Reliance Jio New Booster Plans: રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની પૈકીની એક છે. કંપનીએ તેના ટેરિફને મોંઘા કર્યા બાદ ત્રણ નવા 5જી ડેટા બૂસ્ટર પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન ખાસ કરીને તે યૂઝર્સને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવ્યા છે જે દરરોજ 1 જીબી અથવા 1.5 જીબી ડેટા ઇચ્છે છે. આ ડેટા બૂસ્ટર પ્લાન્સની વેલિડિટી યૂઝરના મોબાઇલ નંબર પર પહેલાથી જ એક્ટિવ પ્લાન જેવી જ છે.
જિયોની વેબસાઇટ પર ડેટા બૂસ્ટર પ્લાનને ટ્રુ અનલિમિટેડ અપગ્રેડ સેક્શન હેઠળ મૂકવામાં આવ્યા છે. જિયોના નવા ડેટા બૂસ્ટર પ્લાનની કિંમત 51 રૂપિયા, 101 રૂપિયા અને 151 રૂપિયા છે. પરંતુ ધ્યાનમાં રાખો કે 479 રૂપિયા અને 1899 રૂપિયાના પ્રીપેડ પ્લાન સાથે આ પ્લાન રિચાર્જ નહીં કરી શકાય.
રિલાયન્સ જિયો ડેટા બૂસ્ટર પ્લાન્સ
51 રૂપિયાના સૌથી સસ્તા ડેટા બૂસ્ટર પ્લાનમાં ગ્રાહકોને 3GB 4G મોબાઇલ ડેટા મળે છે. 3 જીબી ડેટા સમાપ્ત થયા બાદ ગ્રાહકો 44kbpsની સ્પીડથી ઇન્ટરનેટ ખર્ચ કરી શકે છે. જો તમે એવા સ્થળો પર છો જ્યાં 5G કનેક્ટિવિટી ઉપલબ્ધ છે, તો તમે 101 રૂપિયા અને 151 રૂપિયાના ડેટા બૂસ્ટર પ્લાનમાંથી કોઈ એક પસંદ કરી શકો છો. 101 રૂપિયાના પ્લાનમાં 6GB 4G ડેટા અને 151 રૂપિયાના પ્લાનમાં 9GB 4G ડેટા આપવામાં આવ્યો છે. આ બંને પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટા મળે છે.
તમને જણાવી દઈએ કે આ તમામ બૂસ્ટર પ્લાનમાં અનલિમિટેડ 5જી ડેટા ઉપલબ્ધ છે. અને જે સ્થળોએ 5G કનેક્ટિવિટી ઉપલબ્ધ નથી, ત્યાં તમારા 4G ક્વોટામાંથી ડેટા સમાપ્ત થવા લાગે છે. ખાસ વાત એ છે કે જિયોએ હવે 61 રૂપિયાનો ડેટા પ્લાન બંધ કરી દીધો છે. અત્યાર સુધી આ 61 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 6 જીબી ડેટા આપવામાં આવતો હતો.
નોંધનીય છે કે જિયો પહેલાથી જ તે તમામ પ્લાનમાં અનલિમિટેડ 5જી ડેટા આપે છે જેમાં દરરોજ 2 જીબી મોબાઇલ ડેટા મળે છે. આ 5G ડેટા બૂસ્ટર પ્લાન્સ જિયોની વેબસાઇટ, માયજિયો એપ અથવા જિયો સ્ટોર અને રિટેલર પરથી રિચાર્જ કરાવી શકાય છે. આ ઉપરાંત કસ્ટમર ઇચ્છે તો ગૂગલ પે, એમેઝોન પે, ફોનપે અને પેટીએમ જેવી યુપીઆઇ-એપ્સથી આ પ્લાન રિચાર્જ કરાવી શકે છે.





