RBI Launch Mobile App For Government Securities Imvestment : આરબીઆઈ એ ધિરાણનીતિમાં મુખ્ય વ્યાજદર સ્થિર રાખતા લોન ધારકો નિરાશ થયા છે. જો કે આ દરમિયાન આરબીઆઈ રોકાણકારો માટે એક મોટી ઘોષણા કરી છે. હવે સરકારી જામનગીરીમાં રોકાણ કરવું રિટેલ ઇન્વેસ્ટર્સ માટે ખુબ સરળ બનશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ટૂંક સમયમાં સરકારી સિક્યોરિટી માર્કેટમાં રિટેલ રોકાણકારોની ભાગીદારી વધારવા માટે એક મોબાઈલ એપ લોન્ચ કરશે.
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય વર્ષ 2025 માટે પ્રથમ નાણાકીય નીતિ રજૂ કરતી વખતે આ માહિતી આપી હતી. એપ લોન્ચ થયા બાદ આ સરકારી જામીનગીરીનું ખરીદ અને વેચાણ સરળ બની જશે.
સરકારી જામીનગીરીમાં રોકાણ કરવું સરળ બનશે
આરબીઆઈ ના બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી છે કે, મધ્યસ્થ બેંક રિટેલ ડાયરેક્ટ સ્કીમ માટે એક મોબાઈલ એપ લોન્ચ કરશે, જેથી રોકાણકારો કોઈપણ મુશ્કેલી કે વિક્ષેપ વગર પેમેન્ટ કરી શકશે. સરકારી જામીનગીરીમાં નાના રોકાણકારોને રોકાણની સુવિધા આપવા માટે રિટેલ ડાયરેક્ટ સ્કીમ એ વન-સ્ટોપ સોલ્યુશન છે. તેમાં કોઈ મધ્યસ્થી કે એજન્ટની જરૂર નથી. રિટેલ ડાયરેક્ટ સ્કીમ 2021માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના રોકાણકારોની સરકારી જામીનગીરી સુધી પહોંચને સરળ બનાવવા માટે બનાવવામાં આવી છે.
મધ્યસ્થ બેંકે જણાવ્યું હતું કે સરકારી જામીનગીરી સુધી નાના રોકાણકારોની પહોંચને સરળ અને વધુ સારી બનાવવા માટે, રિટેલ ડાયરેક્ટ પોર્ટલ ની મોબાઇલ એપ્લિકેશન બનાવવામાં આવી રહી છે. આ એપ રોકાણકારોને તેમની સુવિધા અનુસાર, ચાલતા ફરતા સરકારી બોન્ડ અથવા જામીનગીરી ખરીદવા અને વેચવા માટે સક્ષમ બનાવશે. આ મોબાઇલ એપ ટૂંક સમયમાં ઉપયોગ માટે ઉપલબ્ધ થશે.
સુરક્ષિત રોકાણ સાથે સ્થિર વળતર
નવા નાણાકીય વર્ષમાં વ્યાજદરમાં ઘટાડા અંગે વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ડેટ સ્કીમ તરફ લોકોનું આકર્ષણ પણ વધી રહ્યું છે. એવા ઘણા રોકાણકારો છે જેઓ રૂઢિચુસ્ત છે અથવા મધ્યમ જોખમ લે છે. આવા રોકાણકારો હવે પરંપરાગત નિશ્ચિત આવક યોજનાઓ ઉપરાંત ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે. જો તમે આવા રોકાણ વિકલ્પો શોધી રહ્યા છો, જ્યાં પૈસા સુરક્ષિત રહે છે અને વળતર પણ વધુ સારું છે, તો સરકારી જામીનગીરી (G-Sec) પણ એક ઉત્તમ વિકલ્પ સાબિત થઇ શકે છે.
સરકારી બોન્ડ / સરકારી જામીનગીરી શું છે? (What is Government Securities)
સરકારી સિક્યોરિટીઝ ને સરકારી બોન્ડ પણ કહેવામાં આવે છે. ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એટલે કે G-Sec એ આવા ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ છે, જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા જારી કરવામાં આવે છે. સરકારો સામાન્ય જનતા પાસેથી મૂડી એકત્ર કરવા માટે આ જામીનગીરી જારી કરે છે. આ બોન્ડ જ્યારે જરૂર પડે ત્યારે સરકારને ભંડોળ પૂરું પાડે છે.
ટૂંકા ગાળાની સિક્યોરિટીઝને ટ્રેઝરી બિલ કહેવામાં આવે છે જે 1 વર્ષથી ઓછા સમયગાળા માટે જારી કરવામાં આવે છે. જ્યારે 1 વર્ષથી વધુ સમય માટે જારી કરાયેલી સિક્યોરિટીઝને સરકારી બોન્ડ કહેવામાં આવે છે. કેન્દ્ર સરકાર ટ્રેઝરી બિલ અને ડેટ સિક્યોરિટીઝ બંને ઈશ્યૂ કરે છે. રાજ્ય સરકારો માત્ર ડેટ સિક્યોરિટીઝ જારી કરી શકે છે.
આ પણ વાંચો | સ્માર્ટ ઇન્વેસ્ટર છે રાહુલ ગાંધી, શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં કરોડોનું રોકાણ, બેંક બેલેન્સ જાણી ચોંકી જશો
સરકારી જામીનગીરીમાં કેટલું વ્યાજ મળે છે? (Government Securities Interest Rate)
સરકારી બોન્ડ કોન્ટ્રાક્ટમાં નક્કી કરાયેલા કૂપન રેટના આધારે વ્યાજ ચૂકવવામાં આવે છે. સરકારી બોન્ડ કેન્દ્ર અથવા રાજ્ય સરકારો દ્વારા જારી કરવામાં આવે છે, તેથી તેમાં જોખમ ખૂબ ઓછું છે. તેની એક ખાસિયત એ છે કે જ્યારે બોન્ડ પરિપક્વ થાય છે, ત્યારે રોકાણકારને રોકાણ કરેલી રકમ પાછી મળે છે. બોન્ડના વ્યાજની રકમ અલગથી ઉપલબ્ધ છે. હવે સરકારો સહકારી બેંકો અને રિટેલ રોકાણકારો જેવા નાના રોકાણકારોને પણ સરાકરી જામીનગીરી ઓફર કરે છે.