Rupee Hits 6 Month Low Against Dollar : ટ્રમ્પ ટેરિફ ટેન્શનમાં ડોલર સામે રૂપિયો 6 મહિનાને તળિયે બોલાયો છે. મંગળવારે માર્કેટના શરૂઆતના કલાકમાં જ ડોલર સામે રૂપિયો 29 પૈસા તૂટ્યો અને 87.95 પ્રતિ ડોલર બોલાયો હતો. જે ડોલર સામે રૂપિયાનો 6 મહિનાનો સૌથી નીચો કરન્સી એક્સચેન્જ રેટ છે. ફોરેક્સ ટ્રેડર્સના જણાવ્યા મુજબ, રૂપિયો દબાણ હેઠળ છે અને આ અઠવાડિયે પણ દબાણમાં આવી શકે છે કારણ કે અમેરિકાએ ધમકી આપી છે કે જો તે રશિયન તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો ભારત પર ઊંચા ટેરિફ લાદવામાં આવશે.
ડોલર સામે રૂપિયો 29 પૈસા ઘટી 97.95 ખુલ્યો
મંગળવારે ઇન્ટરબેન્ક ફોરેન એક્સચેન્જમાં અમેરિકન ડોલર સામે રૂપિયો 87.95ની સપાટીએ નબળો ખૂલ્યો હતો, જે તેના અગાઉના બંધની સરખામણીએ 29 પૈસાનો ઘટાડો દર્શાવે છે. સોમવારે અમેરિકન ડોલર સામે રૂપિયો 87.66ની સપાટીએ સ્થિર થયો હતો. દરમિયાન, છ કરન્સીના બાસ્કેટ સામે ગ્રીનબેકની મજબૂતીનો અંદાજ લગાવતો ડોલર ઇન્ડેક્સ 0.04 ટકા વધીને 98.81 ની સપાટીએ પહોંચ્યો હતો. મંગળવારે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ 400 પોઇન્ટ ઘટી 80600 લેવલ નીચે ટ્રેડ કરી રહ્યા છે.
ક્રૂડ ઓઇલ પણ ઘટ્યું
વૈશ્વિક ઓઇલ બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.28 ટકાના ઘટાડા સાથે 68.57 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) મૂડી બજારમાં ચોખ્ખા વેચાણકર્તા હતા. પ્રાથમિક આંકડા મુજબ એફઆઈઆઈ એ સોમવારે રૂ.2,566.51 કરોડના શેર વેચ્યા હતા.
રૂપિયો કેમ ઘટ્યો?
નોંધનિય છે કે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઓગસ્ટથી ભારત પર 25 ટકાન જંગી ટેરિફ લાદી છે. આ દરમિયાન ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી અંગે પણ વાંધો ઉઠાવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, જો રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદવાનું ચાલુ રાખશે તો ભારત પર વધુ ઉંચા ટેરિફ લાદીશું. ટ્રમ્પે ભારત પર રશિયા પાસેથી જંગી પ્રમાણમાં ઓઇલ ખરીદવા અને ઉંચા ભાવે વેચવાનો આરોપ મૂક્યો છે.
રશિયાને તેની પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે “ગેરવાજબી અને આડેધડ” રીતે નિશાન બનાવવા બદલ ભારતે સોમવારે અમેરિકા અને યુરોપિયન યુનિયન પર વળતો પ્રહાર કર્યો હતો. વિદેશ મંત્રાલય (એમઇએ)એ જણાવ્યું હતું કે યુક્રેન સંઘર્ષ શરૂ થયા બાદથી રશિયા પાસેથી તેલ આયાત કરવા માટે અમેરિકા અને યુરોપિયન યુનિયન દ્વારા ભારતને નિશાન બનાવવામાં આવ્યા છે. હકીકતમાં, તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતે રશિયાથી આયાત કરવાનું શરૂ કર્યું કારણ કે સંઘર્ષ શરૂ થયા પછી પરંપરાગત પુરવઠો યુરોપમાં ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
“તે સમયે, અમેરિકાએ વૈશ્વિક ઊર્જા બજારની સ્થિરતાને મજબૂત કરવા માટે ભારત દ્વારા આવી આયાતને સક્રિયપણે પ્રોત્સાહન આપ્યું હતું,” એમ તેમાં જણાવાયું હતું. વિદેશ મંત્રાલય (એમઇએ)એ જણાવ્યું હતું કે રશિયાથી આયાતનો હેતુ ભારતીય ગ્રાહકો માટે ઊર્જાનો ખર્ચ પોસાય તેવો રાખવાનો છે.





