RBI Forex Reserve Data : સોનાના સતત વધતા ભાવ પર માત્ર સામાન્ય વ્યક્તિ જ વેપારીઓ અને સરકાર પણ નજર રાખે છે. સોનાના ભાવ વધવાની સાથે સાથે જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ જંગી પ્રમાણમાં પીળી કિંમતી ધાતુની ખરીદી કરી છે. આરબીઆઈ એ છ માસિક અહેવાલમાં એપ્રિલ થી સપ્ટેમ્બર 2025 દરમિયાન મધ્યસ્થ બેંક પાસે રહેલા સોનાના ભંડાર વિશે જાણકારી આપી છે. RBIના સુવર્ણ ભંડારનો આંકડો જાણી ચોંકી જશો.
RBIના રિપોર્ટ મુજબ સપ્ટેમ્બર 2025 સુધી ગોલ્ડ રિઝર્વમાં છેલ્લા 12 મહિનાના સમયગાળા દરમિયાન 25.45 મેટ્રિક ટનનો વધારો થયો છે. સરળ શબ્દોમાં કહીયે તો, આરબીઆઈ છેલ્લા 12 મહિનામાં 25.45 ટન સોનાની ખરીદી કરી છે. આ સાથે આરબીઆઈનું ગોલ્ડ રિઝર્વ 880.18 ટને પહોંચી ગયું છે. આંકડા મુજબ સપ્ટેમ્બર 2025ના અંતે RBIનો સોનાનો ભંડોળ 854.73 ટન હતો.
RBI સોનું ક્યા રાખે છે?
આરબીઆઈ એ એપ્રિલ સપ્ટેમ્બર 2025ની રિપોર્ટમાં જણાવ્યું છે કે, સપ્ટેમ્બર 2025ના અંત સુધી મધ્યસ્થ બેંક ગોલ્ડ રિઝર્વમાં 880.18 ટન સોનું હતું, જેમાંથી 575.83 ટન સોનું ભારતમાં રાખેલું છે. તો 290.37 ટન સોનું બેંક ઓફ ઇંગ્લેન્ડ, બેંક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (BIS)ના સેફ વોલટમાં રાખેલું છે. તો 13.99 ટન સોનું ગોલ્ડ ડિપોઝિટ સ્વરૂપે રાખ્યું છે.
મૂલ્યની રીતે જોઇએ તો, ભારતના કુલ વિદેશી હૂંડિયામણ ભંડોળમાં ગોલ્ડ રિઝર્વનો હિસ્સો માર્ચ 2025ના અંત સુધી 11.07 ટકા હતો, જે વધીને સપ્ટેમ્બર 2025ના અંતે 13.92 ટકા થયો છે.
ભારતનું ફોરેક્સ રિઝર્વ ઘટ્યું
RBI પાસે ગોલ્ડ રિઝર્વ વધવા છતાં ભારતના વિદેશી હૂંડિયામણ ભંડોળમાં ઘટાડો થયો છે. સપ્ટેમ્બર 2024ના અંતે ભારતનું ફોરેક્સ રિઝર્વ 705.78 અબજ ડોલર હતું, જે સપ્ટેમ્બર 2025ના અંતે 700.09 અબજ ડોલર થયું છે. તો ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ માર્ચ 2025ના અંતે 668.33 અબજ ડોલર હતું. તો કુલ વિદેશી હૂંડિયામણમાં ફોરેન કરન્સી એસેટ્સ 579.18 અબજ ડોલર હતી.





