મુકેશ અંબાણીની માલિકીનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપ વૃદ્ધિ અને વિકાસ યોજના માટે નાણાંકીય ભંડોળ એક્ત્ર કરી રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેની ટેલિકોમ કંપની જિયો ઇન્ફોકોમ (Jio Infocomm) એ બેક-ટુ-બેક ફોરેન કરન્સી લોન મારફતે કુલ 5 અબજ ડોલર એકત્ર કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતના કોર્પોરેટ ઈતિહાસમાં આ સૌથી મોટી સિન્ડિકેટ લોન છે.
આ ઘટનાક્રમથી વાકેફ સૂત્રોએ જણાવ્યું કે, રિલાયન્સે પાછલા સપ્તાહે 55 બેંકો પાસેથી 3 અબજ ડોલર એકત્ર કર્યા હતા અને હવે રિલાયન્સ જિયો ઇન્ફોકોમે ફરીથી 18 બેંકો પાસેથી 2 અબજ ડોલર જેટલી જંગી લોન મેળવી છે.
મૂડી ખર્ચમાં વધારો થશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, 31 માર્ચે 3 અબજ ડોલરનું ફાઇનાન્સિંગ પૂર્ણ થયુ હતુ અને હવે 2 અબજ ડોલરની એડ-ઓન ફેસિલિટી મંગળવારે હાંસલ કરવામાં આવી છે. રિલાયન્સ મુખ્યત્વે તેના મૂડી ખર્ચ માટે એકત્ર કરાયેલ નાણાંનો ઉપયોગ કરશે, જ્યારે Jio તેના દેશવ્યાપી 5G નેટવર્કના રોલઆઉટ માટે આ ભંડોળનો ઉપયોગ કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે 2 અબજ ડોલર એડ-ઓન રિલાયન્સ અને જિયો વચ્ચે સમાન ધોરણે વિભાજિત કરવામાં આવશે.
ભારતના કોર્પોરેટ સેક્ટરના ઇતિહાસની સૌથી મોટી લોન
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેની ટેલિકોમ કંપની જિયો ઇન્ફોકોમે 5 અબજ ડોલરની ફોરેક્સ લોન લીધી છે. સૌથી ખાસ વાત એ છે કે આ લોન ભારતના કોર્પોરેટ ઈતિહાસની સૌથી મોટી સિન્ડિકેટ લોન માનવામાં આવી રહી છે.
કઇ-કઇ બેંકો પાસેથી લોન મેળવી
મીડિયા રિપોર્ટ અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જિયો ઇન્ફોકોમે લગભગ બે ડઝન તાઇવાનની બેંકો તેમજ બેંક ઓફ અમેરિકા, HSBC, MUFG, Citi, SMBC, Mizuho અને ક્રેડિટ એગ્રીકોલ જેવી વૈશ્વિક જાયન્ટ્સ સહિત લગભગ 55 ધિરાણકર્તાઓ પાસેથી 3 અબજ ડોલર એકત્ર કરવામાં આવ્યા છે. 2 અબજ ડોલરની નવી લોનની શરતો સમાન છે જે 31 માર્ચે 55 ધિરાણકર્તાઓ સાથે નક્કી કરવામાં આવી હતી. રિલાયન્સ ગ્રૂપ એ ભારતમાંથી સૌથી વધુ ધિરાણની માંગણી કરનાર કંપનીઓ પૈકીની એક છે અને તે વ્યાપક બેંકિંગ સંબંધોનો ફાયદો ઉઠાવો છે. આવું એટલા માટે છે કારણ કે, 2 અબજ ડોલરનું લોન સરેરાશ રીતે એશિયન લોન માર્કેટની માટે ઘણુ મોટી અને અસામાન્ય છે.





