SBIના લોનધારકો માટે ફરી માઠા સમાચાર આવ્યા છે. દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પાસેથી લોન લેવી હવે મોંઘી થઈ ગઈ છે. બેંકે મંગળવારે ધિરાણદરમાં 15 બેસિસ પોઈન્ટ એટલે કે 0.15 ટકા સુધીનો વધારો કર્યો છે. આથી હવે SBI પાસેથી લોન લેવી વધારે મોંઘી થઇ ગઇ છે. SBIના આ નવા વ્યાજદર આજથી એટલે કે 15 નવેમ્બર 2022થી લાગુ થશે.
SBI બેંકે એક વર્ષનો માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR) 0.10 ટકા વધારીને 8.05 ટકા કર્યો છે, જે અગાઉ 7.95 ટકા હતો. હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના વ્યાજદરો MCLRના આધારે નક્કી કરવામાં આવે છે.
બેંકે MCLRમાં 0.15% સુધી વધાર્યા
SBIની વેબસાઈટ અનુસાર, બે વર્ષ અને ત્રમ વર્ષના MCLR પણ 0.10 ટકા વધારીને અનુક્રમે 8.25 અને 8.35 ટકા કરવામાં આવ્યા છે. અગાઉ, બે વર્ષની મુદ્દત માટેનો MCLR 8.15 ટકા અને ત્રણ વર્ષની મુદ્ત માટે MCLR 8.25 પર હતો.

SBIએ એક મહિના અને ત્રણ મહિના માટેના MCLRમાં 0.15 ટકાનો વધારો કર્યો છે. આ વધારા સાથે બંને મુદ્તનો MCLR વધીને 7.75 ટકા થઈ ગયો છે. જે અત્યાર સુધી 7.60 હતો. તેવી જ રીતે બેંકે છ મહિનાની મુ્દ્દત માટેનો MCLR 0.15 ટકા વધારીને 8.05 ટકા કર્યો છે, જે અગાઉ 7.90 ટકા હતો. જો કે બેંકે ઓવર ધી નાઇટ એટલે કે એક દિવસ માટેના MCLRમાં કોઈ ફેરફાર કર્યો નથી.
લોનધારકોને શું અસર થશે
જ્યારે કોઈપણ બેંક તેના ધિરાણ દર (MCLR) માં ફેરફાર કરે છે, ત્યારે તેની સીધી અસર સંબંધિત બેંકના ગ્રાહકો પર પડે છે. બેન્ક દ્વારા MCLR રેટમાં વધારો કરવાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન સહિતની વિવિધ લોનની મોંઘી થઈ જાય છે, આવી લોનના વ્યાજદરો વધી જાય છે. SBIએ આજે વિવિધ મુદતના MCLR રેટમાં વધારો કરતા તેની વિવિધ લોન મોંઘી થઈ ગઈ છે.