Reliance Disney Merger Deal : રિલાયન્સ અને ડિઝની મર્જર ડીલને મંજૂરી ગઇ છે. બંને કંપનીઓ દ્વારા મર્જર ડીલ અંગે 28 ફેબ્રુઆરી, 2024ન દરરોજ સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. આ સોદા હેઠળ એન્ટરટેઇમેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં એક મેગા કંપની અસ્તિત્વમાં આવશે. આ નવી કંપનીના ચેરપર્સન નીતા અંબાણી હશે. તેમજ ઉદય શંકર વાઇસ પ્રેસિડેન્ટ હશે.
રિલાયન્સ અને ડિઝનીનું મર્જર થશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) વાયાકોમ 18 મીડિયા પ્રાઈવેટ લિમિટેડ (Viacom18) અને ધ વોલ્ટ ડિઝની કંપની (NYSE:DIS) (Disney) એ આજે વાયાકોમ18 અને સ્ટાર ઈન્ડિયાના વ્યવસાયોને જોડતા સંયુક્ત સાહસ (જોઇન્ટ વેન્ચર) ની રચના કરવા માટે બંધનકર્તા નિશ્ચિત કરારો પર હસ્તાક્ષર કરવાની ઘોષણા કરી છે. આ ટ્રાન્ઝેક્શનના ભાગરૂપે વાયકોમ18ના મીડિયા સાહસને કોર્ટ દ્વારા મંજૂર કરાયેલી સ્કીમ ઓફ એરેન્જમેન્ટના અન્વયે સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (SIPL)માં મર્જ કરવામાં આવશે.

રિલાયન્સ ઇન્ડસ્ડ્રીઝ 11,500 કરોડનું રોકાણ કરશે
મર્જરથી અસ્તિત્વમાં આવનાર આ સંયુક્ત સાહસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 11,500 કરોડ રૂપિયા (1.4 અબજ ડોલર)નું રોકાણ કરશે. આ ટ્રાન્ઝેક્શનમાં, પોસ્ટ-મની બેસીસ પર (રોકાણનું મૂલ્ય ગણતરીમાં લીધા બાદ), સંયુક્ત સાહસની વેલ્યૂએશન મૂલ્ય 70,352 કરોડ રૂપિયા (8.5 અબજ ડોલર) આંકવામાં આવ્યું છે.
નવા સંયુક્ત સાહસમાં રિલાયન્સ – ડિઝનીનો કેટલો હિસ્સો ?
ઉપરોક્ત તબક્કા પૂર્ણ થયા પછી, સંયુક્ત સાહસ RIL દ્વારા સંચાલિત અને નિયંત્રિત થશે. આ સંયુક્ત સાહસમાં રિલાયન્સનો 16.34 ટકા, વાયકોમ18નો 46.82 ટકા અને ડિઝનીનો 36.84 ટકા હશે. ડિઝની આ સંયુક્ત સાહસમાં અમુક વધારાની મીડિયા સંપત્તિઓનું યોગદાન પણ આપી શકે છે, જે નિયમનકારી અને થર્ડ-પાર્ટી મંજૂરીઓને આધીન રહેશે. આ મર્જર ડીલમાં ટ્રાન્ઝેક્શન નિયમનકારી, શેરધારકો તેમજ ગ્રાહકોને લગતી મંજૂરીઓને આધિન છે અને કેલેન્ડર વર્ષ 2024ના છેલ્લા અથવા કેલેન્ડર વર્ષ 2025ના પ્રથમ ક્વાર્ટરમાં પૂર્ણ થઈ જવાની શક્યતા છે.
ભારતના એન્ટરટેઇનમેન્ટ અને સ્પોર્ટ્સ ચેનલમાં અગ્રણી કંપની બનશે
આ સંયુક્ત સાહસ ભારતમાં એન્ટરટેઇનમેન્ટ અને સ્પોર્ટ્સ કન્ટેન્ટના અગ્રણી ટીવી અને ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પૈકીનું એક બનશે, જે જિયોસિનેમા અને હોટસ્ટારના માધ્યમથી ટેલિવિઝન અને ડિજીટલ પ્લેટફોર્મ્સમાં સૌથી વધારે અપેક્ષિત ઇવેન્ટ્સના એક્સેસ સહિત સમગ્ર એન્ટરટેઇનમેન્ટ (દા.ત. કલર્સ, સ્ટારપ્લસ, સ્ટારગોલ્ડ) અને સ્પોર્ટ્સ (ઉદાહરણ – સ્ટાર સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ18) એસેટ્સને એકસાથે લાવશે. સંયુક્ત સાહસના સમગ્ર ભારતમાં 75 કરોડથી વધુ દર્શકો હશે અને તે સમગ્ર વિશ્વમાં ભારતીય ડાયસ્પોરાને સેવા આપશે.
આ જોઇન્ટ વેન્ચરને 30,000 કરતા વધુ ડિઝની કન્ટેન્ટ એસેટ્સના લાઈસન્સની સાથે, ભારતમાં ડિઝની ફિલ્મ્સ એન્ડ પ્રોડક્શન્સને ડિસ્ટ્રીબ્યૂટ કરવાના એક્સક્લુઝિવ રાઈટ્સ પણ પ્રાપ્ત થશે, જેના પગલે ભારતીય દર્શકોને મનોરંજનનો સંપૂર્ણ ગુલદસ્તો પ્રાપ્ત થશે.

આ મર્જરથી યુઝર – દર્શકોને શું ફાયદો થશે?
આ સંયુક્ત સાહસ ભારતમાં મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં ડિજિટલ પરિવર્તનના યુગનું નેતૃત્વ કરશે અને યુઝરને કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે હાઈ-ક્વોલિટી અને કોપ્રિહેન્સિવ કન્ટેન્ટ ઓફરિંગ્સની રજૂઆત કરશે. મીડિયા એક્સપર્ટીઝ, અત્યાધુનિક ટેકનોલોજી અને વાયકોમ18 તથા સ્ટાર ઈન્ડિયાની વૈવિધ્યપૂર્ણ કન્ટેન્ટ લાયબ્રેરીના મિશ્રણ દ્વારા JVને અત્યંત કિફાયતી દરે નવીન અને સુગમ ડિજિટલ મનોરંજનની અનુભૂતિ પૂરી પાડવાની સાથે વધુ અપીલિંગ ઘરેલુ તેમજ વૈશ્વિક મનોરંજન કન્ટેન્ટ તથા સ્પોર્ટ્સ લાઈવસ્ટ્રીમિંગ સર્વિસીઝ ઓફર કરવાની સુવિધા પ્રાપ્ત થશે.
આ પણ વાંચો | અનંત અંબાણી રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશન માં 2500 થી વધુ વાનગીઓ પીરસાશે
ભારતના મનોરંજન ઉદ્યોગમાં નવા યુગની શરૂઆત – મુકેશ અંબાણી
આ સંયુક્ત સાહસ વિશે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી એ જણાવ્યું હતું કે, “ભારતીય મનોરંજન ઉદ્યોગમાં નવા યુગના આગમનની ઘોષણા કરતો સીમાચિહ્નરૂપ કરાર છે. અમે હંમેશાથી ડિઝનીનો એક શ્રેષ્ઠ વૈશ્વિક મીડિયા ગ્રુપ તરીકે આદર કર્યો છે અને હવે અમને અમારા બહોળા સંસાધનો, રચનાત્મક કૌશલ્યો તેમજ માર્કેટિંગની સમજને સુસંગઠિત કરીને દેશભરના પ્રેક્ષકોને કીફાયતી દરે અતુલ્ય કન્ટેન્ટ પૂરું પાડવામાં મદદરૂપ થનારું આ વ્યૂહાત્મક સંયુક્ત સાહસ રચીને અમે ખૂબ રોમાંચિત છીએ. રિલાયન્સ ગ્રુપના ચાવીરૂપ ભાગીદાર તરીકે અમે ડિઝનીનું સ્વાગત કરીએ છીએ.”





