નોકરી માંથી રીટાયરમેન્ટ બાદ સામાન્ય રીતે લોકોને નાણાંની વધારે જરૂર પડતી હોય છે, કારણ કે તેમને તે સમયે તેમના ખર્ચને પહોંચી વળવા માટે તેમની પાસે ચોક્કસ આવકનું કોઇ માધ્યમ હોતું નથી. આથી રીટાયરમેન્ટ બાદ અને વૃદ્ધાવસ્થામાં પોતાની નાણાંકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તમારે આજથી યોગ્ય રીતે રોકાણ કરવું જોઇએ. જેથી તમે જ્યારે નિવૃત્ત થાઓ ત્યારે તમારે કોઇ પણ પ્રકારની નાણાંકીય મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
જો તમે પણ રીટાયરમેન્ટ બાદ વધારે કમાણી અને નફો મેળવવા ઇચ્છતા હોવ તો તમે અહીં જણાવેલા કેટલીક સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટની યોજના બનાવી શકો છો. તમે બે પ્રકારના રોકાણના વિકલ્પ – ફિક્સ ઇન્કમ સિક્યોરિટી અને ગ્રોવિંગ સિક્યોરિટીની પસંદગી કરી શકો છો. જો કે લોકોએ ફુગાવાનો દર – મોંઘવારી, જરૂરિયાત અને જીવનશૈલી અનુસાર રોકાણની યોજના તૈયાર કરવી જોઈએ, અહીંયા મૂડીરોકાણના કેટલાક વિકલ્પો આપેલા છે જેમાંથી તમે તમારી જરૂરીયાત અનુસાર પસંદગી કરી શકો છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)
રીટાયરમેન્ટ ફંડ્સ બનાવવા માટે આ એક લોકપ્રિય રોકાણ વિકલ્પ છે. લૉક-ઇન પિરિયડ 15 વર્ષનો હોવા છતાં, કોઇ વ્યક્તિ આકસ્મિક પરિસ્થિતિ જેવી કે મેડિકલ ખર્ચ અથવા આવી કોઈપણ નાણાકીય કટોકટીના કિસ્સામાં પાંચ વર્ષ બાદ સમય પહેલા ઉપાડનો વિકલ્પ પસંદ કરી શકે છે. PPFના રોકાણને કલમ 80C હેઠળ કર મુક્તિ પણ મળે છે.
ઇક્વિટી સ્ટોકમાં રોકાણ
જો તમે થોડુંક જોખમ લેવા તૈયાર છો અને શેરબજાર વિશે જામકારી – સમજ ધરાવો છો, તો તમે ઇક્વિટી સ્ટોકમાં રોકાણ કરી શકો છો, જે તમને ફુગાવાની સામે સારા પ્રમાણમાં કમાણી કરાવી શકે છે. ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ એ શેરબજારના જોખમને આધીન છે અને ડિવિડન્ડની આવક સાથે મૂડી લાભ પર ટેક્સ પણ ચૂકવવો પડે છે. ઇક્વિટી સ્ટોક્સ આધારિત રોકાણ એક રીતે અર્થપૂર્ણ બની શકે છે.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ
જો તમે થોડુંક ઓછું જોખમો લેવા ઇચ્છતા હોવ તો મ્યુચ્યુઅલ ફંડ તમારા માટે સૌથી સારો વિકલ્પ હોઈ શકે છે. તે તમને લાંબા ગાળે સારું વળતર આપી શકે છે. હાલના દિવસોમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સિસ્ટમેટિક વિથડ્રોલ સ્કીમ સાથે આવે છે, જે નિવૃત્તિ પછી માસિક આવકના સ્વરૂપમાં રિટર્ન આપી શકે છે.
સોના / ચાંદી - બુલિયન માર્કેટ :-
સોના, ચાંદી અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓમાં રોકાણ હંમેશા સારું વળતર આપે છે અને રીયાટમેન્ટ બાદના નાણાંકીય આયોજન માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. કિંમતી ધાતુઓમાં ઇન્વેસ્ટમેન્ટ રોકાણકારને જોખમોથી બચવાની સાથે સાથે માર્કેટની અસ્થિરતા વખતે નાણાંકીય નુકસાનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.