકૂળ અસર કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us