(જ્યોર્જ મેથ્યુ, હિતેશ વ્યાસ) વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને દેશમાંથી મોકલવમાં આવાતા નાણાં જેને રેમિટન્સ કહેવામાં આવે છે તેમાં ચાલુ નાણાંકીય વર્ષ 2022-23નાના પ્રથમ નવ મહિનામાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ વિદ્યાર્થીઓને વિદેશમાં મોકલવામાં આવેલું નાણાંકીય ભંડોળ એપ્રિલથી ડિસેમ્બર 2022 સુધીના નવ મહિનામાં 42 ટકાથી વધુ ઘટીને 2.57 અબજ ડોલર થયું છે, જ્યારે વર્ષ પૂર્વેના સમાન સમયગાળા દરમિયાન 4.4 અબજ ડોલરનું રેમિટન્સ વિદેશમાં મોકલવામાં આવ્યું હતું.
એક વ્યક્તિ વિદેશમાં વર્ષે દહાડે કેટલા ડોલર મોકલી શકે?
રિઝર્વ બેન્કની LRS યોજના હેઠળ એક ભારતીય રહેવાસી પ્રવાસ, ભેટ, વિદેશમાં અભ્યાસ, સંબંધીઓના જીવનખર્ચ, મિલકતની ખરીદી, તબીબી સારવાર અને દાન જેવા વિવિધ હેતુઓ માટે એક વર્ષમાં 2.50 લાખ ડોલર સુધીનું વિદેશી હૂંડિયામણ વિદેશમાં મોકલી શકે છે.
કુલ રેમિટન્સમાં 40 ટકાનો વધારો થયો
અલબત્ત, ડિસેમ્બર 2022ના રોજ સમાપ્ત થયેલા નવ મહિનામાં LRS હેઠળ ભારતમાં રહેતા વ્યક્તિઓએ દ્વારા એકંદરે વિદેશમાં મોકલેલું રેમિટન્સ 40 ટકા વધીને 19.35 અબજ ડોલરે પહોંચ્યું છે, જે એક વર્ષ અગાઉ 13.79 અબજ ડોલર હતું. વર્ષ 2022-23માં રેમિટન્સનો આઉટફ્લો એટલે કે વિદેશમાં મોકલેલું ભંડોળ નાણાકીય વર્ષ 2021-22ના 19.61 અબજ ડોલરને વટાવી જવાની ધારણા છે.
વિદ્યાર્થીઓને શા માટે ઓછા નાણાં મોકલવામાં આવ્યા?
નિષ્ણાતોના મતે, વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓને દેશમાંથી મોકલવામાં આવતા નાણાંકીય ભંડોળનો પ્રવાહ ઘટવા પાછળ ઘણા કારણો જવાબદાર છે, જેમાં મુખ્યત્વે વિઝા મેળવવામાં મુશ્કેલી અને વધતો જતો ફુગાવો અને ઉંચા વ્યાજદરોને કારણે વિકસીત અર્થવ્યવસ્થાઓમાં મંદી વચ્ચે નોકરીની સ્થિતિ અંગેની અનિશ્ચિતતા જવાબદાર છે.
“ઘટાડો (વિદ્યાર્થીઓ દ્વારા મોકલવામાં આવેલ રકમ) બે પરિબળોને કારણે છે – એક, સામાન્ય રીતે વિદ્યાર્થીઓ યુએસ જાય છે તેમ વિઝા મેળવવામાં વિલંબ થાય છે. બીજું, વિદેશ જવાની ઈચ્છા પણ રોજગારીની એકંદર પરિસ્થિતિ પર આધારિત છે. હવે એવી છાપ છે કે જો હું અભ્યાસ માટે બહાર જાઉં તો નોકરી ચાલુ રાખવાની કોઈ ખાતરી નથી. આનાથી કેટલાક લોકો યુએસમાં ઉચ્ચ અભ્યાસ માટે જવાથી દૂર રહી શકે છે,”
બેન્ક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે જણાવ્યું કે, ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણને ભારતીય વિદ્યાર્થીઓ માટે ફોરેન એજ્યુકેશન મેળવવું મુશ્કેલ બની ગયું છે. એપ્રિલ થી ડિસેમ્બરની વચ્ચે અમેરિકન ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં 10 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. બીજી તરફ, છેલ્લા વર્ષમાં અમેરિકા અને યુકે જેવા દેશોમાં રહેવાના ખર્ચમાં અનેકગણો વધારો થયો છે.ભારતના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અન્ય દેશો જેવા કે રશિયા અને યુક્રેનમાં જાય છે. જો કે હાલ આ બંને દેશો વચ્ચે યુદ્ધના કારણે હાલ ત્યાં કોઇ જઇ રહ્યું નથી.
ડિસેમ્બર ક્વાર્ટરમાં રેમિટન્સ ઘટ્યું
ડિસેમ્બર 2022માં સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળામાં વિદ્યાર્થીઓને મોકલેલું રેમિટન્સ ઘટીને 66.7 કરોડ ડોલર થયું છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 1.16 અબજ ડોલર હતું.

રિઝર્વ બેન્કના આંકડા અનુસાર, ડિસેમ્બર 202 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ભારતમાં રહેલા વ્યક્તિઓ દ્વારા વિદેશી ઈક્વિટી અને ડેટ માર્કેટમાં રોકાણ 90 ટકા વધીને 31.75 કરોડ ડોલર થયું છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા દરમિયાન 16.71 અબજ ડોલર હતું. તો નાણાકીય વર્ષ 2021-22માં ભારતીયો દ્વારા વિદેશી ઇક્વિટી અને ડેટ માર્કેટમાં કુલ 74.65 કરોડ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું.
વિદેશ પ્રવાસ પાછળ ભારતીયોએ 9.94 અબજ ડોલર ખર્ચ્યા
એક બાજુ વિદેશમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓને મોકલવામાં આવતા નાણાંકીય ભંડોળમા જંગી ઘટાડો થયો તો બીજી બાજુ વિદેશ પ્રવાસ પાછળ ભારતીયો જંગી ખર્ચ કરી રહ્યા છે. એપ્રિલથી ડિસેમ્બર 2022 સુધીના નવ મહિનામાં ભારતીયોએ વિદેશ પ્રવાસ પાછળ 9.94 અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. કોરોના મહામારી બાદ વિદેશ પ્રવાસમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન ફોરેન ટ્રાવેલ પાછળ ભારતીયોએ 6.90 અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો.