બેન્કમાં લોકર ધરાવતા કસ્ટમરોને મોટી રાહત આપતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં બેંકો માટે વર્તમાન સેફ ડિપોઝિટ લોકર્સ/સેફ કસ્ટડી આર્ટિકલ ફેસિલિટી માટેના એગ્રીમેન્ટને રિન્યુઅલ કરવાની પ્રક્રિયાને તબક્કાવાર રીતે પૂર્ણ કરવાની સમયમર્યાદાને 31 ડિસેમ્બર, 2023 સુધી લંબાવી છે, જ્યારે અગાઉ આની ડેડલાઇન 1 જાન્યુઆરી, 2023 હતી.
RBIએ ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) ને મોડલ લોકર એગ્રીમેન્ટની સમીક્ષા કરવા અને તેને 28 ફેબ્રુઆરી, 2023 સુધીમાં બેંકોને મોકલવા પણ સૂચન કર્યું છે.
ગ્રાહકો તેમના હાલના એગ્રીમેન્ટ ક્યારે રિન્યૂ કરી શકે છે?
RBIએ બેન્કો માટે હાલના લોકરધારક કસ્ટમરો સાથે લોકર એગ્રીમેન્ટને રિન્યૂ કરવાની સમયમર્યાદાને 31 ડિસેમ્બર, 2023 સુધી લંબાવી છે. RBIએ બેન્કોને તેમના તમામ હાલના લોકર ગ્રાહકોને 30 એપ્રિલ, 2023 સુધીમાં રિન્યુએલ કરવાની આવશ્યકતા વિશે માહિતગાર કરવા જણાવ્યું છે. બેન્કો હાલના લોકર ગ્રાહકોમાંથી ઓછામાં ઓછા 50 ટકા 30 જૂન સુધીમાં અને 75 ટકાએ 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં એગ્રીમેન્ટને રિન્યુઅલ કરે તેની ખાતરી કરવી પડશે.
બેંકો ગ્રાહકોને કેવી રીતે મદદ કરશે?
RBIએ બેંકોને સ્ટેમ્પ પેપર, ફ્રેન્કિંગ, એગ્રીમેન્ટનું ઈલેક્ટ્રોનિક અમલીકરણ અને ઈ-સ્ટેમ્પિંગ જેવા પગલાં લઈને નવા/ સપ્લિમેન્ટરી સ્ટેમ્પ્ડ એગ્રીમેન્ટનો અમલ કરવાની સુવિધા આપવા સૂચન કર્યુ છે. ધિરાણકર્તા ગ્રાહકોને આ એગ્રીમેન્ટની એક નકલ આપશે.
RBIએ સમયમર્યાદા શા માટે વધારી?
ઓગસ્ટ 2021માં, RBIએ એક પરિપત્રમાં બેંકોને લોકર સંબંધિત એગ્રીમેન્ટનેને 1 જાન્યુઆરી, 2023 સુધીમાં રિન્યૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે, તાજેતરની સમીક્ષામાં, RBIએ શોધી કાઢ્યું હતું કે મોટી સંખ્યામાં ગ્રાહકો લોકર એગ્રીમેન્ટ રિન્યૂ કરવામાં અસમર્થ હતા અને તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ઘણા કિસ્સાઓમાં, બેંકોએ 1 જાન્યુઆરી, 2023 પહેલા લોકર એગ્રીમેન્ટ રિન્યૂ કરવાની આવશ્યકતા વિશે ગ્રાહકોને જાણ કરી ન હતી. RBIનું માનવું છે કે, IBA દ્વારા ઓગસ્ટ 2021માં જારી કરાયેલા સુધારા સૂચનો અનુસાર તૈયાર કરાયેલ મોડેલ એગ્રીમેન્ટનું સંપૂર્ણ પાલન કરવા માટે રિવિઝનની જરૂર છે, જેના કારણે પણ ડેડલાઇન લંબાવવામાં આવી છે.
જે ગ્રાહકોના લોકર ફ્રીઝ થઇ ગયા છે, તેમનું શું થશે?
1 જાન્યુઆરી, 2023 સુધીમાં સુધારેલા લોકર એગ્રીમેન્ટના અમલની ગેરહાજરીમાં, અમુકક બેંકોએ કેટલાક ગ્રાહકોના લોકર ફ્રીજ કરી દીધી હતા. RBIએ બેંકોને આવા ફ્રીજ કરાયેલા લોકર પરના અંકુશો તાત્કાલિક દૂર હટાવવા આદેશ કર્યો છે.