રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોનની ડિજિટલ પેમેન્ટ ફર્મ એમેઝોન પે(Amazon Pay)ને 3.06 કરોડનો દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંકે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એમેઝોન પે (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડને આટલો તોતિંગ દંડ ફટકાર્યો છે. RBIના જણાવ્યા અનુસાર Amazon Payએ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPIs) અને KYC સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
RBIએ શા માટે દંડ ફટકાર્યો
રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એવું જોવા મળ્યું છે કે, એમેઝોન પે KYC જરૂરિયાતો અંગે આરબીઆઈ દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું પાલન કરી રહી નથી.” રિઝર્વ બેંકે એમેઝોન-પે (ઇન્ડિયા)ને નોટિસ શો-કોઝ ફટકારીને પુછ્યું હતું કે નિર્દેશોનું પાલન ન કરવા બદલ શા માટે દંડ ન વસૂલવો જોઇએ.
નિયમોનું પાલન કરવામાં ખામીઓ
રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, કંપનીના પ્રત્યુત્તરને ધ્યાનમાં લીધા બાદ રિઝર્વ બેંકે તારણ કાઢ્યું કે બેંકના નિર્દેશોનું પાલન ન કરવા બદલ નાણાકીય દંડ લાદવો જોઈએ. અલબત્ત મધ્યસ્થ બેંકે જણાવ્યું હતું કે, દંડ નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ એમેઝોન પે (ઇન્ડિયા) દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની કાયદેસરતાને પ્રભાવિત કરવાનો નથી.