મહામારી બાદ હવે સમગ્ર વિશ્વ પર મંદીના વાદળો ઘેરાઇ રહ્યા છે ત્યારે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ગવર્નર શક્તિકાંત દાસે આ બાબતે ચિંતાજનક નિવેદન આપ્યું છે. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે, આગામી આર્થિક મંદીનું કારણ ક્રિપ્ટો કરન્સી હોઇ શકે છે. જો ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મૂકવામાં નહીં આવે તો તે નાણાકીય કટોકટીનું કારણ બની શકે છે. તેમણે BFSI સમિટમાં કહ્યું કે ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ સટ્ટાકીય પ્રવૃત્તિ કરવાનું એક માધ્યમ છે.
ઉલ્લેખનિય છે કે, છેલ્લા પાંચ – સાત વર્ષમાં સમગ્ર દુનિયામાં બિટકોઇન, ઇથેરિયમ ક્રિપ્ટોકરન્સીની બોલબાલા વધી છે. મોટી મોટી કંપનીઓ, એલન મસ્ક જેવા દિગ્ગજ રોકાણકારોથી લઇને સામાન્ય વ્યક્તિ પણ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરીને નફો કરવા લલચાયા છે.
RBIના ગવર્નરની ચેતવણી
નોંધનિય છે કે, રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ છેલ્લા ઘણા મહિનાઓથી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ અને ટ્રેડિંગ લઈને સતત ચેતવણી આપી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં આંતરિક આર્થિક પ્રવૃત્તિ મજબૂત છે, પરંતુ કેટલાક બાહ્ય પરિબળો અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે.
ક્રિપ્ટો કરન્સીના મૂલ્યમાં ધબડકો
રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યુ કે, ખાનગી ક્રિપ્ટો કરન્સી નાણાકીય સ્થિરતા માટે અત્યંત જોખમી છે. ક્રિપ્ટો કરન્સીનું મૂલ્ય નક્કી કરવા માટે કોઇ માપદંડ નથી અને તે સંપૂર્ણપણે અંદાજો પર આધારિત છે. તે દેશની મેક્રો આર્થિક સ્થિતિ અને નાણાકીય સદ્ધરતા સામે ગંભીર ખતરો ઉભો કરી શકે છે. તેમણે RBI દ્વારા લોન્ચ કરાયેલા ડિજિટલ રૂપિયાને ક્રિપ્ટો કરન્સીથી એકદમ અલગ ગણાવ્યો હતો. શક્તિકાંત દાસે કહ્યું કે ક્રિપ્ટો કરન્સી માર્કેટનું કુલ મૂલ્ય ઘટીને 140 અબજ ડોલર થઈ ગયું છે અને રોકાણકારોને અધધધ… 40 અબજ ડોલર જેટલુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

અર્થતંત્ર બાહ્ય પરિબળોથી પ્રભાવિત
ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, RBI 70 ફાસ્ટ મૂવિંગ ઇન્ડિકેટર્સ (સૂચકાંકો)ને ટ્રેક કરે છે અને તેમાંથી મોટાભાગના ‘ગ્રીન ઝોન’માં છે. કેટલાક બાહ્ય પરિબળોને કારણે અર્થતંત્રમાં ધીમા વૃદ્ધિદરની ચિંતા યથાવત છે. બાહ્ય માંગ અર્થતંત્ર પર અસર કરશે. તમને જણાવી દઈએ કે ચાલુ મહિનાના આરંભમાં જ રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2023 માટેના વિકાસદરનો અંદાજ અગાઉના 7 ટકાથી ઘટાડીને 6.8 ટકા કર્યો છે.
નાણાકીય ક્ષેત્રની સ્થિતિ એકંદરે સારી
ગવર્નરે જણાવ્યું હતું કે, ભારતનું નાણાકીય ક્ષેત્ર સ્થિતિસ્થાપક છે અને વધુ સારી સ્થિતિમાં છે. આ સિદ્ધિનો શ્રેય નિયમનકારો અને નાણાકીય ક્ષેત્રના ખેલાડીઓ બંનેને જાય છે. મોનેટરી પોલિસી મોંઘવારી અને વૃદ્ધિદર અંગે સ્થાનિક પરિબળો દ્વારા માર્ગદર્શન આપવાનું ચાલુ રાખશે, અમેરિકન ફેડ રિઝર્વ દ્વારા લેવાતા પગલાંઓ પર પણ નજર રાખવામાં આવશે. ફુગાવાને અંકુશમાં લેવા માટે સરકાર અને મધ્યસ્થ બેંક વચ્ચે ‘અત્યંત સંકલિત અભિગમ’ છે.

થાપણ અને ધિરાણ વૃદ્ધિ
રિઝર્વ બેન્કના ગવર્નરે જણાવ્યું હતું કે થાપણ અને ધિરાણ માંગની વૃદ્ધિ વચ્ચે કોઈ વધારે તફાવત નથી. તેમણે ઉમેર્યું હતું કે બેઝ ઈફેક્ટ બંને માટેના વૃદ્ધિના આંકડાને અલગ દર્શાવે છે. 2 ડિસેમ્બર, 2022 સુધીમાં બેન્કોએ આપેલી કુલ લોનનો રકમ 19 લાખ કરોડ રૂપિયા હતી જ્યારે બેન્કોમાં જમા થયેલી થાપણ 17.5 લાખ કરોડ રૂપિયા હતી.