New Rules From 1 August 2025 : 1 ઓગસ્ટથી ઘણા મહત્વના નિયમોમાં ફેરફાર થયા છે અને અમુક નવા નિયમો લાગુ થયા છે, જેની તમારા ખીસ્સા પર સીધી અસર થશે. નાણાકીય બાબતો સંબંધિત આ નિયમોમાં ફેરફારથી તમારી બચત, રોકાણ અને ખર્ચ પર ઉંડી અસર થતી હોવાથી તમને આ વિશે જાણકારી હોવી જ જોઇએ. જો બેદરકારી રાખવામાં આવે તો તેનાથી નુકસાન પણ થઇ શકે છે. અહીં 1 ઓગસ્ટથી નવા લાગુ થનાર નિયમો અને ક્યાં નિયમોમાં ફેરફાર થઇ રહ્યા છે જેના વિશે જાણકારી આપવામાં આવી છે.
LPG Cylinder Price Change : રાંધણગેસ સિલિન્ડર કિંમત ફેરફાર
દર મહિનાની 1 તારીખે એલીપીજી ગેસ સિલિન્ડરની કિંમત બદલાય છે. રાંધણગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફારથી દરેક ઘરના રસોડાના બજેટ પર સીધી અસર થાય છે. તમને જણાવી દઇયે કે, 1 જુલાઇ, 2025ના રોજ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 60 રૂપિયા ઘટી હતી, જો કે ઘરેલું વપરાશ માટેના એલપીજીની કિંમત યથાવત રહી હતી. જો ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત ઘટે તો સામાન્ય માણસને રાહત મળી શકે છે.
SBI Credit Card Rules : એસબીઆઈ ક્રેડિટ કાર્ડ નિયમ
જો તમારી પાસે એસબીઆઈનું ક્રેડિટ કાર્ડ છે તો તમારા માટે એક મોટા સમાચાર છે. 11 ઓગસ્ટ 2025થી એસબીઆઈએ પોતાના અમુક બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ પર મળતા ફ્રી એર એક્સિડેન્ટ ઇન્શ્યોરન્સ કવર બંધ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે હવે SBI-UCO બેંક, સેન્ટ્રલ બેંક, કરુર વૈશ્ય બેંક, પીએસબી અને અલ્હાબાદ બેંક સાથે મળીને જારી કરાયેલા ELITE અને PRIME ક્રેડિટ કાર્ડ પર ઉપલબ્ધ 50 લાખ થી 1 કરોડ રૂપિયા સુધીનું ઇન્શ્યોરન્સ કવર બંધ થઇ જશે. આ નિર્ણયથી એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ધારકોને નુકસાન થશે.
UPI Rules : યુપીઆઈ નિયમ
1 ઓગસ્ટ, 2025 થી યુપીઆઈ યુઝર્સ માટે ઘણા નવા નિયમ લાગુ થવાના છે, જે ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવશે. જો તમે PhonePe, GPay કે Paytm જેવા થર્ડ પાર્ટી યુપીઆઈ એપનો ઉપયોગ કરે છે, તો તમે એક દિવસમાં માત્ર 50 વખત જ બેલેન્સ ચેક કરી શકશે. જ્યારે મોબાઇલ નંબરથી લિંક બેંક એકાઉન્ટને માત્ર 25 વખત જ ચેક કરી શકશો. પરંતુ AutoPay ટ્રાન્ઝેક્શન હવે 3 નિર્ધારિત ટાઇમ સ્લોટમાં જ પ્રોસેસ થશે. ફેલ ટ્રાન્ઝેક્શનનું સ્ટેટ્સ માત્ર 3 વખત અને 90 સેકન્ડના અંતર જ ચેક કરી શકાશે.
CNG, PNG Price Change : સીએનજી, પીએનજી ભાવમાં ફેરફાર થશે
1 ઓગસ્ટથી સીએનજી અને પીએનજીની કિંમત પણ બદલાઇ શકે છે. એપ્રિલ 2025થી અત્યાર સુધી ભાવ બદલાયા નથી. 1 ઓગસ્ટે ગેસ કંપનીઓ ભાવ સમીક્ષા કરશે.
RBI MPC Meeting August 2025 : લોન સસ્તી થવા સંભવ
ઓગસ્ટ મહિનામાં ફરીવાર બેંક લોન સસ્તી થવા સંબવ છે. 4 થી 6 ઓગસ્ટ દરમિયાન આરબીઆઈની મોનેટરી મિટિંગ યોજાવાની છે, જેમાં મુખ્ય વ્યાજદરોની સમીક્ષા થશે. જો રિઝર્વ બેંક રેપો રેટ કે રિવર્સ રેપોરેટમાં ઘટાડે તો હોમ લોન, પર્સનલ લોન સહિત વિવિધ બેંક લોન ફરી સસ્તી થઇ શકે છે.