એક વર્ષથી વધારે સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત પોતાના જૂના દોસ્ત રશિયાની ભરપૂર મદદ કરી રહ્યું છે. વર્તમાન વિત્ત વર્ષમાં ભારતની રશિયાથી આયાત લગભગ 5 ગણી વધી ગઇ છે. વાણિજ્ય મંત્રાલયના આંકડાથી મળેલી જાણકારી પ્રમાણે કાચા તેલની આવક વધવાથી ભારતની રશિયાથી આયાત વર્તમાન વિત્ત વર્ષમાં (2022-23)માં 11 મહિના એટલે કે એપ્રિલ-ફેબ્રુઆરીના ગાળા દરમિયાન લગભગ પાંચ ગણી વધીને 41.56 અબજ ડોલર રહી છે.
આ પહેલા ગત વિત્ત વર્ષ (2021-22)માં રશિયા ભારતનો 18મો સૌથી મોટો આયાત ભાગીદાર હતો. આ દરમિયાન આયાત 9.86 અબજ ડોલર હતી. ભારતનું કુલ તેલ આયાત ફક્ત 0.2 ટકા રશિયાથી આવ્યું હતું. વર્તમાન વિત્ત વર્ષના પહેલા 11 મહિનામાં રશિયા ભારતનો ચોથો સૌથી મોટો આયાત સ્ત્રોત બની ગયો છે. ઉર્જા આપૂર્તિ પર નજર રાખનારી વોર્ટેક્સાના મતે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા પહેલા ભારતના કાચા તેલ આયાતમાં રશિયાની ભાગીદારી એક ટકાથી ઓછી હતી. તે જાન્યુઆરીમાં વધીને 12.7 લાખ બેરલ પ્રતિ દિવસ થઇ ગઇ છે. તેનાથી ભાગીદારી 28 ટકા થઇ ગઇ છે.
ચીન અને અમેરિકા પછી ભારત દુનિયામાં ત્રીજો સૌથી મોટો કાચા તેલનો આયાતકાર છે. ભારત હવે રશિયા પાસેથી છૂટ પર તેલ ખરીદી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે યુક્રેન પર રશિયાના હુમલા પછી પશ્ચિમી દેશોએ રશિયા સાથે વેપાર બંધ કરી દીધો છે.
આ પણ વાંચો – ભારતે યુરોપિયન યુનિયનમાં પેટ્રોલિયમ પ્રોડક્ટની નિકાસમાં કર્યો વધારો
મંત્રાલયના આંકડાથી જાણ થાય છે કે એપ્રિલ-ફેબ્રુઆરીના ગાળા દરમિયાન ચીનથી આયાત લગભગ 6.2 ટકા વધીને 90.72 અબજ ડોલર થઇ ગઇ છે. સંયુક્ત રાષ્ટ્ર અમિરાતથી આયાત 21.5 ટકા વધીને 48.88 અબજ ડોલર રહી છે. આ ગાળા દરમિયાન અમેરિકા સાથે ભારતની આયાત લગભગ 19.5 ટકા વધીને 46 અબજ ડોલર પહોંચી છે.
નિકાસના મામલામાં અમેરિકા વર્તમાન નાણાકીય વર્ષમાં 11 મહિના દરમિયાન ભારતીય નિકાસકારો માટે ટોચનું સ્થળ રહ્યું છે. કુલ નિકાસમાં તેનો હિસ્સો 17.5 ટકા રહ્યો. અમેરિકામાં નિકાસ આ દરમિયાન વધીને 70.99 અબજ ડોલર રહી, જે 2021-22માં એપ્રિલ-ફેબ્રુઆરી દરમિયાન 68.447 અબજ ડોલર હતી.
આંકડા પ્રમાણે UAEમાં નિકાસ 28.63 અબજ ડોલર રહી જે એક વર્ષ અગાઉ 2021-22માં 11 મહિનાના ગાળામાં 24.95 અબજ ડોલર હતી. જોકે ચાલુ નાણાકીય વર્ષમાં 11 મહિનામાં ચીનમાં નિકાસ ઘટીને 13.64 અબજ ડોલર રહી જે એક વર્ષ અગાઉ 2021-22ના સમાન સમયગાળામાં 19.81 અબજ ડોલર હતી.