RBI MPC Meeting Announcement Today : આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા) મોનેટરી પોલિસી કમિટી આજે ધિરાણનીતિ જાહેર કરશે. આજે શુક્રવારે સવારે 10 વાગે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની ઘોષણા કરશે, જેના પર તમામ બેંકો, વેપારીઓ, શેરબજાર સાથે સંકળાયેલા રોકાણકારો, લોનધારકો સહિત સૌની નજર રહેશે. ઉલ્લેખનિય છે કે, રિઝર્વ બેંકે ઓક્ટોબરમાં રેપો રેટ યથાવત રાખ્યા હતા
તમને જણાવી દઇયે કે, 3 દિવસની રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીની બેઠક 3 ડિસેમ્બર થી 5 ડિસેમ્બર દરમિયાન યોજાઇ હતી. RBIની આ દ્વિમાસિક ધિરાણનીતિ બેઠક હોય છે, જે દર બે મહિનામાં એક વખત યોજાય છે.
ક્રિસિલને રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો થવાની આશા
ફાઇનાન્સિયલ એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, એનાલિસ્ટો વ્યાજ દરમાં ઘટાડાની આશા રાખે છે. ક્રિસિલના ચીફ ઇકોનોમિસ્ટ ધર્મકીર્તિ જોશીએ જણાવ્યું હતું કે, “અમે ડિસેમ્બરમાં રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવાની અપેક્ષા રાખીએ છીએ. હાલ આર્થિક વૃદ્ધિ દર મજબૂત છે, ત્યારે ઓક્ટોબરમાં રિટેલ ફુગાવામાં નોંધપાત્ર ઘટાડાએ આ પરિસ્થિતિમાં રેટ કટ માટે અવકાશ વધાર્યો છે.”
2025માં RBI એ 3 વખત રેપો રેટ ઘટાડો
આરબીઆઈ એ વર્ષ 2025 દરમિયાન અત્યાર સુધીમાં રેપો રેટમાં 3 વખત ઘટાડો કર્યો છે. રિઝર્વ બેંકે સૌ પ્રથમ ફેબ્રુઆરી 2025માં રેપો રેટ 0.25 ટકા ઘટાડ્યો હતો, ત્યાર બાદ રેપો રેટ 6.50 ટકાથી ઘટીને 6.25 ટકા થયો હતો. એપ્રિલ 2025માં ફી રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 6 ટકા કરવામાં આવ્યો હતો. તો જૂન 2025માં પણ RBI એ રેપો રેટમાં 0.50 ટકાનો મોટો ઘટાડો કર્યો હતો, ત્યારબાદ રેપો રેટ 6 ટકાથી ઘટીને 5.50 ટકા થયો હતો.
જો કે ત્યારબાદ રિઝર્વ બેંકે ઓગસ્ટ અને ઓક્ટોબરની મોનેટરી પોલિસીમાં રેપો રેટ ઘટાડવાનું ટાળ્યું હતું. હાલ રેપો રેટ 5.50 ટકા છે. આવી સ્થિતિમાં, એ જોવાનું રહેશે કે, શું આરબીઆઈ ડિસેમ્બર 2025 માં રેપો રેટમાં ફેરફાર કરે છે કે નહીં.





