Rs 2000 Notes : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી છે. આરબીઆઈએ કહ્યું છે કે 30 સપ્ટેમ્બર સુધી લોકો બેંકમાં જઈને પોતાની નોટ બદલી શકશે. જોકે આ નોટબંધી નથી પરંતુ 2000 રૂપિયાની નોટોને સર્કુલેશનમાંથી બહાર કરવાની રીત છે. હવે ભારતીય સ્ટેટ બેંકે (SBI) ગ્રાહકોને નોટ બદલવાને લઈને સારા સમાચાર આપ્યા છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 2000ની નોટ બદલવા માટે ગાઇડલાઇન જાહેર કરી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે નોટ બદલવા માટે તમારે કોઇ આઇડીની જરૂર નહીં પડે, કોઇ ફોર્મ પણ ભરવું પડશે નહીં. એક સાથે 10 નોટ એક્સચેન્જ થશે એટલે કે એક સાથે 20 હજાર સુધીની નોટ બદલી શકાશે.
જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર સતત મેસેજ વાયરલ થઈ રહ્યા હતા કે નોટ બદલવા માટે તમારે આધાર કાર્ડ કે આઈડીની જરૂર પડશે. સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મેસેજ વાયરલ થઈ રહ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગાઇડલાઇન્સ જાહેર કરી છે.
આ પણ વાંચો – 2000ની નોટ નકલી નીકળે તો થશે, બેંક શું પગલું લેશે? RBIના નિયમ જાણો
તમે તમારી નજીકની કોઈપણ શાખામાં જઈને તમારી 2000 રૂપિયાની નોટો બદલી શકો છો. આ માટે તમારું તે બેંકમાં ખાતું હોવું જરૂરી નથી. તમે સીધા બેંકના કાઉન્ટર પર જઈને નોટ બદલી શકો છો અને જો તમારું તે બેંકમાં ખાતું છે તો તમે તમારા ખાતામાં પૈસા પણ જમા કરાવી શકો છો. નોટ બદલવાની પ્રક્રિયા 23 મે થી શરૂ થશે, જે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. આરબીઆઈએ સ્પષ્ટ કહ્યું છે કે આ નોટબંધી નથી. 30 સપ્ટેમ્બર પછી પણ 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે.
2016માં જ્યારે નોટબંધીની જાહેરાત થઈ ત્યારે 2000 રૂપિયાની નવી નોટ રજૂ કરવામાં આવી હતી. સરકારે નવેમ્બર 2016માં 500 રૂપિયા અને 1000 ની નોટો બંધ કરી હતી. તેની જગ્યાએ 500 અને 1000ની નવી નોટો બહાર પાડવામાં આવી હતી. પરંતુ હવે 2000ની નવી નોટો બંધ કરવામાં આવી રહી છે. એટલે કે હવે 500 રૂપિયા દેશની સૌથી મોટી કરન્સી હશે.