(હિતેશ વ્યાસ) RBI Guidelines For Inoperative Accounts And Unclaimed Deposits: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંકો દ્વારા એકાઉન્ટ અને ડિપોઝિટ્સને નિષ્ક્રિય એકાઉન્ટ અને અનક્લેમ્ડ ડિપોઝિટ તરીકે વર્ગીકૃત કરવાની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. નવી માર્ગદર્શિકા મુજબ ખાતાધારકો જે બેંક બ્રાન્ચમાં તેમનું એકાઉન્ટ છે તે ઉપરાંતની નોન હોમ બ્રાન્ચોમાં તમારા નો યોર કસ્ટમર (કેવાયસી) ડોક્યુમેન્ટ નવેસરથી સબમિટ કરીને તેમના નિષ્ક્રિય એકાઉન્ટ કે અનક્લેમ્ડ ડિપોઝિટ્સને ફરીથી સક્રિય કરી શકે છે.
નિષ્ક્રિય એકાઉન્ટ શું છે? (What is an inoperative account?)
જે બેંક એકાઉન્ટમાં બે વર્ષ કરતા વધારે સમયથી ખાતાધારક તરફથી કોઇ જમા- ઉપાડ નથી થતુ તેવા ખાતાને નિષ્ક્રિય એકાઉન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
ગ્રાહક પ્રેરિત ટ્રાન્ઝેક્શન એ બેંક અથવા થર્ડ પાર્ટી તરફથી ખાતાધારક દ્વારા શરૂ કરવામાં આવેલ અથવા તેમના કહેવા પર કરવામાં આવેલ નાણાકીય વ્યવહાર અથવા બિન-નાણાકીય વ્યવહાર, અથવા ફિઝિકલ મોડ અથવા ડિજિટલ રૂટ મારફતે જેમ કે ઇન્ટરનેટ બેંકિંગ અથવા બેંકની મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન ફેસ – ટુ – ફેસ કરવામાં આવેલ કેવાયસી (નો યોર કસ્ટમર) અપડેટ હોઈ શકે છે. પ્રાથમિક અંદાજ મુજબ નિષ્ક્રિય એકાઉન્ટમાં લગભગ 1 થી 1.30 લાખ કરોડ રૂપિયા જમા હોવાનો અંદાજ છે.
અનક્લેમ્ડ ડિપોઝિટ શું છે? (What are unclaimed deposits?)
બચત/ચાલુ ખાતામાં બેલેન્સ કે જે 10 વર્ષ માટે ઓપરેટ કરવામાં આવતા નથી અથવા પાકતી તારીખથી 10 વર્ષની અંદર ક્લેમ ન કરાયેલ ટર્મ ડિપોઝિટને ‘દાવા વગરની થાપણો’ એટલે કે અનક્લેમ્ડ ડિપોઝિટ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. જેને ગુજરાતીમાં નધણિયાત થાપણ પણ કહેવામાં આવે છે. સરકારે તાજેતરમાં સંસદમાં માહિતી આપી હતી કે માર્ચ 2023 સુધીમાં બેંકોમાં 42,270 કરોડ રૂપિયાની દાવા વગરની થાપણો પડી છે.
RBIની માર્ગદર્શિકામાં શું સુધારો કરાયો? (RBI revised guidelines)
આરબીઆઈએ જ્યાં એક વર્ષથી વધુ સમય માટે કોઈ ગ્રાહક પ્રેરિત વ્યવહારો થયા નથી તેવા કિસ્સામાં બેંકોને એવા નિષ્ક્રિય એકાઉન્ટના મામલે ઓછામાં ઓછું વાર્ષિક સમીક્ષા હાથ ધરવા જણાવ્યું છે. એવા કિસ્સાઓમાં જ્યાં ટર્મ ડિપોઝિટ રિન્યૂ કરવાનો કોઈ સ્પષ્ટ આદેશ નથી, જો ગ્રાહકોએ પાકતી મુદત પછી રકમ ઉપાડી ન હોય અથવા આવી થાપણોને દાવા વગરની બનતી અટકાવવા માટે તેમના બચત/કરંટ ખાતામાં ટ્રાન્સફર ન કરી હોય તો બેંકોએ આવા ખાતાઓની સમીક્ષા કરવાની જરૂર છે.
બેંકોએ ખાતા અથવા જમા ધારકોને પત્રો અથવા ઈમેઈલ અથવા એસએમએસ દ્વારા જાણ કરવી જોઈએ કે છેલ્લા એક વર્ષમાં તેમના ખાતામાં કોઈ કામગીરી થઈ નથી. એલર્ટ મેસેજમાં અચૂક ઉલ્લેખ હોવો જોઈએ કે જો આગામી એક વર્ષ દરમિયાન કોઈ કામગીરી કરવામાં નહીં આવે તો બેંક એકાઉન્ટ ‘નિષ્ક્રિય’ થઈ જશે અને આવા કિસ્સામાં એકાઉન્ટને ફરીથી એક્ટિવ કરવા માટે ખાતાધારકે નવેસરથી કેવાયસી ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડશે.
ક્યા બેંક એકાઉન્ટને નિષ્ક્રિય કાતા તરીકે વર્ગીકૃત કરી શકાય છે?
કોઇ બેંક એકાઉન્ટને નિષ્ક્રિય ખાતા તરીકે વર્ગીકૃત કરવા માટે માત્ર ખાતાધારક તરફથી કરાયેલા ટ્રાન્ઝેક્શનને ધ્યાનમાં લેવામાં આવશે અને બેંક પ્રેરિત વ્યવહારોને નહીં. એવા કિસ્સાઓ હોઈ શકે કે જ્યાં ગ્રાહકે સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન (SI)/ ઓટો – રિન્યુઅલ ઇન્સ્ટ્રક્શન જેવો આદેશ આપ્યો હોય અને બચત/ચાલુ ખાતા અથવા ટર્મ ડિપોઝિટમાં અન્ય કોઈ કામગીરી ન હોય. આવા ટ્રાન્ઝેક્શનને ગ્રાહક-પ્રેરિત ટ્રાન્ઝેક્શન તરીકે પણ ગણવામાં આવશે. બેંક-પ્રેરિત ટ્રાન્ઝેક્શનોમાં બેંક દ્વારા વસૂલવામાં આવતા ચાર્જિસ, ફી, વ્યાજની ચૂકવણી, દંડ અને ટેક્સ જેવા ટ્રાન્ઝેક્શનનો સમાવેશ થાય છે.
કયા બેંક એકાઉન્ટને નિષ્ક્રિય ખાતા તરીકે વર્ગીકૃત કરી શકાતા નથી?
બેંકો કેન્દ્ર/રાજ્ય સરકારની યોજનાઓના લાભાર્થીઓ અને શિષ્યવૃત્તિ મેળવનારા વિદ્યાર્થીઓ માટે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો આ ખાતાઓમાં ચેક અથવા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અથવા ઈલેક્ટ્રોનિક બેનિફિટ ટ્રાન્સફર અથવા શિષ્યવૃત્તિની રકમ જમા કરવામાં મુશ્કેલી વ્યક્ત કરી રહી છે કારણ કે તે બે વર્ષથી કાર્યરત ન હોવાને કારણે નિષ્ક્રિય ખાતા તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
આરબીઆઈએ કહ્યું કે બેંકોએ, ખાતું ખોલવાના હેતુના આધારે, આવા ખાતાઓને તેમના કોર બેંકિંગ સોલ્યુશન (સીબીએસ)માં અલગ કરવા જોઈએ, જેથી બે વર્ષથી વધુ સમયગાળા માટે ‘નિષ્ક્રિય’ ખાતાઓની શરતો તેમના બિન-ઓપરેશનને કારણે આ ખાતાઓ પર લાગુ ન થાય.
નિષ્ક્રિય બેંક એકાઉન્ટ કેવી રીતે ફરીથી સક્રિય કરી શકાય?
આરબીઆઈએ બેંકોને નિષ્ક્રિય ખાતાઓને સક્રિય કરવા માટે KYC અપડેટ કરવાની સુવિધા અને તમામ શાખાઓ (નોન-હોમ બ્રાન્ચ સહિત) પર અને વિડિયો-ગ્રાહક ઓળખ પ્રક્રિયા (V-CIP) દ્વારા જો ખાતાધારક દ્વારા વિનંતી અને બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી V-CIPની સુવિધાને આધીન કરવામાં આવે તો ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે.
RBIએ જણાવ્યુ હતુ કે, બેંકોએ કેવાયસી માર્ગદર્શિકાનું પાલન કર્યા પછી જ નિષ્ક્રિય ખાતાઓ અથવા દાવા વગરની થાપણોને સક્રિય કરવી જોઈએ.
શું બેંકો નિષ્ક્રિય ખાતાને સક્રિય કરવા માટે ચાર્જ વસૂલી શકે છે?
આરબીઆઈએ કહ્યું છે કે નિષ્ક્રિય ખાતાને એક્ટિવ કરવા માટે કોઈ ચાર્જ વસૂલવો જોઈએ નહીં.
આ પણ વાંચો | સરકારે પેન્શનના નિયમો બદલ્યા, હવે બાળકોને પણ વારસદાર બનાવી શકાશે
શું નિષ્ક્રિય ખાતામાં મિનિમમ બેલેન્સ ન હોય તો કોઇ દંડ થશે?
બેંકોને નિષ્ક્રિય ખાતા તરીકે વર્ગીકૃત કરાયેલા કોઈપણ ખાતામાં લઘુત્તમ બેલેન્સની જાળવણી ન કરવા માટે દંડ વસૂલવાની પરવાનગી નથી.
શું બેંકો નિષ્ક્રિય બચત ખાતાઓ પર વ્યાજ જમા થતું અટકાવી શકે?
આરબીઆઈએ જણાવ્યું હતું કે, ખાતું કાર્યરત છે કે નહીં તે હકીકતને ધ્યાનમાં લીધા વિના બચત ખાતા પર વ્યાજ નિયમિત ધોરણે જમા થવું જોઈએ.